લગ્ન સમારંભમાં ચાલતા સંગીતના મધુર સૂર માતમમાં ફેરવાયા:નાચગાનના ઉન્માદમાં બંદૂકથી છૂટેલી ગોળીએ વરરાજાના પિતાનો જીવ લીધો: પોલીસ ફરિયાદ નોંધાઇ 

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

લગ્ન સમારંભમાં ચાલતા સંગીતના મધુર સૂર માતમમાં ફેરવાયા:નાચગાન દરમિયાન ઉન્માદમાં બંદૂકથી છૂટેલી ગોળીએ વરરાજાના પિતાનો જીવ લીધો: પોલીસ ફરિયાદ નોંધાઇ 

 દાહોદ તાલુકાના જાલત ગામે નાચગાન દરમિયાન યુવકે ઉત્સાહમાં કરેલા હવાઈ ફાયરિંગમાં વરરાજાના પિતા મોતને ભેટ્યા: પરિવારજનોમાં માતમ છવાયો

 લગ્ન સમારંભમાં ફાયરિંગના પગલે અફરા તફરીનો માહોલ છવાયો હતો:વરરાજાના પિતાનો સારવાર દરમિયાન મોત નીપજ્યું 

દાહોદ તા.૧૬

દાહોદ તાલુકાના જાલત ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં લગ્ન પ્રસંગમાં નાચગાન કરતી વેળાએ એક ઈસમે પોતાની લાયસન્સવાળી બંદુકમાંથી ફાયરીંગ કરતાં બંદુકમાંથી છરા છુટતાની સાથે જે યુવકના લગ્ન હતાં તેનાજ પિતાને આ બંદુકના છરા માથાના ભાગે બંદુકના છરા વાગી જતાં ગંભીર લોહીલુહાણ હાલતમાં તેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાતાં સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવારજમાં માતમ છવાઈ ગયો હતો. લગ્ન પ્રસંગ ટાળે બનેલ આ ઘટનાને પગલે લગ્ન પ્રસંગમાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી ત્યારે આ સંબંધે આરોપી વિરૂધ્ધ કતવારા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાલત ગામે નવા ફળિયામાં રહેતાં સુમિત્રાબેન ગોરાભાઈ બીલવાળના છોકરાનું લગ્ન હોઈ ગત તા.૦૪ એપ્રિલના રોજ ચાંદલા વિધી રાખી હતી. ચાંદલા વિધિનું કામ પુર્ણ થયાં બાદ સૌ કોઈ નાચગાનમાં મસગુલ હતાં. આ દરમ્યાન ગામમાં રહેતા નયનભાઈ સબુરભાઈ બીલવાળ પણ ત્યાં આવ્યો હતો અને પોતાની લાયસન્સવાળી બંદુક સાથે લાવ્યો હતો. નાચગાન દરમ્યાન ઉન્માદમાં બંદુકમાંથી જાહેરમાં ફાયરીંગ કરતાં સૌ કોઈ એકક્ષણે સ્તબ્ધ થઈ ગયાં હતાં. બંદુકમાંથી ફાયરીંગ કરતાની સાથે જ સુમિત્રાબેનના પતિ ગોરાભાઈને આ બંદુકના છરા માથાના ભાગે વાગી જતાં તેઓ સ્થળ પરજ લોહીલુહાણ હાલતમાં પડી ગયાં હતાં. લગ્ન પ્રસંગ ટાળે ચકચાર મચી જવા પામી હતી. ગંભીર ઈજાગ્રસ્ત ગોરાભાઈને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યા સારવાર દરમ્યાન ગતરોજ ગોરાભાઈનું મોત નીપજતાં પરિવાર સહિત પંથકમાં ચકચાર સાથે ગમગીની છવાઈ ગઈ હતી. પુત્રનાજ લગ્ન ટાળે પિતાનું આ ઘટનાને પગલે મોત નીપજતાં પરિવારમાં આક્રંદનો માહોલ સર્જાઈ ગયો હતો.

આ સંબંધે ગોરાભાઈની પત્નિ સુમિત્રાબેન ગોરાભાઈ બીલવાળે આ સંબંધે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

——————————————————-

Share This Article