
બાબુ સોલંકી :- સુખસર
*ઝાલોદ તાલુકાના ધાવડીયાના 18 વર્ષીય ગુમ યુવાનનો છ માસ બાદ પણ પત્તો નહીં મળતા પરિવાર મુશ્કેલીમાં*
*ગુમ યુવાન ગત ઓગસ્ટ-2024 માં ઘરના સભ્યોને ઝાલોદ ઝોલો લેવા જાઉં છું તેમ જણાવી નીકળ્યા બાદ પરત ઘરે આવ્યો નથી*
સુખસર,તા.18
દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અવાર-નવાર કિશોર, કિશોરીઓ મહિલા અને પુરુષો ગુમ થવાના કિસ્સા પ્રકાશમાં આવે છે.જે પૈકી મોટા ભાગના ગુમ લોકો સામાજિક કે પોલીસની સહાયતાથી પરત મળી આવે છે.અને કેટલાક કિસ્સાઓ એવા પણ છે કે,ગુમ થયેલી વ્યક્તિનો મહિનાઓ કે વર્ષો સુધી પત્તો લાગતો નથી તેવોજ એક કિસ્સો ઝાલોદ તાલુકાના ધાવડીયાનો 18 વર્ષીય યુવાન ઘરેથી ઝાલોદ જઈ પરત આવવા જણાવી નીકળેલ અને ત્યારબાદ પરત ઘેર નહીં આવતા યુવાનના માતા પિતા છેલ્લા છ માસથી પુત્રની શોધમાં લાગેલા છે.છતાં કોઈ પત્તો નહીં મળતા મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામના સુનિલભાઈ કલસીંગભાઈ ભાભોર ઉંમર વર્ષ આશરે 18ના ઓએ ધોરણ 11સુધી અભ્યાસ કરેલ છે. અને ગત ઓગસ્ટ-2024 ના ઘરના સભ્યોને જણાવેલ કે,હું બહારગામ મજૂરી કામે જવાનો છું.અને આજે કપડા વિગેરે મુકવા માટે ઝોલો લેવા ઝાલોદ જાઉં છું અને પરત ઘરે આવું છું.તેમ જણાવી ઘરેથી નીકળ્યો હતો. અને ત્યારબાદ પરત ઘરે નહીં આવતા સુનીલના પિતા કલસિંગભાઈ ભાભોરે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં જઈ પુત્ર ગુમ થયો હોવા બાબતે જાણ કરી હોવાનું ગુમ યુવાનના પિતા દ્વારા જાણવા મળ્યું છે.તેમજ સુનિલના પરિવારજનો છેલ્લા છ માસ ઉપરાંત થી સુનિલની શોધખોળ કરવા માટે સગા વ્હાલા તથા પરિચિતો તેમજ તમામ જગ્યાએ ફરી ચુક્યા છે.પરંતુ સુનિલનો કોઈ જગ્યાએ પત્તો મળ્યો નહીં હોવાનું જણાવે છે.