#DahodLive#
દેવગઢબારીયા તાલુકાના રેબારી ગામે માતા મુંઢેલ ડુંગર ઉપર રસ્તાની સુવિધા ઉભી કરવા લોકમાંગ
ડુંગર ઉપર ભીમ ના પગલાં, વાઘેશ્વરી માતાજી અને રત્નેશ્વર મહાદેવ ના મંદિર અને વાઘ ની ગુફા આવેલ છે..
દેવગઢ બારીયા તા. ૨૨
દેવગઢબારીયા તાલુકાના મોટીઝરી પાસે આવેલ રેબારી ગામ ખાતે ડુંગરની લાંબી હારમાળા આવેલ છે.જે જગ્યા એ ડુંગરની ઊંચી ટોચ ઉપર માતા મુંઢેલ,વાઘેશ્વરી માતા અને ભીમ ના પગલાં,વાઘેશ્વરી માંના મંદિર નીચે વાઘની બહુ ઊંડી ગુફા અને રત્નેશ્વર મહાદેવ નું મંદિર આવેલ છે. વર્ષો જુના આ સ્થાનક ઉપર રેબારી ગામ સહીત આજુબાજુ ના ધાર્મિક લોકો દર્શન કરવા આવતા હોય છે.
વડવાઓ ના જણાવ્યા મુજબ આ ડુંગર ઉપર પાંડવો વનવાસ દરમ્યાન અહીંયા આવી અને રોકાણ કર્યું હોવાની માન્યતા છે. ભીમ ના મહાકાય પગલા ની છાપ આજે પણ એક પથ્થર ઉપર દર્શાનિક પુરાવારૂપે જોઈ શકાય છે. બીજી પણ એક લોકવાયકા છે કે આ જગ્યા એ માતાજી ના મંદિર નીચે જે ભોયરુ છે તે ભોંયરા માંથી પાવાગઢ સુધી પણ ભોયરુ છે. ગામના જુના વડવાઓ જયારે વર્ષ માં એકવાર આ જગ્યા એ માતાજી અને દેવપૂજા નું આયોજન કરતા ત્યારે વાઘ સાક્ષાત આવી અને દર્શન આપી તે ભોંયરા માં આલુપ્ત થઈ જતો પછી તે વાઘ ક્યારે કોઈને જોવા નહીં મળતો. જે ભોયરુ કેટલું ઊંડું છે તેની સચોટ માહિતી હજુ કોઇ મેળવી શક્યા નથી. કેમકે તેમાં પથ્થર નાખતા ઘણીવાર પછી એ પથ્થર નીચે પડવા નો અવાજ સંભળાઈ છે. મહાશિવરાત્રી, નવું વર્ષ અને શ્રાવણ મહિના ના દર સોમવારે આ જગ્યા એ ભાવિક ભક્તો ની ભીડ જામે છે. ડુંગર ઉપર જવા માટે વર્ષો પહેલા એક સાંકડી કેડી હતી જે કેડી ની જગ્યા એ હાલમાં ગ્રામજનો દ્વારા લોકફાળો ભેગો કરી વાહન જઈ શકે તેવો માટી મેટલ રોડ બનાવવા માં આવેલ છે. વાઘેશ્વરી માતાજી અને રત્નેશ્વર મહાદેવ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા દરમ્યાન રાજકીય નેતાઓ એ આ ડુંગર ઉપર દર્શનાર્થીઓ ને આવવા જવા પાકા રસ્તા ની સુવિધા તાત્કાલિક અસર થી પુરી કરવામાં આવશે તેવું જાહેર જનતા સમક્ષ જણાવ્યું હતું.
ડુંગર નીચે પાકો ડામર રોડ પસાર થાય છે. જે પાકા ડામર રોડ થી ડુંગર ની ટોચ સુધી લગભગ અડધો કિલોમીટર પાકા રોડ ની જરૂરિયાત દર્શનાર્થીઓ માટે જણાય છે. વનવિભાગ બારીયા ના વિસ્તરણ રેન્જ દ્વારા પણ ડુંગર મંદિર નજીક ઉપર વનકુટિર બનાવી નજીક માં ઝાડવાઓ રોપી આ સ્થળ ને વિકસાવવા માટે પ્રયત્ન કરાઈ રહ્યા છે.
આમ દેવગઢબારીયા તાલુકા ના રેબારી ગામે ડુંગર ઉપર બિરાજમાન મહાદેવ અને માતાજી ના મંદિર જવા માટે જવાબદાર તંત્ર દ્વારા આરસીસી રસ્તો અથવા પાકો ડામર રોડ બનાવવા માં આવે તેવી ગ્રામજનો ની માંગ છે.