રાજેશ વસાવે :- દાહોદ
આરોપીની શોધમાં ગયેલી પોલીસની સ્કોર્પિયો પર પથ્થરમારો અને તોડફોડ:ભાબરા પોલીસના હસ્તક્ષેપ બાદ પરિસ્થિતિ કાબૂમાં
દાહોદ સરહદે MP ના કઠ્ઠીવાડામાં આણંદ પોલીસ પર ગ્રામજનોનો હુમલો, ભાબરા પોલીસની મદદથી ટીમ સુરક્ષિત બહાર કઢાઈ..
દાહોદ તા.03
દાહોદ જિલ્લાના સરહદી વિસ્તાર એવા મધ્યપ્રદેશના અલીરાજપુર કઠ્ઠીવાડા વિસ્તારમાં આણંદ પોલીસની ટીમ પર ભારે વિરોધ અને હુમલાની ઘટના સામે આવી છે.આરોપીની શોધમાં ગયેલી પોલીસ ટીમ પર ગામલોકોએ હુમલો કરતા પરિસ્થિતિ તંગ બની હતી. જોકે સ્થાનિક પોલીસના રક્ષણમાં આણંદ પોલીસને હેમખેમ ગુજરાતની સરહદમાં છોડવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીમાં સવાર આણંદ પોલીસના 4 કર્મચારીઓ દાહોદ જિલ્લાના સરહદે આવેલા મધ્યપ્રદેશ અલીરાજપુરના કઠ્ઠીવાડા નજીક નાની બડોઈ ગામમાં એક વ્યક્તિની શોધખોળ માટે પહોંચી હતી. જ્યાં ગામમાં પોલીસને જોતા જ કેટલાક ગ્રામજનો ઉશ્કેરાયા હતા.અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.વધતા તણાવને ધ્યાનમાં રાખીને આણંદ પોલીસ ટીમને ત્યાંથી પાછી ફરવી પડી હતી. જોકે આ દરમિયાન પરિસ્થિતિ બગડતા પોલીસ ટીમે કટ્ટીવાડા પોલીસ સ્ટેશનમાં આશરો લીધો હતો.થોડીવાર સુધી સ્થાનિક પોલીસના સંરક્ષણ હેઠળ રોકાયા બાદ ટીમ ત્યાંથી નીકળવા પ્રયત્ન કરી રહી હતી.પરંતુ કટ્ટીવાડાના બજાર વિસ્તારમાં પહોંચતા જ ફરી એકવાર ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ ફાળિયાથી સ્કોર્પિયો વાહનના ટાયર ફોડવાનો પ્રયાસ કર્યો હતો. ટાયર તો સુરક્ષિત રહ્યો, પરંતુ ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા.આ ઘટનાના પગલે બજાર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.આણંદ પોલીસની ગાડી આગળ વધી રહી હતી, પાછળથી ગ્રામજનોનો ટોળો દોડી રહ્યો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લેવા સ્થાનિક પોલીસ સક્રિય બની હતી. જોકે સદનસીબે ચંદ્રશેખર આઝાદ નગર ભાબરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી અને તેમની હાજરી વધતા જ ભીડ વેર વિખેર થઈ ગઈ હતી. આ ઘટનાની કટ્ટીવાડા પોલીસ સ્ટેશનના પ્રભારી દિનેશ સોલંકીએ પુષ્ટિ કરી છે કે ભાબરા પોલીસની મદદથી આણંદ પોલીસ ટીમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે.હાલ સુધી આ મામલે કોઈ સત્તાવાર ગુનો નોંધાયો નથી. સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે.
