બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર બસસ્ટેશન વિસ્તારની બે કરિયાણાની દુકાનોમાં જાણભેદુ તસ્કરો સવા ત્રણ લાખ ઉપરાંતની માલમત્તાની તસ્કરી કરી ફરાર.
કરિયાણાની દુકાનોમાં ચોરી કરનાર ત્રણ તસ્કરો સી.સી.ટી.વી કેમેરામાં કેદ: જો પોલીસ તપાસમાં રસ લેતો તસ્કરોને શોધવા આસાન છે.
તસ્કરો એક દુકાનના મકાનના ધાબાની જાળીના સળિયા તોડી તથા બીજા મકાનના ધાબાનો લોખંડનો દરવાજો વાળી દુકાનોમાં પ્રવેશ્યા હતા.
ચોરીનો ભોગ બનેલા હીરાલાલ કલાલની કરિયાણાની દુકાનમાંથી ₹20,500/- જ્યારે નગીનભાઈ કલાલની કરિયાણાની દુકાનમાંથી ₹2,56,200/-સહિત ₹48000/- હજાર રૂપિયાના સીસીટીવી કેમેરાના નુકસાન મળી કુલ ₹ 3,24,700/-ની તસ્કરી બાબતે સુખસર પોલીસમાં જાણ કરાઇ.
ગત જુલાઈ-2022 માં કરિયાણાની દુકાનો તથા રહેણાંક મકાનમાં ચોરી કરનાર તસ્કરો સી.સી.ટી.વી માં કેદ થયા હતા,છતાં હાલ સુધી પોલીસના હાથ તસ્કરો સુધી પહોંચ્યા નથી.!
સુખસર તા.4
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોવાનું જણાઈ રહ્યું છે. તેમાં મારામારી,હત્યા,અકસ્માત,દેશી- ઇંગ્લીશ દારૂની હેરાફેરી,ચોરી અને દાદાગીરી જેવા ગુન્હા આચરતા ગુનેગારો બેફામ અને નિર્ભય બની માથું ઊંચકી રહ્યા છે.ત્યારે પ્રજામાં ભયનો માહોલ પણ વધતો જાય છે.ત્યારે અસામાજિક પ્રવૃત્તિ માં સંડોવાયેલા ઈસમોની સામે નિષ્પક્ષ પણે કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવાની ખૂબ જ આવશ્યકતા હોવાનું જણાઈ રહ્યુ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન વિસ્તાર હાઈવે માર્ગ ઉપર ચોવીસ કલાક અવરજવર કરતાં વાહનોથી ધમધમતા રહેતા વિસ્તારમાં શનિવાર રાત્રીના બે કરીયાણાની દુકાનોમાં ત્રણ જેટલા જાણભેદુ તસ્કરો દ્વારા સવા ત્રણ લાખ રૂપિયાની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે.તેમાં બસ સ્ટેશન ચોકડી પાસે કરિયાણાની દુકાન ધરાવતા હીરાલાલ મોતીલાલ કલાલ શનિવાર સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાની દુકાનને તાળા મારી રહેણાંક મકાન ઉપર ગયા હતા. ત્યારબાદ રાત્રીના સમયે કોઈ જાણ ભેદુ તસ્કરોએ દુકાનના ધાબા ઉપર આવેલ લોખંડના દરવાજાને નીચેથી વાળી દઈ તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા.અને દુકાનમાંથી રૂપિયા 3600/- નું પરચુરણ તથા રૂપિયા 3200/- ની ચલણી નોટો સહિત સાબુ,બદામ,કાજુ, બીડી,બિસ્ટોલ,બેટરી,દોરડું વગેરે રૂપિયા 20,500 ની ચોરી કરી 20,000/- હજાર રૂપિયાના સી.સી.ટી.વી કેમેરાની તોડફોડ કરી કુલ ₹40,500/_ નું નુકસાન પહોંચાડી ગયેલ હોવાનું જાણવા મળે છે.
