કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે દાહોદની મુલાકાતે

Editor Dahod Live
1 Min Read

કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે દાહોદની મુલાકાતે

કાર્યક્રમ સંદર્ભે શ્રી જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

દાહોદ તા.19

સમગ્ર દેશ સાથે દાહોદમાં પણ વધી રહેલા કોરોના વાયરસના કેસોને પગલે દર્દીઓને રાજ્ય સરકાર દ્વારા અપાઇ રહેલી આરોગ્ય સુવિધાની જાતમાહિતી મેળવવાના ઉપક્રમ અનુસંધાને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ તા. ૨૦ને મંગળવારે દાહોદની મુલાકાતે આવી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા અપાયેલી સૂચનાઓને પગલે દાહોદ જિલ્લામાં કોરોનાથી સંક્રમિત વ્યક્તિની સારવાર માટે વધારવામાં આવેલા બેડ ઉપરાંત આ વાયરસના રોકથામ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઇ રહેલી કામગીરીની મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કલેક્ટર કચેરી ખાતે સવારના ૧૧ વાગ્યે રાજ્ય તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજશે અને જરૂરી માર્ગદર્શન આપશે. બાદમાં ૧૨ વાગ્યે મીડિયા સાથે પણ સંવાદ સાધશે.

મુખ્યમંત્રીશ્રીની મુલાકાત બાબતે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટર શ્રી વિજય ખરાડી, પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ જિલ્લા, આરોગ્ય અધિકારી શ્રી ચંદ્રકાંત પટેલ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

૦૦

Share This Article