
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ- 2024 અંતર્ગત રેલીનું આયોજન કરાયું
સુખસર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન બાબતે વિવિધ સૂત્રો સાથેના પોસ્ટરો દ્વારા વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા સુખસર ગામમાં રેલી કાઢવામાં આવી
સુખસર,તા.15
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની બેદરકારીના કારણે વાહન અકસ્માતો વધતા જાય છે.જેમાં કેટલાક નિર્દોષ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે.ત્યારે દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2024 અંતર્ગત જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનો દ્વારા પ્રજા સહિત વાહન ચાલકોમાં જાગૃતિ આવે અને ભવિષ્યમાં થનાર અકસ્માતો ઉપર રોક લાગે તે હેતુથી આજરોજ સુખસર પી.એસ.આઇ તથા પોલીસ સ્ટાફ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકોએ ભાગ લઈ સુખસર ગામમાં રેલી કાઢવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2024 અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાના પોલીસ સ્ટેશનો દ્વારા વાહન ચાલકોમાં જાગૃતિ આવે અને નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને નહી તે હેતુથી આજરોજ સુખસર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ જી.બી ભરવાડ ની અધ્યક્ષતા હેઠળ સુખસર ગામમાં જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં શાળાના બાળકોએ પણ ભાગ ભજવ્યો હતો. તેમજ વિવિધ સૂત્રો સાથેના પોસ્ટરોથી વાહન ચાલકોમાં જાગૃતિ માટે “વાહનોમાં કેપીસીટી થી વધારે મુસાફરો બેસાડવા નહીં,ઓવર લોડિંગ સજાને પાત્ર છે,માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરો,ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરો,ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરો”જેવા સૂત્રો સાથે રેલી કાઢવામાં આવી હતી. હેલ્મેટ તથા સીટ બેલ્ટના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે મોટર વાહન અધિનિયમ-1988 ની કલમ 129/177 મુજબ રૂપિયા 500 નો દંડ તથા ત્રણ માસની સજા ની જોગવાઈ હોવાનું પણ જણાવ્યું હતું. આમ સુખસર પોલીસ દ્વારા આજરોજ વાહન ચાલકોમાં જાગૃતિ લાવવાના હેતુથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી.