રાહુલ ગારી ગરબાડા
દે.બારિયા તાલુકામાં સંખ્યાબંધ વીજ પોલ ધરાશાયી:ભારે દબાણ વાળી ૩૩ લાઈનો તૂટી…
દાહોદ જિલ્લામાં તોફાની પવન તેમજ ગાજવીજ સાથે વરસેલા કમોસમી વરસાદે તારાજી સર્જી….
ગરબાડામાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી: જેસાવાડામાં ઉત્તર બુનિયાદી શાળાનો શેડ તૂટ્યો.
દાહોદમાં વીજલાઇન ડ્રિપ:વૃક્ષો વીજ લાઈન પર પડતાં રાતભર વીજળી ડૂલ રહી…
દાહોદ તા.૨૯
ગુજરાતમાં ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહીના પગલે મધ્ય ગૂજરાતના દાહોદ જિલ્લામાં ગત રાત્રે ભારે પવન તેમજ વીજળીના કડાકા ભડકા સાથે વરસેલા કમોસમી વરસાદે દાહોદ સહેર સહીત તાલુકા મથકો ઉપર ભારે તારાજી સર્જી હતી .જેમાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થતાં મોટી સંખ્યામાં વીજપોલ તેમજ ભારે દબાણવાળી લાઈન બ્રેક થતાં અંધારપટની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.તો બીજી તરફ આખી રાત મધ્ય ગૂજરાત વીજ કંપનીના કર્મચારીઓ ચાલુ વરસાદે કામગીરીમાં જોતરાયેલા જોવા મળ્યા હતાં.
દાહોદ જિલ્લામાં ગતરોજ રાત્રીના સમયે ગાજવીજ તેમજ ભારે પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી હતી. જેમાં દાહોદ શહેરના ચાકલિયા રોડ, તેમજ LCB ઓફિસ પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થઇ વીજલાઇન પર પડતાં વીજલાઇન તુટી જતાં અંધારપટ છવાયો હતો. તો કેટલાક વિસ્તારોમાં આખી રાત વીજળી ડૂલ થઈ જવા પામી હતી. વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે ગરબાડામાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થતા વીજલાઇન તૂટી જવા પામી હતી. તો ગ્રામ્ય વિસ્તારના કાચા મકાનોના પતરા ઉડ્યા હતા. તેમજ જેસાવાડા ખાતે ઉત્તર બુનિયાદી શાળાનો શેડ પણ વાવાઝોડામાં તૂટી જવા પામ્યા હતા . તો બીજી તરફ દે. બારિયામાં પણ વાવાઝોડા સાથે પડેલા વરસાદે નુકશાન પહોંચાડ્યું હતું. જેમાં દે .બારિયા નગરમાં ૧૫ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ૧૮ વિજપોલ,તૂટી પડ્યા હતા. તો વાવા ઝોડાના પગલે ૩૩ જેટલા વૃક્ષો પણ ધરાશાયી થયા હતાં. જેના પગલે દે. બારિયા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રાતભર અંધારપટ છવાઇ જવા પામ્યો હતો..