પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તેવો દાખલો બેસાડતી દાહોદ પોલીસ…  દાહોદમાં પરીક્ષા દરમિયાન ત્રણ જુદા-જુદા બનાવોમાં પોલીસે ફરજની સાથે-સાથે પરીક્ષાર્થીઓની નોખી રીતે મદદ કરી માનવતા મહેકાવી.

Editor Dahod Live
4 Min Read

પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તેવો દાખલો બેસાડતી દાહોદ પોલીસ…

 દાહોદમાં પરીક્ષા દરમિયાન ત્રણ જુદા-જુદા બનાવોમાં પોલીસે ફરજની સાથે-સાથે પરીક્ષાર્થીઓની નોખી રીતે મદદ કરી માનવતા મહેકાવી.

દાહોદ તા.07

પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ ઉક્તિ સાર્થક કરતા એક નહીં પરંતુ ત્રણ જેટલા બનાવ દાહોદ જિલ્લામાં સામે આવ્યા છે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની કામગીરી માં જોતરાયેલી દાહોદ જિલ્લા પોલીસે પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોની જુદી જુદી રીતે મદદ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી.

 દાહોદ જિલ્લાના ચાર તાલુકા મથકો પર 59 પરીક્ષા કેન્દ્ર ઉપર તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી તેની સાથે સાથે નીટની પણ પરીક્ષાઓ યોજાઈ હતી. આ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષામાં દાહોદ જિલ્લામાં 20,090 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષાઓની તૈયારીઓને લઈને દાહોદ જિલ્લા પોલીસ છેલ્લા બે દિવસથી પેટ્રોલિંગ તેમજ બંદોબસ્તમાં જોતરાયેલી હતી. તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા નિર્વિઘ્ને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે છેલ્લા બે દિવસથી રાત દિવસ પોલીસ કામગીરીમાં જોતરાઈ હતી. ત્યારે આજરોજ પરીક્ષા દરમિયાન ત્રણ જુદા જુદા બનાવોમાં પોલીસે પોતાની ફરજની સાથે સાથે માનવતાનો અભિગમ અપનાવી ઉમેદવારોને મદદ કરી એક તરફ માનવતાની મહેક પ્રસરાવી હતી. તો બીજી તરફ પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તે ઉક્તિ પણ સાર્થક કરી હતી.જે પૈકી પ્રથમ બનાવમાં દાહોદના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાઈ હતી તે પરીક્ષામાં ગરબાડા તાલુકાના સરપંચ ફળિયાના દિનેશભાઈ મનાભાઈ ભુરીયા કે જેવો બંને પગે વિકલાંગ હોવાથી તેઓનો પરીક્ષા કેન્દ્ર નવજીવન સાયન્સ કોલેજમાં આવ્યો હતો તેથી તેઓ પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્ર ખાતે આવ્યા હતા જ્યાં પૈસા કેન્દ્રમાં એન્ટ્રી નો સમય ખૂબ જ નજીક હોવાથી તેઓ ધોમધકતા તાપમાં બંને હાથ વડે પરીક્ષા કેન્દ્ર તરફ જઈ રહ્યા હતા. તે સમયે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા નરૂભાઈ સંગાડા નામક પોલીસ કોન્સ્ટેબલની નજર આ દિવ્યાંગ વિદ્યાર્થી પર પડી હતી. જેથી તેઓએ એક પળનો વિલંબ કર્યા વગર દિનેશભાઈ ભુરીયા ની વહારે આવ્યા હતા અને તેઓને બંને હાથે ઉચકીને છેક પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડીને આવ્યા હતા એટલું જ નહીં બપોરના ધોમધક્તા તાપમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ આ કોન્સ્ટેબલે પુનઃ આ દિવ્યાંગ વિદ્યાર્થીને ઊંચકીને પરીક્ષા કેન્દ્રથી ગેટની બહાર તેના વહીકલ સુધી મૂકી મૂકી દીધો હતો તે સમયે આ દ્રશ્ય નજરે જોનારા લોકોએ આ કોન્સ્ટેબલની કામગીરી ને હર્ષભેર બિરદાવી લીધી હતી. જ્યારે બીજો બનાવ પણ સાઇન્સ કોલેજ ખાતે બન્યો હતો. જેમાં છેક વડોદરા થી દાહોદ આવેલી વિદ્યાર્થીની પોતાનો ઓળખ પત્ર વડોદરા મુકામે ભૂલી ગઈ હતી. અને પરીક્ષામાં પ્રવેશ કેન્દ્ર સમયે જ્યારે તેને ખબર પડી કે ઓળખકાર્ડ ઘરે ભૂલી આવી છે. અને ઓળખાણ વગર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં. એવું માલૂમ પડ્યા બાદ તે ગેટની બહાર ચૌધાર આંસુએ રડી રહી હતી. તે સમયે બંદોબસ્તમાં ઊભેલા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ મહેશ દેસાઈ ની નજર આ વિદ્યાર્થીની ઉપર પડી હતી. તેઓએ પહેલા તો આ વિદ્યાર્થીનીને રડતા શુભ કરાવી હતી અને સાત્વના આપી રડવાનો કારણ પૂછતા આ વિદ્યાર્થીને ઓળખ પત્રની વાત જણાવતા તેઓએ તાબડતોડ આ બાળકીના પરિવારજનોનો સંપર્ક કરી મોબાઈલ ઉપર આધારકાર્ડ મંગાવ્યું હતું અને પોતાની સરકારી ગાડીમાં બજારમાં લાવી તેનું ઓળખકાર્ડ કઢાવી અને સમયસર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાવતા આ વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી શકી હતી.ત્યારે ત્રીજા બનાવમાં નીટની પરીક્ષા આપવા આવેલી ઉસરવાની વિદ્યાર્થીની ભૂલથી બીજા સેન્ટર પર પહોંચી ગઈ હતી. તે સમયે ફરજ પર હાજર પીઆઇ પઢિયાર ની નજર આ વિદ્યાર્થીની પણ પડતા તેઓએ આ વિદ્યાર્થીની ની પૂછપરછ કરતા તેમને માલુ પડ્યું હતું કે આપ વિદ્યાર્થીની ભૂલથી બીજા સેન્ટર પર આવી ગઈ છે.જેથી તેઓએ તાબાડતોડ વિદ્યાર્થીનીને તેના નિયત પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી પોતાની ફરજની સાથે સાથે માનવતાનો અભિગમ અપનાવી વિદ્યાર્થીની ની મદદ કરી હતી. આમ ઉપરોક્ત ત્રણેય બનાવવામાં પોલીસે પોતાની ફરજની સાથે સાથે માનવતાનો અભિગમ અપનાવી વિદ્યાર્થીઓની મદદ કરી એક તરફ માનવતાની મહેક પ્રસરાવી હતી તો બીજી તરફ પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તે દાખલો પણ બેસાડ્યો હતો..

Share This Article