Sunday, 28/11/2021
Dark Mode

ફતેપુરા તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં લાખો રૂપિયાના ઘઉં તથા તેલનો જથ્થો ફળવાયો તેનો લાભ બાળકોને ક્યારે..!!??

June 1, 2021
        966
ફતેપુરા તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં લાખો રૂપિયાના ઘઉં તથા તેલનો જથ્થો ફળવાયો તેનો લાભ બાળકોને ક્યારે..!!??

બાબુ સોલંકી – દાહોદ 

ફતેપુરા તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં લાખો રૂપિયાના ઘઉં તથા તેલનો જથ્થો ફળવાયો તેનો લાભ બાળકોને ક્યારે..!!??

તાલુકાની ૨૯૭ આંગણવાડી કેન્દ્રોમાં મે મહિનામાં ૧૩૧૫ કટ્ટા ઘઉં તથા ૨૩૧૨ ડબ્બા ખાદ્ય તેલ ફળવાયુ.

 તાલુકાની કુલ આગણવાડી પૈકી ૬૮ આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં ચલાવાઈ રહ્યાં છે.

તાલુકામાં ચાલતાં આંગણવાડી કેન્દ્રોની ઉચ્ચ સ્તરેથી નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તો ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવવાની સંભાવના.

 

 ( પ્રતિનિધિ ) સુખસર,તા.૧

 ફતેપુરા તાલુકામાં દરેક ગામડા અને ફળિયામાં આંગણવાડી કેન્દ્રો આવેલા છે.જ્યાં જીરો થી પાંચ વર્ષ સુધીના બાળકોને પાયાનું શિક્ષણ આપી ભારતના ભવિષ્યને ઉજવળ બનાવવા માટે સરકાર દ્વારા માસિક કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમજ કોઈ બાળક કુપોષણનો ભોગ બને નહીં અને તંદુરસ્ત રહે તે માટે પૌષ્ટિક આહાર આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી નાના બાળકો સુધી પહોંચાડવામાં આવે છે.પરંતુ બાળકોને મળવાપાત્ર સરકારના આયોજન પ્રમાણે પૂરેપૂરો લાભ બાળકો સુધી પહોચતો નહીં હોવાની અનેકવાર પ્રજા દ્વારા તાલુકામાંથી ફરિયાદો પણ ઉઠે છે. ત્યારે ફતેપુરા તાલુકામાં ચાલતા આગણવાડી કેન્દ્રોની સમયાંતરે ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારી વિગતો પણ પ્રકાશમાં આવી શકે તેમાં કોઈ બેમત નથી.

     જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં કુલ ૨૯૭ આંગણવાડી કેન્દ્રો આવેલા છે.જેમાં ઘટક-૧ માં ૧૩૩ તથા ઘટક ૨ માં ૧૬૪ આંગણવાડી કેન્દ્રો ચાલી રહ્યા છે જે પૈકી ઘટક-૧માં ૩૪,જ્યારે ઘટક-૨ માં ૩૪ મળી ૬૮ જેટલા આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનોમાં ચાલી રહ્યા છે. ગત મે માસમાં આંગણવાડી કેન્દ્રોમાં ઘઉં તથા ખાદ્ય તેલની ફાળવણી કરવામાં આવી છે.તેમાં ઘટક-૧ ની ૧૩૩ આંગણવાડી કેન્દ્રમાં ૫૦કિલોના ૬૩૧ કટ્ટા ઘઉં તથા ખાદ્ય તેલના ૧૫ લિટરના ૧૧૫૯ ડબ્બા ફાળવવામાં આવ્યા છે.જ્યારે ઘટક-૨ માં ૫૦ કિલોના ૬૮૪ કટ્ટા ઘઉં અને ૧૫ લિટર ખાદ્ય તેલના ૧૧૫૩ ડબ્બા ફાળવવામાં આવ્યા હોવાનુંજાણવા મળે છે.

