કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં લઇ ખેડૂત મિત્રોને સૂચનાઓ* *હવામાન વિભાગની આગાહી મુજબ દાહોદ જિલ્લામાં તા. 18 માર્ચ, 2026 થી તા. 21 માર્ચ, 2026 દરમિયાન હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં લઇ ખેડૂત મિત્રોને સૂચનાઓ*

*હવામાન વિભાગની આગાહી મુજબ દાહોદ જિલ્લામાં તા. 18 માર્ચ, 2026 થી તા. 21 માર્ચ, 2026 દરમિયાન હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી*

દાહોદ તા. ૧૬ 

હવામાન ખાતાની આગાહી મુજબ તા. 18/03/2025 થી તા. 21/03/2025 દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને સાવચેત રહેવા અને પાકના સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

 

કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન ન થાય તે માટે ખેડૂતોને ખેતરમાં ઉતારેલ પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખેતરમાં પાણી ભરાઈ ન રહે તે માટે યોગ્ય નિકાસની વ્યવસ્થા રાખવી પણ જરૂરી છે.

 

આ ઉપરાંત ખેડૂતોને જંતુનાશક દવાઓ તથા ખાતરોનો ઉપયોગ આ સમયગાળા દરમિયાન પૂરતો ટાળવા તેમજ ખાતર અને બિયારણને ભેજથી બચાવી સુરક્ષિત રીતે સંગ્રહિત રાખવાની સૂચના આપવામાં આવી છે.

 

એ.પી.એમ.સી.માં વેચાણ માટે લાવવામાં આવેલા અનાજ અને કૃષિ પેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ શક્ય હોય તો આ દિવસોમાં વેચાણ ટાળવા અથવા પેદાશોને ઢાંકીને રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા કૃષિ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1800 180 1551 પર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું છે.

Share This Article