બાબુ સોલંકી :- સુખસર
દાહોદ,પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના શિક્ષિત બેરોજગારોને ..
નકલી ડિગ્રી આપી અસલી નાણાં રળી લેતા લેભાગુ તત્વોની તટસ્થ તપાસ થવા માંગ
વિવિધ ડિગ્રીઓ અપાવવાના બહાના હેઠળ શિક્ષણના દલાલો દ્વારા શિક્ષિત બેરોજગારો સાથે થઈ રહેલી છેતરપિંડીની માયાજાળ અરવલ્લી જિલ્લા સુધી?
ટ્રસ્ટમાં નોંધાયેલ વિદ્યાર્થીનીઓની હજારો રૂપિયા સ્કોલરશીપ આવતા ટ્રસ્ટ સંચાલકો બારોબાર આ નાણાં ફીના નામે પડાવી રહ્યા છે
વિવિધ ડિગ્રીઓ માટે નોંધાયેલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પરીક્ષા આપ્યા વિના ઉંચા ગુણની માર્કશીટો પણ આપવામાં આવે છે
સુખસર,તા.12
દાહોદ,પંચમહાલ તથા મહીસાગર જિલ્લાના એસ.સી તથા એસ.ટી કેટેગરીના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા શિક્ષિત બેરોજગાર ભાઈ- બહેનોને કેટલાક ટ્રસ્ટ સંચાલકો ટ્રસ્ટના ઓથા હેઠળ ઘર બેઠા વિવિધ ડિગ્રીઓ અપાવવાના બહાના હેઠળ શિક્ષણના નામે છેતરપિંડી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.અને આવા કેટલાકલેભાગુ ટ્રસ્ટ સંચાલકોના દલાલો દ્વારા ગ્રામ્ય વિસ્તારોના ગરીબ,અભણ વાલીઓને તેમના સંતાનોને કોઈપણ પ્રકારની ફી ભરપાઈ કર્યા વિના સારા માર્કસ થી ઉંચી ડીગ્રી અપાવવાની લાલચ આપી જે-તે શિક્ષિત સંતાનના ઓરીજનલ સર્ટીફીકેટો લઈ જઇ ટ્રસ્ટમાં નોંધ કરાવી તેમના નામે સરકારમાંથી વિદ્યાર્થી દીઠ હજારો રૂપિયા સ્કોલરશીપ મંજૂર કરાવી લેવામાં આવે છે.આ નાણાં વિદ્યાર્થીઓને નહીં આપી ફીના નામે ટ્રસ્ટ સંચાલકો તથા તેના દલાલો દ્વારા ઓહિયા કરી જઈ વિદ્યાર્થીઓ તથા સરકાર સાથે વર્ષે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાંમાં આવતી હોવાના કિસ્સા બની રહ્યા છે.ત્યારે શિક્ષણના નામે ચાલી રહેલી ગેરરીતિ બાબતે સરકારે ધ્યાન આપવાની ખાસ જરૂરત જણાય છે.
જાણવા મળેલી વિગતો મુજબ દાહોદ,પંચમહાલ તથા મહિસાગર જિલ્લાના શિક્ષિત બેરોજગારો કે જેઓ કોઈક કારણોસર આગળ અભ્યાસ કરવા મજબૂર હોય તેવા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને કેટલાક ટ્રસ્ટ સંચાલકોના દલાલો દ્વારા ઘરે બેઠા અભ્યાસ કરી ઊંચી ડીગ્રી અપાવવાના બહાના હેઠળ વિદ્યાર્થીઓ સહિત સરકાર સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.તેમાં કેટલાક ટ્રસ્ટ દ્વારા એસ.આઇ,નર્સિંગ, બી.આર.એસ,એમ.આર.એસ,એ.એન.એમ,જી.એન.એમ જેવી ઘરે બેઠા ડિગ્રી અપાવવાની લાલચ આપવામાં આવે છે.અને આ શિક્ષણના દલાલો ખાસ કરીને શિક્ષિત વિદ્યાર્થીનીઓને ટાર્ગેટ બનાવી સમજાવી પટાવી તેમના પાકાં સર્ટીફીકેટો મેળવી લઈ રહ્યા છે.
