![દેવગઢ બારીઆના ઝાબમાં પશુઓ ચરાવવા ગયેલા આધેડ પર રીંછનો હુમલો,](https://dahodlive.com/wp-content/uploads/2024/08/IMG-20240802-WA0019-770x377.jpg)
દેવગઢ બારીઆના ઝાબમાં પશુઓ ચરાવવા ગયેલા આધેડ પર રીંછનો હુમલો,
મોઢા અને છાતીના ભાગે બચકા ભરતાં હાલત ગંભીર
દાહોદ તા.02
દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ઝાબ ગામે પુનઃ રીછના હુમલાને પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ઝાબ ગામે એક આધેડ જંગલમાં પશુઓ ચરાવવા માટે ગયાં હતાં ત્યારે રીંછના અચાનક હુમલાને પગલે રીછે આધેડને મોઢાના ભાગે તેમજ છાતીના ભાગે બચકા ભરી ગંભીર ઈજાઓ પહોંચાડતાં ગંભીર ઈજાગ્રસ્ત આધેડને ગોધરાની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકામાં વન્ય વિસ્તારમાં તેમજ રહેણાંક વિસ્તારોમાં જંગલી પશુઓના આતંકથી વિસ્તારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અવાર નવાર આવા વિસ્તારોમાં દિપડાના આતંક, રીંછના આતંકને પગલે લોકોના જીવ તાળવે ચોંટી ગયાં છે. ભુતકાળમાં દિપડા તેમજ રીંછના હુમલાને પગલે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયાં છે અને કેટલાંક લોકોએ તો પોતાનો જીવ પણ ગુમાવી બેઠા છે ત્યારે પુનઃ એકવાર રીંછના હુમલાને પગલે દેવગઢ બારીઆના ઝાબ ગામે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.ગતરોજ ઝાબ ગામે રહેતાં કોળી બાબુભાઈ રામસિંગભાઈ ગામમાં આવેલ નજીકના જંગલમાં પશુઓ ચરાવવા ગયાં હતા ત્યારે અચાનક એક રીંછે બાબુભાઈ ઉપર હુમલો કરી બાબુભાઈના મોઢાના ભાગે તેમજ છાતીના ભાગે રીંછે બચકા ભરતાં બાબુભાઈએ બુમાબુમ કરી મુકતાં પરિવારજનો તેમજ આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. આસપાસના લોકો દોડી આવતાં રીંછ જંગલ વિસ્તાર તરફ ચાલ્યો ગયો હતો.
ગંભીર ઈજાગ્રસ્ત બાબુભાઈને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. પરંતુ બાબુભાઈની ગંભીર ઈજાઓને ધ્યાન રાખી તેમજ તેમની હાલત વધુ ગંભીર બનતા તેઓને તાત્કાલિક ગોધરાની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. રીંછના હુમલાને પગલે ગ્રામજનોમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામી હતી ત્યારે આ અંગેની જાણ સ્થાનીક વન વિભાગના અધિકારીઓને કરવામાં આવતાં વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયાં હતાં જ્યાં રીંછને પાંજરે પુરવા માટે પાંજરાઓ પણ મુકવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.