
સૌરભ ગેલોત :- લીમડી
વીજ ચોરોમાં ફફડાટ:દેવગઢ બારીઆના ગામોમાં MGVCLની ટીમના દરોડા, 10 વીજ ચોરોને રૂ. 10 લાખનો દંડ ફટકારાતાં ચકચાર
28 ટીમોએ 93 ઠેકાણાં પર દરોડા પાડ્યા, કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ
દાહોદ તા.12
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ગામોમાં એમજીવીસીએલની ટીમોએ દરોડા પાડ્યા હતા. જેમાં 10 વીજ ચોર ઝડપાતા મધ્યગુજરાત વીજ કંપનીએ કુલ રૂપિયા 10 લાખનો વીજ દંડ ફટકારતાં વીજ ચોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં એમજીવીસીએલ દ્વારા વીજ ચોરી ઝડપી પાડવા માટેની ઝુંબેશ ચાલી રહી છે. તેના અનુસંધાને આજે 11મી માર્ચના રોજ દેવગઢ બારીયા સબ ડિવીઝનમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની વિજીલન્સ ટીમ તેમજ દાહોદ વિભાગીય કચેરીના સબ ડિવીઝનની મળી 28 ટીમો તાલુકામાં સરપ્રાઈઝ વીજ ચેકીંગ માટે ગઈ હતી.
આ ચેકીંગમાં જુદા જુદા 93 ઠેકાણે તપાસ હાથ ધરવામા આવી હતી. જેમાં 10 જેટલા ઈસમો વીજ ચોરી કરતા ઝડપાઈ ગયા હતા. જે સબબે આશરે 10 લાખ રૂપિયાનો વીજ ચોરોને દંડ ફટકારવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.