     આમ ફતેપુરા તાલુકામાં ગત મે મહિના માટે ફતેપુરા તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાં ૧૩૧૫ કટ્ટા ઘઉ તથા ૨૩૧૨ ડબ્બા ખાદ્ય તેલના ફાળવવામાં આવ્યા છે. જેમાં ફાળવવામાં આવેલ ઘઉંની સરેરાશ કિંમત રૂપિયા-૧૯,૭૨૫૦૦/- જ્યારે ખાદ્ય તેલની કિંમત રૂપિયા-૫૭,૮૦,૦૦૦/- કુલ મળી ફતેપુરા તાલુકામાં મે મહિના દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં ફાળવવામાં આવેલ ઘઉં તથા ખાદ્ય તેલના રૂપિયા-૭૭,૫૨૫૦૦/- નો સ્ટોક ફાળવવામા આવ્યો છે.અને આ સ્ટોક તમામ આંગણવાડી કેન્દ્રો એ મેળવી પણ લીધેલ છે.તેમ છતાં કેટલીક આંગણવાડીઓને બાદ કરતા મોટાભાગના આંગણવાડી કેન્દ્રોના બાળકો સુધી આ લાભ પહોંચ્યો નહીં હોવાનું જાણવા મળે છે.તેમજ આ બાબત કલ્પના કે આક્ષેપ નહીં પરંતુ સત્ય હકીકત છે.

        વધુમાં જોઈએ તો લોકડાઉન સમયથી બાળકોને ફળફળાદી વિતરણ બંધ કરવામાં આવેલ છે.અત્યારે સુખડીનું વિતરણ થાય છે.સુખડી માટે ગોળ અને શીંગદાણા લોકલ વેપારી પાસેથી ખરીદ કરવામાં આવતા હોવાનું જાણવા મળે છે.તેમજ સગર્ભા અને ધાત્રી બહેનોને ટી.એચ.આર ના પેકેટનું દર મહિને વિતરણ કરવામાં આવતું હોવાનું ફતેપુરા સી.ડી.પી.ઓ કચેરીના જવાબદારો દ્વારા જાણવા મળ્યું હતું.

 તાલુકામાં આગણવાડી થી લઈ શાળા-કોલેજો બંધ છે,ત્યારે આંગણવાડી કેન્દ્રોમાં ઘઉ અને ખાદ્યતેલ ફાળવવા નો અર્થ શું?

     કોરોના સંક્રમણના લીધે છેલ્લા એક વર્ષથી આંગણવાડી થી લઈ શાળા-કોલેજો બંધ છે.અને ખાસ કરીને તાલુકાના કેટલાક આંગણવાડી કેન્દ્રોમાં જણાવેલ બાળકોની સંખ્યા ની દ્રષ્ટિએ જોતા તે સાચી હોતી નથી. તેમજ કેટલાક આંગણવાડી કેન્દ્રો સરકારી ચોપડે બોલતા હોવા છતાં સ્થળ ઉપર કાગળ ઉપર ચાલતા હોવાનું પણ જોવા મળે છે.તેમજ કેટલીક આંગણવાડી કેન્દ્રોને બાદ કરતા મોટાભાગના આંગણવાડી કેન્દ્રોમાં ગરમ નાસ્તા કે ફળફળાદિ આપવામાં આવતા નથી.તેમ છતાં ખોટા બિલો બનાવી સરકારી નાણાં હડપ કરવામાં આવતા હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે.જ્યારે હાલ લોકડાઉનના લીધે તમામ આંગણવાડી કેન્દ્રો બંધ છે,કોઈ આંગણવાડી કેન્દ્રમાં ગરમ નાસ્તો આપવામાં આવતો નથી. પરંતુ જે તૈયાર સુખડીના પેકેટો આવે છે તે ક્યારેક કોઈ બાળક આગણવાડી ઉપર જાય ત્યારે પકડાવી દેવામાં આવે છે. તે સિવાય ઘઉં કે તેલ થી બનાવેલ કોઈ વાનગી આપવામાં આવતી નથી. ત્યારે ગત મહિનામાં કરોડો રૂપિયાના ઘઉં તથા ખાદ્યતેલ વિતરણ કરવામાં આવ્યું છે.તેનો આંગણવાડી સંચાલકોએ બાળકોને કોઈ લાભ આપ્યો છે કે કેમ? આંગણવાડી સંચાલકો જો આ લાભ બાળકોને આપ્યો હોય નું જણાવતા હોય તો  

 તેની તપાસ આંગણવાડીમાં નોંધાયેલ બાળકોના ઘરે-ઘરે જઈ ઝીણવટ પૂર્વ તેની ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો ગંભીર ગોટાળા બહાર આવી શકે તેમાં કોઈ બેમત નથી. સરકાર દ્વારા પ્રજાને આપવામાં આવતા લાભોના નાણાં પ્રજાના છે,અને તેનો દુરુપયોગ થાય તે યોગ્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!