Monday, 26/09/2022
Dark Mode

દાહોદ:મધ્યપ્રદેશ ભણી વેચાણ અર્થે જતો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો:પોલિસે શાળા સંચાલકની અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કર્યો

દાહોદ:મધ્યપ્રદેશ ભણી વેચાણ અર્થે જતો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો:પોલિસે શાળા સંચાલકની અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કર્યો

   જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.10

દાહોદ તાલુકાના આગાવાડા લીમડી ફળિયાં પ્રાથમિક શાળાનો સંચાલક મધ્યાહન ભોજનનો ઘઉં અને ચોખા સહિતનો સરકારી અનાજ ટેમ્પામાં ભરી મધ્ય પ્રદેશના પીટોલ ખાતેના એક દુકાનદારને વેચવા જતી વેળાએ ગામના કેટલાક લોકોએ શાળા સંચાલકને સરકારી અનાજ સાથે રંગેહાથ ઝડપી લઇ કતવારા પોલીસને સુપરત કરતા કતવારા પોલિસે શાળા સંચાલકની અટકાયત કરી સરકારી ઘઉં અને ચોખા સહીતનો મધ્યાહન ભોજનનો સરકારી અનાજ તેમજ ટેમ્પો મળી કુલ 1,11,239 ના મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક તરફ રાજ્ય સરકાર કુપોષિત બાળકો,ગર્ભવતી મહિલાઓ તેમજ ગરીબ અને જરૂરીયાત મંદ લોકો માટે સસ્તા અનાજનો પુરવઠો પુરો પાડી સાથે – સાથે આંગણવાડીઓમાં પણ કોઈ બાળક ભૂખ્યું ન રહે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા શહેર શહેર તેમજ ગામડે ગામડે અનાજનો પુરવઠો પહોંચાડે છે. ત્યારે કેટલાક લોભિયા તેમજ ભ્રષ્ટ તત્વો દ્વારા આવા સસ્તા અનાજના અને સરકારી જથ્થાનો કાળા બજારી કરી રોકડી કરી લઈ પોતાની તિજોરીઓ ભરવામાં લાગ્યા છે.ત્યારે આવો એક કિસ્સો દાહોદ જિલ્લાના કતવારા ગામે બનવા પામેલ છે. જેમાં આગાવાડા પ્રાથમિક શાળાનો સંચાલક લલિત વરસીંગ ભાભોર મધ્યાહન ભોજનનો ઘઉંની 6 ગુણ તેમજ ચોખાના 6 ગુણ સરકારી અનાજ ટેમ્પોમાં ભરી મધ્યપ્રદેશના પીટોલ ખાતે આવેલ જગુભાઈની દુકાનમાં વેચાણઅર્થે લઇ જતો હતો.ત્યારે ગામના કેટલાક લોકોએ લલિત ભાભોરને સરકારી અનાજ સાથે રંગેહાથે ઝડપી પાડ્યો હતો.ત્યારબાદ ગામલોકોએ અનાજના કાળાબજાર કરતા લલિતને મુદ્દામાલ સાથે કતવારા પોલિસને સુપરત કર્યો હતો.પોલિસે આ મામલે સરકારી અનાજ તેમજ ટેમ્પો જપ્ત કરી આ મામલે આગળની કાર્યવાહી માટે પુરવઠા વિભાગને જાણ કરી હતી. અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગરીબ બાળકોને આપવામાં આવતો અનાજનો જથ્થો બારોબાર કાળાબજારમાં બેફામ વેપલો દાહોદ જિલ્લામાં થવા માંડયો છે.ત્યારે સંલગ્ન તંત્ર દ્વારા આવા કાળાબજારિયાઓ સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી લાગણી અને માગણી ઉઠવા પામી છે.

રાજ્ય સરકારના પુરવઠા વિભાગના અનાજનું મધ્ય પ્રદેશમાં વેચાણ થતું હતું

દાહોદ તાલુકાના આગાવાડા ગામનો શાળા સંચાલક ગરીબ બાળકોને ખાવા માટેના સરકારી ઘઉંની 6 તેમજ ચોખાની 6 ગુણો છોટા હાથીમાં ભરી મધ્યપ્રદેશના પીટોલ તરફ જતો હતો.તે સમયે ગામના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા સરકારી અનાજ સાથે  કાળાબજારીયા લલિત ભાભોરને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કતવારા પોલીસના હવાલે કર્યો હતો.જોકે હાલ પોલીસે ચાલકની અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરવા માટે પુરવઠા વિભાગને જાણ કરી હોવાનું જાણવા મળે છે.

આગાવાડા પ્રાથમિક શાળામાં ઘણા સમયથી સરકારી અનાજ બારોબાર સગેવગે કરી કાળાબજારી થતું હોવાનું અનુમાન: તટસ્થ અને નિષ્પક્ષ તપાસ જરૂરી બની 

 દાહોદ તાલુકાના આગાવાડા ગામનો લલિત ભાભોર નામક સંચાલક ગરીબ બાળકોનો  અનાજ ઘઉં અને ચોખા લોડિંગ ટેમ્પામાં ભરી વેચાણઅર્થે મધ્યપ્રદેશ તરફ જતો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાહુલ્ય ધરાવતા અને છેવાડાના વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે વિવિધ યોજના હેઠળ ખાદ્ય સામગ્રીથી લઇ વિવિધ સહાય પૂરી પાડવામાં આવે છે.ત્યારે કેટલાક લોભિયા અને ભ્રષ્ટ તત્વો પોતાના નિજી સ્વાર્થ હેતુ સરકારી અનાજને બારોબાર સગેવગે કરી અનાજ ની કાળાબજારી કરી રહ્યા છે.ત્યારે પ્રાથમિક શાળામાં સરકારી અનાજ બારોબાર વેચવાનો કૌભાંડ કેટલા દિવસથી ચાલી રહ્યો છે? અને આ કાળાબજારીમાં કેટલા લોકો સંડોવાયેલા છે.તેની પણ તપાસ અનિવાર્ય બની જાય છે.તેમજ આ સિવાય પણ કેટલીક જગ્યાએ સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે થતો હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી છે. જ્યારે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં પુરવઠા વિભાગ દ્વારા આ મામલે તટષ્ટ અને  નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો હજી કેટલાય  અનાજના કાળાબજારી કરતા તત્વોનો પર્દાફાશ થાય તેમ છે.

error: Content is protected !!