દેવગઢ બારીઆ સબ જેલમાંથી વધુ એક કેદી ફરાર, જેલ વિભાગ અને પોલીસ તંત્ર દોડતું થયું

Editor Dahod Live
2 Min Read

દેવગઢ બારીઆ સબ જેલમાંથી વધુ એક કેદી ફરાર, જેલ વિભાગ અને પોલીસ તંત્ર દોડતું થયું

દાહોદ તા. ૯

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકા મથકે આવેલ સબ જેલમાંથી વધુ એક કેદી ફરાર થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ સબ જેલમાંથી અગાઉ પણ અનેક વખત કેદીઓ ફરાર થયાના બનાવો બન્યા છે. હાલ જેલ વિભાગના હવાલે સબ જેલ ગયા બાદ આ પહેલી મોટી ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ લીમખેડા તાલુકાના હાથિયાવન ગામનો રહેવાસી મનોજ ભરત કટારા (ઉંમર ૨૨ વર્ષ), જેની સામે લીમખેડા પોલીસ મથકે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે, તેને અંદાજે છ માસ અગાઉ દેવગઢ બારીઆ સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે રાખવામાં આવ્યો હતો. ગત રોજ રાતના કોઈ કારણસર તેને જેલની બેરેકમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ વહેલી સવારે ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓને ચકમો આપી આરોપી મનોજ કટારા સબ જેલમાંથી ફરાર થઈ ગયો હોવાનું કહેવાય છે.

ફરજ પરના પોલીસ જવાનોએ આ બાબતની જાણ જેલરને કરતા જેલર દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, પરંતુ આરોપી મળી ન આવતા આખરે જેલર દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરાર કેદીની ઘટનાને લઈ જેલ વિભાગ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જોકે, આ ઘટનાને પગલે જેલ વિભાગ તેમજ સ્થાનિક પોલીસ તંત્રની ઊંઘ ઉડી ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે. જિલ્લા પોલીસ દ્વારા અલગ–અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટે તેના ઘરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે દેવગઢ બારીઆ સબ જેલ અગાઉ સ્થાનિક મામલતદારના હવાલે હતી, જ્યારે છેલ્લા કેટલાક સમયથી તેનો હવાલો જેલ વિભાગને સોંપવામાં આવ્યો છે. તેમ છતાં ફરી એક વખત કેદી ફરાર થવાની ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Share This Article