ફતેપુરા તાલુકાના પાટવેલની પરિણીતાએ નીંદકાપુર્વ ગામે પિયરમાં જઈ ગળે ફાંસો ખાઈ મોત વહાલુ કરતા હાહાકાર.

Editor Dahod Live
4 Min Read

 બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના પાટવેલની પરિણીતાએ નીંદકાપુર્વ ગામે પિયરમાં જઈ ગળે ફાંસો ખાઈ મોત વહાલુ કરતા હાહાકાર.

દશ દિવસ અગાઉ પતિની ગેરહાજરીમાં સસરાએ રાત્રિના સમયે શારીરિક છેડછાડ કરતા પરણીતા પિયરમાં આવી હતી.

 ઘરના સભ્યો સંબંધીની ખબર કાઢવા સંતરામપુર દવાખાનામાં ગયા હતા ત્યારે પુત્રીએ એકાલતાનો ગેરલાભ ઉઠાવી પગલું ભર્યું.

પિયરમાં આવેલી પુત્રીને સાસરિયાઓ આજે બોલાવવા માટે નીંદકાપૂર્વ ગામે આવવાના હતા,તે પહેલા જ પગલું ભર્યું.

મૃતક પુત્રીના પિતાને ડરાવી- ધમકાવી પોલીસમાં જાણ કર્યા વિના સાસરિયાંઓ બારોબાર લાશ પાટવેલ ગામે લઈ ગયા.

મૃતક સુમિત્રા બેનના ભાઈએ સુખસર પોલીસ સ્ટેશનમાં જઈ મૌખિક જાણ કરતા ત્યાંથી પણ જાકારો મળ્યો!

સુખસર,તા.7

ફતેપુરા તાલુકામાં અવાર-નવાર અપમૃત્યુના બનાવો બનતા રહે છે.જે પૈકી મોટાભાગના કિસ્સાઓ સમાજનાજ કેટલાક કહેવાતા આગેવાનો દ્વારા કાયદાકીય ધાક ધમકી આપી અથવા તો સમાધાનનું રૂપ આપી ગંભીર ગુનાઓ ઉપર પડદો પાડી દેવા કાર્યરત છે.જેના લીધે તાલુકામાં ગંભીર ગુન્હાઓનું પ્રમાણ વધતું જાય છે.જેમાં એક વધુ બનાવ ફતેપુરા તાલુકાના પાટવેલ ગામની પરણીતાએ સસરાની હરકતથી મનમાં લાગી આવતા પિયરમાં આવી ગળે ફાંસો ખાઈ મોત વહાલું કરતા પિયરીયાઓમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે. બનાવને રફેદફે કરવા પંચ સહિત તંત્રના જવાબદારો દ્વારા મુખ્ય ભૂમિકા ભજવી હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ ગામે રહેતા રામસિંગભાઈ વાલાભાઈ મછારની પુત્રી સુમિત્રાબેનના લગ્ન ગત છ માસ અગાઉ તાલુકાના પાટવેલ આપ તલાઈ ગામના રાજેશભાઇ લાલસીંગ ભાઈ ગરાસીયાની સાથે સમાજના રિવાજ મુજબ થયેલ હતા.અને પતિ પત્નીનો ઘર સંસાર ખુશીથી ચાલતો હતો.જ્યારે મૃતકના ભાઈ દ્વારા જાણવા મળ્યા મુજબ ગત દશ-બાર દિવસ અગાઉ સુમિત્રાબેનનો પતિ રાજેશભાઈ ગરાસીયા કોઈ કામ અર્થે નીંદકાપૂર્વ ગામે સાસરીમાં આવેલ હતો. અને ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું હતું.તે દરમિયાન પુત્રવધુ સુમિત્રાબેનની એકલતાનો ગેરલાભ ઉઠાવી રાત્રિના સમયે સસરા લાલસીંગ ગરાસીયા એ સુમિત્રાબેનની શારીરિક છડછાડ કરી હોવા બાબતે સુમિત્રાબેને ઘરના સભ્યો સામે ભાંડો ફોડી દીધો હતો.તેમજ પતિ રાજેશ ઘરે આવતા સુમિત્રાબેને સસરા દ્વારા રાત્રીના સમયે પોતાની સાથે કરેલ ગેરવર્તનની વાત કરી હતી. જ્યારે પતિ રાજેશભાઈએ પત્નીનો પક્ષ લઈ સુમિત્રાબેનને મોબાઈલથી આ વાત પિયરીયાઓને જણાવવાનું કહેતા સુમિત્રાબેને પિયરમાં મોબાઈલથી હકીકત જણાવી હતી. અને સુમિત્રાબેનના પિતાએ પુત્રીના સાસરીમાં જઈ પોતાના ઘરે બોલાવી લાવ્યા હતા.ત્યારબાદ છેલ્લા દસ-બાર દિવસથી પુત્રી સુમિત્રાબેન પિતાના ઘરે રહેતી હતી.પરંતુ બુધવારના રોજ ઘરના સભ્યો સંતરામપુર દવાખાનામાં પોતાના સંબંધીની ખબર કાઢવા માટે ગયેલા હતા.તે દરમિયાન સુમિત્રાબેને એકલતાનો ગેરલાભ ઉઠાવી સાંજના ચારેક વાગ્યાના અરસામાં ઘરમાં દોરડા વડે ગળે ફાંસો ખાઈ મોતને વાહલું કરી લેતા પરિવારમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, રીસામણે પિયરમાં બેઠેલી સુમિત્રાબેન ને આજરોજ પાટવેલ આપતળાઈની પંચો બોલાવવા કે જે-તે નિકાલ કરવા માટે નિંદકાપૂર્વ ગામે આવનાર હતી. તેના એક દિવસ પહેલાજ સુમિત્રાબેને મોતને વહાલું કરી લીધું હોવાનું જાણવા મળે છે.વધુમાં મૃતક સુમિત્રાબેનના ભાઈ ભરતભાઈ દ્વારા જાણવા મળતી વિગતો મુજબ ઉપરોક્ત બનાવવાની હકીકત સુખસર પોલીસ સ્ટેશનમાં રૂબરૂ આવી જણાવતા સુખસર પોલીસે આ બનાવ તમારા ઘરે બન્યો છે,અને તમો કાયદાની આંટી ઘૂંટીમાં અટવાઈ જશો તેમ સમજાવી કોઈપણ જાતની નોંધ કર્યા વિના કાઢી મૂક્યા હોવાનું પણ જાણવા મળે છે.બીજી બાજુ સુમિત્રાબેનની લાશ પાટવેલ આપ તલાઈ ગામની પંચાએ આવી સમજાવી પટાવી લાશને તેમના ઘરે લઈ ગયા હોવાનું જાણવા મળે છે. આમ એક ગંભીર ગુનાને તમામ જગ્યાએથી દબાવવાની પૂરેપૂરી કોશિશ થઈ હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ આવે છે.

Share This Article