જોકે ગત જુલાઈ-2022 માં નગીનભાઈ કલાલ તથા આસપાસમાં આવેલ અન્ય બે દુકાનોમાં તસ્કરો લાખો રૂપિયાની માલમતા ચોરી કરી ગયેલા હતા.તે સમયે પણ એક તસ્કર સી.સી.ટી.વી કેમેરામાં કેદ જણાતો હતો પરંતુ તેની આદિન સુધી કોઈ તપાસ થઈ નથી કે તસ્કર સુધી પોલીસ પહોંચી શકી નથી.ત્યારે આ જ દુકાનોમાં પાંચ મહિનામાં બીજી વાર ચોરી થઈ છે.અને ચોરી કરનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં આસાનીથી ઓળખી શકાય તેમ જણાઈ રહ્યા છે. ત્યારે સુખસર પોલીસ તસ્કરો સુધી પહોંચી શકશે કે કેમ?તે એક સવાલ છે.
જ્યારે બાજુમાં રહેતા નગીનભાઈ દીપચંદભાઈ કલાલ નાઓ પણ કરિયાણાની દુકાન ધરાવે છે.જેઓ એ પણ ગતરોજ રાત્રીના સાતેક વાગ્યાના અરસામાં પોતાની દુકાનને તાળા મારી પોતાના રેણાક મકાન ઉપર ગયા હતા.ત્યારબાદ રાત્રિના કોઈપણ સમયે જાણભેદુ તસ્કરોએ દુકાનના મકાનના ધાબા ઉપર ઉજાસ માટે રાખેલ લોખંડની જાળી તોડી તસ્કર લોકો દુકાનમાં પ્રવેશ્યા હતા.અને વિમલ,સિલ્વર,પાનપડીકી,બીડી,તમાકુ, ,કોલગેટ,સાબુ,તેલ જેવી કરિયાણાની ચીજ વસ્તુઓ સહિત પરચુરણ રૂપિયા 1000/- મળી કુલ ₹2,56,200 ના સામાનની ચોર લોકો ચોરી કરી ₹ 28,000/- ના સી.સી.ટી.વી કેમેરાની તોડફોડ કરી કુલ ₹2,84,200/-નું નુકસાન પહોંચાડી જાણભેદુ તસ્કરો પાછળની બાજુએથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
અત્રે ખાસ નોંધનીય બાબત છે કે, જો આ ચોરીમાં સુખસર પોલીસ રસ દાખવી તપાસ હાથ ધરે તો ગત રોજ રાત્રિના આ બે દુકાનોમાં ચોરી કરી જનાર ત્રણ તસ્કરો સી.સી.ટી.વી કેમેરામાં ચોખ્ખી રીતે કેદ થયેલા જણાઈ રહ્યા છે.અને આસાનીથી તેમનું પગેરું મેળવી ઝડપી શકાય તેમ હોવાનું પણ જણાઈ રહ્યું છે.
7 જુલાઈ-2022 માં સુખસરના સંતરામપુર રોડ ઉપર રહેતા અને સુખસર મહાદેવજી મંદિરની સામે કપડાની દુકાન ધરાવતા જીનગર ચંદન કુમાર શાંતિલાલના ઓના બંધ મકાનના તાળા તોડી સોનાના દાગીના તથા રોકડ મળી ફૂલ ₹ 2,65000/-ની ચોર લોકો ચોરી કરી ગયા હતા.જ્યારે હાઇવે માર્ગની સાઈડમાં કરિયાણાની દુકાન ધરાવતા ભુપેન્દ્રભાઈ કલાલની દુકાનમાંથી કરિયાણાનો સર સામાન ₹ 8,800 તેમજ બાજુમાં રહેતા પ્રવીણભાઈ સંગાડાના મકાનમાંથી ₹1000/- ની કિંમતનું પિત્તળનું બેડું તથા રોકડ ₹25,000 મળી કુલ ₹3,24,800 ની માલમત્તાની ચોર લોકો ચોરી કરી ગયેલા હતા.જે બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર લોકો વિરુદ્ધ કાયદેસર ગુનો પણ દાખલ કરવામાં આવેલ હોવા છતાં જે બાબતે કોઈ તપાસ નહીં થતાં પોલીસ મહાનિર્દેશક,ગાંધીનગર,આઈ.જી.પી. પંચમહાલ રેન્જ તથા ડી.એસ.પી. દાહોદના ઓને જીનગર ચંદન કુમાર શાંતિલાલ દ્વારા રજૂઆત કરવામાં આવેલ હોવાનું પણ જાણવા મળે છે.