સ્માર્ટ સિટી અંતર્ગત ડિમોલેશનની કામગીરી ત્રીજા દિવસે પણ યથાવત..
દાહોદના રેલ્વે સ્ટેશન રોડ પર વહીવટી તંત્ર દ્વારા દબાણો ઉપર બુલડોઝર ફેરવ્યું..
6 દુકાનો તેમજ મુસ્લિમ મુસાફર ખાનાનું બહારનું બાંધકામ બુલડોઝર વડે જમીન દોસ્ત કરી..
રેલવે સ્ટેશનના બંને તરફના માર્ગ પર સ્માર્ટ રોડમાં અવરોધ રૂપ ઝુકાટો તેમજ ઓટલાઓ તોડી પડાયા…
દાહોદ તા.13
દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત ડિમોલેશનની કાર્યવાહી ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી. સ્ટેશન રોડ પર ગઈકાલે બાકી બચેલી નગરપાલિકાના શોપિંગ સેન્ટરોને તોડવાની કામગીરી ચાલી હતી તેની સાથે સાથે રેલવે સ્ટેશન રોડ પર સર્વે નંબર 86 ની બાજુમાં આવેલા રસ્તાની દબાણમાં આવેલી હજ એટલે દુકાનો પર બુલડોઝર ચાલ્યો હતો. તો બીજી તરફ મુસાફર ખાનાના આગળના ભાગને પણ વહીવટી તંત્ર દ્વારા ખુલ્લું કરી દેવામાં આવ્યું હતું તેની સાથે સાથે રેલ્વે સ્ટેશન રોડ પર બંને બાજુના ઝુકાટો તેમજ ઓટલાઓ પણ દૂર કરવામાં આવ્યા હતા.

દાહોદમાં ફેસ ટુના ડિમોલેશનની કામગીરી દરમિયાન ગઈકાલે સ્ટેશન રોડ પર આવેલા નગરપાલિકાના શોપિંગ કોમ્પલેક્ષ પર વહીવટીતંત્ર દ્વારા સફાયો કરી દેવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા બે દિવસમાં 500થી વધુ દુકાનો દ્વારા જમીન દોસ્ત કરી દેવામાં આવી હતી. ત્યારે આજરોજ વહેલી સવારથી જ સ્ટેશન રોડ પર ગઈકાલે બાકી રહેલ દુકાનોને તોડવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. તેમજ રેલવે સ્ટેશન રોડ પર આવેલા બંને તરફના માર્ગો ઉપર રસ્તાના દબાણમાં આવેલા ઝુકાટો તેમજ ઓટલા જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. તો બીજી તરફ સર્વે નંબર 86 થી અડીને આવેલી દુકાનો રસ્તા પૈકી દબાણમાં હોવાનું વહીવટી તંત્રને ધ્યાનમાં આવતા વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવા આવી પહોંચ્યા હતા તે સમયે દુકાનદારોને દુકાન તોડવાનું જણાવતા દુકાનદારો પણ ચોકી ઉઠ્યા હતા
તેઓના જણાવ્યા અનુસાર અમોને કોઈપણ પ્રકારની નોટિસ કે અગાઉથી જાણ કરવામાં આવી નથી તો હવે અમે શું કરીએ તે સમયે વહીવટી તંત્ર દ્વારા તેઓને ખાલી દુકાનો ખાલી કરવાનો સમય આપતા આસપાસના તમામ વેપારીઓ એક જુટ થઈ દુકાનો ખાલી કરવાની કામગીરીમાં જોડાઈ ગયા હતા અને થોડીક જ વારમાં દુકાન ખાલી થઈ જતા વહીવટી તંત્ર દ્વારા જેસીબી વડે આ દુકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. ત્યારે પાટણમાં અવરોધ રૂપ દબાણો દૂર કરવાનો સિલસિલો આજે ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા સ્ટેશન રોડ પર બાકી બચેલા દબાણ દૂર કરી કાટમાળને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
