ફતેપુરામાં પાલખ ઉપરથી પડેલા શ્રમિકનું માથામાં ગંભીર ઇજાના કારણે મોત,નવીન મકાનને પ્લાસ્ટર કરવા બાંધેલ પાલખના વાસ સાથે બોલેરો પીકપ ના ચાલકે ટક્કર મારતા શ્રમિક નીચે પટકાયો હતો.
સુખસર તા.31
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બુધવારના રોજ સવારના દસ વાગ્યાના અરસામાં એક નવીન મકાનના પ્લાસ્ટર માટે રોડની સાઈડમાં બાંધેલ વાસના ટેકા સાથે બોલેરો પીકપના ચાલકે તેના કબજાની ગાડીને પૂરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી ટક્કર મારતા પાલક ઉપર કામ કરી રહેલો શ્રમિક જોશભેર દીવાલ શાથે અથડાઇ નીચે પટકાતા માથામાં ગંભીર ઇજાના કારણે તેનું મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ભાટમુવાડી ખાતે રહેતા માનસિંગભાઈ રાયસીંગભાઈ ડીંડોર ઉંમર વર્ષ આશરે ૩૮ નાઓ મજૂરી કામ કરતા હતા અને બુધવારના રોજ ફતેપુરા ખાતે ફતેપુરા મેઇન રોડ તરફ રાધાકૃષ્ણ સોસાયટીની અંદર તરફ જતા રસ્તા ઉપર બચુભાઈ સોમાભાઈ પણદાના મકાનના પ્લાસ્ટર માટે પાલખ બાંધવા માટે વાસના ટેકા ઉભા કરવામાં આવેલ હતા.અને આ પાલખ ઉપર માનસિંગભાઈ ડીંડોર પ્લાસ્ટર કામ કરી રહ્યા હતા.તે દરમિયાન સવારના દસેક વાગ્યાના અરસામાં બોલેરો પીકપ નંબર જીજે.૨૦- એક્સ-૦૦૩૦. ના ચાલકે તેના કબજાની ગાડીને પૂરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી પાલખ માટે ઊભા કરવામાં આવેલ વાસના ટેકા સાથે જોશભેર ટકકર મારતા પાલખ ઉપર કામ કરી રહેલા માનસિંગભાઈ ડીંડોર દિવાલ સાથે ટકરાઈ જોશભેર નીચે પટકાયા હતા. જેમાં તેઓને માથામાં ગંભીર ઇજાઓ થતા તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દ્વારા ફતેપુરા સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે માનસિંગભાઈ ડીંડોરને મૃત જાહેર કર્યા હતા.જ્યારે બોલેરો પીકપનો ચાલક તેના કબજાની ગાડીને સ્થળ ઉપરથી ભાગાવી ગયો હોવાનું જાણવા મળે છે. માનસિંગભાઈ ડીંડોર નું અકાળે આકસ્મિક મોત નિપજતા પરિવારમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
ઉપરોક્ત બાબતે તુલસીભાઈ ચુનીયાભાઈ ડામોરે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા બોલેરો ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી લાશનુ ફતેપુરા સરકારી દવાખાનામાં પી.એમ બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.