ત્યારબાદ આ સર્ટીફીકેટો દ્વારા તેમના માનીતા ટ્રસ્ટમાં જે-તે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓની નોંધણી કરે છે.તેમજ સર્ટિફિકેટો લેતા સમયે શિક્ષણના દલાલો દ્વારા જે-તે વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની ફી ભરવાની હોતી નથી અને ફ્રી માં ઘરે બેઠા શિક્ષણ આપવામાં આવશે નું જણાવતા હોય છે.ત્યારબાદ જે તે કોર્સ ની મુદત પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સર્ટીફીકેટો તેમની પાસે જમા રાખતા હોય છે.જોકે વચ્ચે કોઈ વિદ્યાર્થીએ આવા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ નહીં મેળવવાનું જણાવતા તેવા વિદ્યાર્થીઓ પાસેથી હજારો રૂપિયાની ફી માંગણી કરવામાં આવે છે. અને તેમની માંગણી મુજબ ફી નહીં આપતા પાકા સર્ટીફીકેટો પરત આપવામાં આવતા નથી.ત્યારે અન્ય અભ્યાસમાં જવા માંગતા વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ પોતાને યોગ્ય અભ્યાસક્રમમાં જોડાઈ શકતા નથી.જેથી તેમની જિંદગી અવળા પાટે ચડી જતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય ધકેલાઈ રહ્યું છે. ટ્રસ્ટના ઓથા હેઠળ ખાસ કરીને પંચમહાલ દાહોદ તથા મહીસાગર જિલ્લાના આદિ જાતિની વિદ્યાર્થીની ઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે. જો કે નકલી શિક્ષણ દ્વારા ડિગ્રી ઓની માયાજાળ અરવલ્લી જિલ્લા સુધી પહોંચે તેવી શક્યતાને પણ નકારી શકાતી નથી.નોંધનીય બાબત છે કે,શિક્ષણના દલાલો દ્વારા આવા લેભાગુ ટ્રસ્ટમાં નોંધાયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના પણ ઊંચી ટકાવારીની માર્કશીટ પણ આપવામાં આવતી હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે!ત્યારે આવા ટ્રસ્ટ સંચાલકો જે-તે વિદ્યાર્થીના ભવિષ્ય સામે નહીં પરંતુ સરકાર પાસેથી વિદ્યાર્થીના નામે સ્કોલરશીપ મંજૂર કરાવવા માટે જ નકલી ડિગ્રી આપી અસલી નાણા રળી લેતા લેભાગુ તત્ત્વો વિદ્યાર્થીઓને હાથા બનાવી રહ્યા છે.જ્યારે આવા ટ્રસ્ટના સંચાલકો સાથે હાથ મિલાવી સહકાર આપતા સરકારના એટલે કે પ્રજાના લાખો રૂપિયા સરકારના જવાબદાર કર્મચારી ઓના મેળાપીપણાથી વ્યવસ્થિત રીતે કૌભાંડ આચરવામાં આવતું હોય ત્યારે લાગતા-વળગતા ઉચ્ચ અધિકારીઓ અને સરકાર ચૂપ કેમ છે?તે પણ એક સવાલ છે.
જોકે ઘરે બેઠા આવા કોર્સના બોગસ સર્ટીફીકેટ મેળવતા લોકોને નોકરી મળે તો પણ તે કેવી કામગીરી કરે?તે સમજી શકાય તેવી બાબત છે.ત્યારે લાગતા-વળગતા તંત્રો દ્વારા છેલ્લા પાંચેક વર્ષમાં પંચમહાલ,દાહોદ, મહીસાગર જિલ્લાના જે-તે વિદ્યાર્થીઓએ ઘરે બેઠા ટ્રસ્ટના માધ્યમથી પરીક્ષા વિના સર્ટિફિકેટ મેળવ્યા હોય તેઓ સહિત નકલી ડીગ્રી આપતા ટ્રસ્ટ સંચાલકો ની તટસ્થ તપાસ આવશ્યક છે તેમજ આવા ટ્રસ્ટો દ્વારા કેટલા વિદ્યાર્થીઓએ સર્ટિફિકેટ મેળવ્યા છે? અને કેટલા લોકોને નોકરી મળી?તેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો શિક્ષણના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી અને વિદ્યાર્થીઓની આડમાં સરકારી નાણાંનુ જે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તે સહિત બોગસ અભ્યાસ અને નકલી સર્ટીફીકેટો આપતા અને મેળવતા લોકોનો પર્દાફાશ થઈ શકે તેમ છે.