બાબુ સોલંકી:- સુખસર
ફતેપુરા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઇજનેરને ફરજ દરમ્યાન નેસ રતનપુરના માજી સરપંચ દ્વારા મારામારી કરતા કર્મચારીઓમાં ખળભળાટ…
15 માં નાણાપંચની યોજનામાં ગ્રામ પંચાયતને ઢોરને પાણી પીવાના હવાડા બનાવી આપવાની યોજનાના નકશા બનાવવા બાબતે ઉગ્ર રૂપ ધારણ કર્યું.
ફરજ ઉપર હાજર ઇજનેરને મોઢા ઉપર તથા માથામાં ઇજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા.
સુખસર,તા.20
ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં અવાર-નવાર,અવનવા વાદવિવાદથી લોકમાનસમાં પોતાની હૈયાતી ઉપર પ્રકાશ ફેલાવે છે.તેવી જ રીતે બુધવારના રોજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરી દ્વારા 15 માં નાણાપંચની ગ્રાન્ટના નાણાથી ઢોરને પાણી પીવાના હવાડા બનાવી આપવાની યોજનાની કામગીરી માટે બોલાચાલી મારામારી કરનાર ફતેપુરા તાલુકાના નેસ રતનપુર ગ્રામ પંચાયત ના માજી સરપંચ દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેર સાથે મારામારી કરતા હુમલાખોર માજી સરપંચની વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા અનિલ કુમાર રાવજીભાઈ પટેલ મૂળ રહે.ધામોદ,પીપળી ફળિયા,તા.લુણાવાડા જી.મહીસાગર હાલ રહે.મોટી બાંડીબાર,પ્રજાપતિ વાસ,ઘાંચી મુસ્લિમ પંચ તા.લીમખેડા નાઓ ભાડાના મકાનમાં રહે છે. અને છેલ્લા આઠેક માસથી ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવી રહ્યા છે.જેઓની કામગીરી ફીલ્ડ વર્ક કરી,સરકારના કામોનું નિરીક્ષણ કરવાનું તથા માર્ગદર્શન આપવાનું તેમજ કામ પૂર્ણ થયેથી કામ પ્રમાણે બિલ બનાવી બિલો મંજૂર કરવા સારું ટી.ડી.ઓ. તરફ મોકલી આપવા સુધીની કામગીરી કરી કરવાની હોય છે.
જ્યારે હાલ ફતેપુરા તાલુકામાં 15 માં નાણાપંચની યોજના હેઠળ ગ્રામ પંચાયતોમાં ઢોરને પાણી પીવાના હવાડા બનાવી આપવાની યોજના અમલમાં હોય જે બાબતે નેશ રતનપુર ગામના માજી સરપંચ દીપાંશુ મનોજભાઈ અમલીયાર તા.ફતેપુરા જી.દાહોદના ઓએ ગત તા. 12-07-2023 ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં મદદનીશ ઇજનેર અનિલ કુમાર પટેલને દીપાંશુ અમલીયાર દ્વારા મોબાઈલથી વાત કરી જણાવેલ કે,નેસ રતનપુરના હવાડાઓના નકશાઓ બનાવી આપો. જેથી અનિલ કુમાર પટેલ દ્વારા જણાવેલ કે,આવતીકાલે આ નકશામાં તમને બનાવી આપીશ.તેમ જણાવતા દીપાંશુ અમલીયાર એકદમ ઉશ્કેરાઈ ગયેલો અને મદદનીશ ઇજનેરને મા-બેન સમાણી બિભીત્સ ગાળો આપી જણાવેલ કે,હવે તું નકશા લીધા વગર તાલુકા પંચાયતના પગથિયાં ચડીશ નહીં.તેવી ધમકી આપેલ પરંતુ આ બાબતે અનિલ કુમાર પટેલે કોઈને જાણ કરી ન હતી.
ત્યારબાદ બુધવારના રોજ 10:30 વાગ્યાના અરસામાં અનિલ કુમાર પટેલ મકવાણાના વરુણા તથા સુખસર ગામે પોતાની ફરજ ઉપર હાજર હતા.તેવા સમયે બપોરના એક વાગ્યાના અરસામાં ફતેપુરા તાલુકા ટી.ડી.ઓ નો ફોન આવતા જણાવેલ કે,જિલ્લા કક્ષાએથી માહિતી મોકલવાનો મેસેજ આવેલ છે,તમો ઓફિસમાં આવો તેમ જણાવતા અનિલ કુમાર પટેલ સવા ત્રણેક વાગ્યાના અરસામાં ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ગયેલ.અને ટી.ડી.ઓ સાથે વાત કરી રહ્યા હતા.તે દરમિયાન આશરે 4:30 વાગ્યાના અરસામાં નેસ રતનપુર ગામના માજી સરપંચ દીપાંશુ અમલીયાર અચાનક ટી.ડી.ઓ ની ઓફિસમાં આવી ગયેલ. અને કાંઈ પણ કહ્યા વગર અનિલ કુમાર પટેલ સાથે મારામારી કરી મોઢા ના ભાગે તથા માથાના ભાગે હાથ વડે મારવા લાગેલ.આ દીપાંશુના હાથમાં પહેરેલ ચાંદીનું કડું અનિલકુમાર પટેલને માથાના પાછળના ભાગે વાગતા લોહી નીકળવા લાગતા હાજર ટી.ડી.ઓ તથા અન્ય કર્મચારી દિવ્યેશ ચૌધરી આવી જતા અનિલકુમાર પટેલને દિવ્યાંશુ અમલીયારની વધુ માર માંથી બચાવી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ઇજાગ્રસ્ત મદદનીશ ઇજનેર અનિલ પટેલને ફતેપુરા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ફતેપુરા તાલુકા પંચાયત કચેરીમાં ચાલુ ફરજ દરમિયાન કર્મચારી સાથે મારા મારી કરવા સંબંધે મારનો ભોગ બનેલા અનિલ કુમાર રાવજીભાઈ પટેલે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં નેશ રતનપુરના માજી સરપંચ દીપાંશુ મનોજભાઈ અમલીયારની વિરુદ્ધમાં ફરિયાદ આપતા પોલીસે રાજ્ય સેવકને કાયદેસરના અધિકારના તિરસ્કાર સબબ કલમ-186(રાજ્ય સેવકને તેના જાહેર કાર્યો બજાવવામાં અડચણ કરવા) સહિત આઇ.પી.સી કલમ-332(રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેચ્છા પૂર્વક વ્યથા કરવી)કલમ-504 (સુલેભંગ)તથા કલમ-507(નનામાં પત્રથી અથવા ધમકી કોણે આપી છે તે છુપાવવાની સાવચેતી રાખીને ગુન્હાહિત ધમકી આપવા)બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.આ ગુન્હામાં સાત વર્ષની સજા સુધીની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવેલ છે.