રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામેથી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂના જથ્થા ભરેલી પીકઅપ ગાડી ઝડપી: બુટલેગર ફરાર
હોળીના તહેવારો દરમિયાન લડી લેવા બુટલેગર તત્વો મેદાને: વિદેશી દારૂની બદીને કડક હાથે ડામી દેવા દાહોદ પોલીસ સક્રિય બની
પોલીસે બાતમીના આધારે 2,06,400 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો:2.50 લાખ કિંમતની પીકપ ગાડી તેમજ મોબાઇલ ફોન મળી કુલ સાડા ચાર લાખનો મુદ્દામાલ કબ્જે..
ગરબાડા તા.14
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામેથી પોલીસે બાતમીના આધારે પીક અપમાં ભરીને આવી રહેલા વિદેશી દારૂના 2,06,400 ના જથ્થાને ઝડપી લીધો છે. જ્યારે પોલીસને જોઈ વિદેશી દારૂનો જથ્થો લાવનાર બુટલેગર ગાડી રસ્તામાં મૂકી અંધારાનો લાભ લઇ ભાગી છૂટવામાં સફળ રહ્યો છે.
દાહોદ જિલ્લામાં હોળીનો તહેવાર નજીક હોવાથી આ વિસ્તારમાં બુટલેગરો દ્વારા હોળીના તહેવારમાં તગડો નફો રળી લેવા માટે બુટલેગર તત્વો દ્વારા વિદેશી દારૂની હેરફેર ના મોટા પ્રમાણમાં વેપલો કરવા માટે સક્રિય બન્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં તહેવારો દરમિયાન ગેરકાયદેસર વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા પોલીસ સક્રિય બની છે ત્યારે ગતરોજ ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે બાતમીના આધારે વોચ ગોઠવી આવતા-જતા વાહનોને તલાશી લઈ રહી હતી. તે દરમિયાન સામેથી વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહેલી પીકપ ગાડીના ચાલકને પોલીસને દૂરથી ઉભો રાખવાનો ઈશારો કરતા દારૂ લાવનાર બુટલેગર પોતાનો કબ્જાનો પીક અપ રસ્તામાં મૂકી અંધારાનો લાભ લઇ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતો. ત્યારબાદ પોલીસે પીકપ ગાડી ની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુ તેમજ બિયર ની 2,06,400 કિંમતની 2064 બોટલો મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ 2.50 લાખનો પીકઅપ ગાડી તેમજ મોબાઇલ ફોન મળી કુલ 4,56,900 ના મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉપરોકત બનાવ સંદર્ભે ગરબાડા પોલીસે વિદેશી દારૂનો જથ્થો લાવનાર તેમજ દારૂની હેરફેરમાં સામેલ બુટલેગર તત્વ સામે પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
