ધાનપુરના લીમડી મેન્દ્રી 12 વર્ષના બાળકના 16 વર્ષની કિશોરી સાથે લગ્ન કરવા ગયાને સરકારી ટીમે ત્રાટકી લગ્ન અટકાવ્યાં
દાહોદ તા.13
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લીમડી મેન્દ્રી ગામે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા પોલીસના સહયોગથી થતા એક બાળ લગ્નને અટકાવવામાં આવ્યાં છે.બાળકોની ઉંમર નાની હોવાથી વાલીઓને સમજાવ્યાં બાદ લગ્ન મોકુફ રાખવામા આવ્યાં હતા.
ધાનપુર તાલુકાના લીમડી મેન્દ્રી ગામે એક બાર વર્ષની બાળકના લગ્ન 16 વર્ષની કિશોરી સાથે કરવાનું આયોજન થઈ રહ્યું હતું. આ અંગેની જાણ દાહોદ જિલ્લા બાળ સુરક્ષા એકમ, સમાજ સુરક્ષા અધિકારી, લગ્ન પ્રતિબંધક અધિકારી અને ધાનપુર પોલીસને કરવામાં આવી હતી.આ તમામ અધિકારીઓનો કાફલો લગ્ન સ્થળે દોડી ગયો હતો. જ્યાં બંનેના પરિવારજનોને અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવ્યાં હતા અને અધિકારીઓ બાળ લગ્ન અટકાવવામાં સફળ રહ્યા હતા. સમગ્ર મામલે અધિકારીઓએ વાલીઓના નિવેદન લઇ કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લામાં બાળ લગ્નનું દુષણ હજીયે અકબંધ થોડા દિવસો પહેલા ગરબાડામા પણ બાળ લગ્ન થતા અટકાવવામા આવ્યા હતા. તે પહેલા પણ આવી ઘટનાઓ બની ચુકી છે ત્યારે દાહોદ જિલ્લામા હજીયે બાળ લગ્નોનું દુષણ જીવંત છે તે સ્પષ્ટ દેખાય છે. જેથી ગ્રામ્ય વિસ્તારોમા જન જાગૃતિની જરૂરિયાત હોવાનુ લાગી રહ્યુ છે.કારણ કે જે કિસ્સાઓમા જાણકારી મળે છે તે જ રોકી શકાય છે.ત્યારે તંત્ર ની જાણ બહાર આવા લગ્નો પાર પડી જતા હશે તે પણ નિશ્ચિત જ છે.