
રાજેશ વસાવે :- દાહોદ
વલસાડ – દાહોદ ઇન્ટરસિટીના લીધે રતલામ-દાહોદ મેમુના પ્લેટફોર્મમાં બદલાવથી મુસાફરોની મુશ્કેલીઓ વધી.
દાહોદ રેલવે સ્ટેશન પર યાત્રી સુવિધાઓનો અભાવ: દિવ્યાંગ અને શારીરિક આશક્ત મુસાફરો મુશ્કેલીમાં.!!
દાહોદ તા.28
દાહોદથી નવી શરૂ થયેલી વલસાડ-દાહોદ એક્સપ્રેસ ટ્રેનના લીધે રતલામ દાહોદ મેમુ ટ્રેનના પ્લેટફોર્મમાં બદલાવ કરતા દાહોદ રેલવે સ્ટેશન પર એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા ન હોવાના કારણે પોતાના સાથે લગેજ કેરી કરતા મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે.તેમાંય ખાસ કરીને દિવ્યાંગ અને શારીરિક આશકત મુસાફરો તેમજ વૃદ્ધોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અગાઉ રતલામ દાહોદ મેમુ પ્લેટફોર્મ નંબર એક પર આવતી હતી. પરંતુ નવી શરૂ કરેલી ઇન્ટરસિટી દાહોદ એક્સપ્રેસ ટ્રેનનો સમય અને પ્લેટફોર્મ એક જ હોવાથી આ મુશ્કેલી ઊભી થઈ છે. નોંધનીય બાબત એ છે કે રતલામ દાહોદ મેમોમાં મોટાભાગના મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી દર્દીઓ દાહોદ સારવાર માટે આવતા હોય છે. આવા સંજોગોમાં પહેલેથી મુશ્કેલી ભોગવી રહેલા દર્દીઓ રેલવે તંત્રના કારણે વધુ ક્નગડતનો શિકાર થઈ રહ્યા છે. એટલું જ નહીં આ જ સમયે હરિદ્વાર બાંદ્રા દેહરાદુન નો ટાઈમ પણ વલસાડ ઇન્ટરસિટી ના આવવા જવાના સમય પર હોવાથી આ ટ્રેનને પણ પ્લેટફોર્મ નંબર એક પર લઈ જવામાં આવે છે. જેના કારણે મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ દાહોદ-વલસાડ એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ટ્રેન કોરોના કાળમાં બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટીના સ્થાને શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન સવારે 11:05 મિનિટે દાહોદ સ્ટેશન પર આવે છે અને પરત વલસાડ જવા માટે 11:55 મિનિટનો સમય છે. આ ટ્રેનને પ્લેટફોર્મ નંબર એક પર લાવવામાં આવે છે.જોકે, આ નવા ફેરફારના કારણે દાહોદ રેલવે સ્ટેશન પર યાત્રીઓ,ખાસ કરીને શારીરિક રીતે આશક્ત અને દિવ્યાંગ મુસાફરો માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે. આ સિવાય જે મુસાફરો મુસાફરી દરમિયાન લગેજ કેરી કરે છે. તેઓને પણ આ સમસ્યા નડી રહી છે.અગાઉ, સવારે 11:15 મિનિટે આવતી રતલામ-દાહોદ મેમુ ટ્રેન પ્લેટફોર્મ નંબર એક પર આવતી હતી.અને ત્યાંથી દાહોદ-આણંદ મેમુ તરીકે આગળ વધતી હતી.આ પહેલા હરિદ્વાર-બાંદ્રા-દેહરાદૂન ટ્રેન પણ આ જ સમયે આસપાસ પ્લેટફોર્મ નંબર એક પર આવતી હતી.પરંતુ હવે, વલસાડ-દાહોદ એક્સપ્રેસ ટ્રેનને પ્લેટફોર્મ નંબર એક પર લાવવામાં આવતી હોવાથી, રતલામ-દાહોદ મેમુ ટ્રેનને પ્લેટફોર્મ નંબર એકને બદલે પ્લેટફોર્મ નંબર બે પર વાળવામાં આવે છે.આ મેમુ ટ્રેનનો ઉપયોગ ખાસ કરીને દર્દીઓ સારવાર અર્થે દાહોદ આવવા માટે કરે છે.
*દાહોદ રેલવે સ્ટેશન પર મુશ્કેલીનું મૂળ આ છે.*
દાહોદ રેલવે સ્ટેશન પર એસ્કેલેટર કે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ નથી. પરિણામે, જે મુસાફરો સારવાર અર્થ દાહોદ આવતા હોય છે. તેઓ અને તેમાંય શારીરિક રીતે આશક્ત હોય અથવા દિવ્યાંગ હોય, તેમને પ્લેટફોર્મ નંબર બે થી પ્લેટફોર્મ નંબર એક પર આવવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમને સીડીઓ ચડ-ઉતર કરવી પડે છે, જે તેમના માટે અત્યંત કષ્ટદાયક સાબિત થાય છે.
*અમૃત ભારત સ્ટેશનની કાયાપલટ વચ્ચે વાસ્તવિકતા કંઈક જુદી છે.*
નોંધનીય છે કે, દાહોદ સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં, આટલી પાયાની યાત્રી સુવિધાઓ જેવી કે એસ્કેલેટર અને લિફ્ટનો અભાવ એ આશ્ચર્યજનક છે. રેલવે તંત્ર દ્વારા દાહોદ સ્ટેશન પર યાત્રી સુવિધાઓ માટે કોઈ ખાસ નક્કર આયોજન થયું ન હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. આ બાબત શારીરિક રીતે અશક્ત દર્દીઓ અને દિવ્યાંગો માટે મોટી ચિંતાનો વિષય છે.રેલવે તંત્ર દ્વારા આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપીને દાહોદ સ્ટેશન પર એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી યાત્રીઓ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.