રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ટુરિઝમ અંતર્ગત બેઠક યોજાઈ*
*એડવેન્ચર પ્રવાસન માટેના સ્થળનું નિરીક્ષણ કરીને પ્રિ-પ્લાનિંગ દ્વારા પ્રવાસનને મહત્વતા આપી વિકસાવવા માટે તમામ પ્રયત્નો કરવા-કલેકટર શ્રી યોગેશ નિરગુડે*
*રતનમહાલ, સાગટાળા જેવા સ્થળોએ એડવેન્ચર્સ-ઈકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસનને વેગ અને સ્થાનિક રોજગારીના નવા અવસરો ઉભા થશે*
દાહોદ તા. ૬
ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ દાહોદ જિલ્લાને પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. નાળધા ધોધ, રતનમહાલ, સાગટાળા, ઉધાલ મહુડા જેવા નેચરલ પ્લેસને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવા માટે ભવિષ્યલક્ષી આયોજન માટે કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદને એક નવી ઓળખ આપવા અને દાહોદને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્રના આ મહત્વના નિર્ણય થકી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગારના નવા અવસરો સાથે વોકલ ફોર લોકલનો ધ્યેય પણ સાર્થક બની રહેશે.

કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ એડવેન્ચર પ્રવાસન માટેના સ્થળનું નિરીક્ષણ કરીને પ્રિ-પ્લાનિંગ દ્વારા પ્રવાસનને મહત્વતા આપી વિકસાવવા માટે તમામ પ્રયત્નો કરવા માર્ગદર્શન સહિત સૂચના આપી હતી. કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રતનમહાલ, સાગટાળા જેવા સ્થળોએ એડવેન્ચર્સ-ઈકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસનને વેગ અને સ્થાનિક રોજગારીના નવા અવસરો ઉભા થશે.

સ્થાનિક યુવાનોને ગાઈડ તરીકે તાલીમ આપી, સ્થાનિક હોમ સ્ટે તેમજ ટુરિસટ્સનો ઉત્સાહ જળવાઈ રહે એ મુજબની વ્યવસ્થા આયોજન સહિત કરવાની છે. ટુરિસ્ટો માટે સેફટી, યોગ્ય જણાય ત્યાં પોઈન્ટ્સ ઊભા કરવા, જે કોઈ પણ ટુરિસ્ટ આવે તો એ ફરી-ફરી આવે અને અન્યોને પણ અહીં આવવા પ્રોત્સાહિત કરે એ મુજબની તૈયારી કરવા જણાવ્યું હતું.

તમામ સાઈટમાં સ્વચ્છતા જળવાઈ રહે, નેચરને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય, ટુરિસ્ટોને રહેવા-ખાવા-પીવાની વ્યવસ્થા પણ યોગ્ય હોય ટુરિસ્ટની જરૂરિયાત પૂર્ણ થાય એ સાથે પ્રાથમિક સુવિધાઓ અંગે સ્વચ્છતા રાખવી, દાહોદની ઓળખ અને દેશી ખાણુંને વન ભોજન ગણાતા એવા દાલ-પાનિયાના સ્વાદને ગુજરાત સહિત બહારથી આવતા તમામ ટુરિસ્ટો માણે એ મુજબની ખાણી – પીણી રાખવા સહિત લોકો અહીંથી જાય ત્યારે દાહોદને યાદ કરી ફરી આવવા પ્રેરાય એવી વ્યવસ્થા કરવાની છે.
આ બેઠક દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર શ્રી જે. એમ. રાવલ, પ્રાંત અધિકારીશ્રી લીમખેડા, પ્રાંત અધિકારીશ્રી દેવગઢ બારીયા, કંજેટા કેમ્પ સાઈટના અધિકારીશ્રીઓ, વન વિભાગ ના અધિકારી શ્રીઓ સહિત સંબંધિત અન્યઅધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000