સિમલિયા કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી.
ઘોઘંબા તા. ૮

ઘોઘંબા તાલુકામાં આવેલ શ્રી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજ, સિમલિયામાં યુનો દ્વારા ઘોષિત 9 ઓગષ્ટ – ” વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી આજરોજ કરવામાં આવી હતી. કોલેજના પ્રમુખશ્રી નટવરસિંહ ચૌહાણે કાર્યક્રમ ની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.

પ્રિન્સિપાલ ડો. દિલીપકુમાર અમીને આદિ કાળથી આ દેશમાં વસવાટ કરતા લોકો તરીકે આદિવાસી શબ્દ નો અર્થ આપ્યો હતો અને ભાષા-બોલીઓ વિશે જાણકારી આપી હતી.વિદ્યાર્થિની કુ.ધર્મિષ્ઠા બારીયાએ આદિવાસી લોકગીત રજૂ કર્યુ હતુ. ડૉ. દિલીપસિંહ ચાવડાએ આદિવાસીઓના મેળાઓ વિશે જાણકારી આપી હતી.

પ્રા. હરિપ્રસાદ કામોલે જયપાલસિંહ મુંડા, બિરસા મુંડા અને શ્રી ગોવિંદ ગુરુ વિશે ટૂંકમાં પરિચય આપ્યો હતો.તથા આદિવાસીઓના બંધારણીય અધિકારો અને સાંપ્રત સમસ્યાઓ વિશે વાત કરી હતી. પ્રા. ડી.આર. ભુરિયાએ આદિવાસી ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણકારી આપી હતી. તેઓએ જોહાર અભિવાદનનો અર્થ સમજાવતા જણાવ્યુ હતુ કે સમગ્ર સૃષ્ટિના સર્વે જીવોનું કલ્યાણ કરતી પ્રકૃતિનો જય એટલે જોહાર. ડૉ. ડી. વી.ચૌધરીએ આદિવાસીઓની પ્રકૃતિ પૂજા અંગે જાણકારી આપીને પ્રકૃતિનું રક્ષણ અને જતન કરવા માટે શીખ આપી હતી.ડૉ. વિમલ ગાંધીએ આભાર દર્શન કર્યુ હતુ. પ્રા. હરિપ્રસાદ કામોલે કાર્યક્રમનું સંચાલન કર્યુ હતુ. કોલેજનો સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
