બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના કાળીયા ગામની 60 વર્ષીય મહિલા ગુમ થતા પોલીસમાં જાણ કરાઇ
માનસિક અસ્થિરતાના કારણે છ દિવસ અગાઉ મહિલા ઘર છોડી ચાલ્યા જતા શોધખોળ કરવા છતાં મળી નહીં આવતા પોલીસમાં જાણ કરવામાં આવી
સુખસર,તા.21
ફતેપુરા તાલુકાના કાળીયા ગામ ના આશરે 60 વર્ષના મહિલા માનસિક સંતુલન ગુમાવી બેસતા ગત છ દિવસ અગાઉ ઘરે કોઈને જાણ કર્યા વગર નીકળી જતા તેની શોધખોળ દરમિયાન આજ દિન સુધી કોઈ પત્તો નહીં મળતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કાળીયા ગામના તળ ગામ ખાતે રહેતા પનાભાઈ જોખના ભાઈ મછારની પુત્રી કંકુબેન પનાભાઈ મછારના ઝાલોદ તાલુકાના પાણીવેડ ગામે લગ્ન થયેલ હતા.પરંતુ સમય જતા કંકુબેન માનસિક સંતુલન ગુમાવી બેસતા સાસરી છોડી પિતાના ઘરે આવી ગયા હતા.ત્યારથી પિયરમાં જ રહેતા હતા.અને સમયાંતરે માનસિક સંતુલન ગુમાવી બેસતા ઘરેથી નીકળી જતા હતા.અને પરત પણ ઘરે આવી જતા હતા.પરંતુ ગત 16 મે-2024 ના રોજ ઘરે કોઈને જાણ કર્યા વગર નીકળી જતા ઘરના સભ્યોએ તેમની શોધખોળ ચાલુ કરેલ પરંતુ મળી નહીં આવતા તેમજ પત્તો નહીં મળતા જેની આજરોજ ગુમસુદા કંકુબેન મછારના ભાઈ ગલાભાઇ પનાભાઈ મછારે સુખસર પોલીસ સ્ટેશનમાં પોતાના બહેન ગુમ થયા હોવા બાબતે લેખિત જાણ કરી છે.
ગુમસુદા કંકુબેન ઘરેથી નીકળ્યા તેવા સમયે લીલા કલરનો ચણીયો, લીલા કલરનો બ્લાઉઝ તથા સફેદ કલરની ઓઢણી તેમજ લાલ કલરનો ચાદર ઓઢેલ છે.તેઓ શરીરે મજબૂત બાંધાના તેમજ શ્યામ વર્ણના છે. ઉપરોક્ત વર્ણનવાળી મહિલાની ભાળ મળે તો સુખસર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.