સર્વે સન્તુ નિરામયા….. સેવા પરમો ધર્મ…..
ઃઃઃઃઃઃઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ઃઃઃઃઃઃઃઃઃ
ભૂકંપથી થયેલી તારાજી પાછળ છોડીને કચ્છીજનો પોતાના
પરિશ્રમ થકી પોતાનું ભાગ્ય લખી રહ્યા છે – વડાપ્રધાનશ્રી
કચ્છીઓ હવે પોતાના કર્તૃત્વભાવ માટે નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરશે– વડાપ્રધાનશ્રી
આરોગ્ય ક્ષેત્રની યોજના થકી ગરીબોના લાખો રૂપિયાના ઇલાજનો ખર્ચ બચી રહ્યો છે – વડાપ્રધાનશ્રી
આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છીઓને વર્લ્ડ રેકોર્ડ બનાવવા અનુરોધ– વડાપ્રધાનશ્રી
વિદેશમાં રહેતો એક કચ્છી પરિવાર ઓછામાં ઓછા પાંચ વિદેશીઓને કચ્છનું રણ જોવા પ્રોત્સાહિત કરે – વડાપ્રધાનશ્રી
કચ્છ જિલ્લામાં ૭૫ જેટલા વિશાળ તળાવો બનાવવા અપીલ વડાપ્રધાનશ્રી
સમાજના આર્થિક અને સામાજિક વિકાસના કેન્દ્રમાં આરોગ્યની ભૂમિકા મહત્વની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
આરોગ્ય માટે આ વર્ષે બજેટમાં ૧૨૨૪૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે-મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભુજ ખાતે રૂ. ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત
કરૂણાધામ કે.કે. પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ હોસ્પિટલના વિવિધ ૧૯ વિભાગોને ખુલ્લા મૂકયાં
ભુજ, શુક્રવારઃ
આરોગ્ય ક્ષેત્રે કચ્છને આત્મ નિર્ભર બનાવવાના કચ્છી લેવા પટેલ સમાજના પ્રયાસના ભાગરૂપે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભુજ ખાતે હાર્ટ એટેક, કિડની ફેલ્યોર, કેન્સર, ન્યુરો સર્જરી સહિતના ગંભીર અકસ્માતમાં રાહત દરે સારવાર આપવાના હેતુ સાથે શરૂ કરાયેલ કે.કે. પટેલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભુજ ખાતે કે.કે. પટેલ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલના વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છી ભાષામાં વાતની શરૂઆત કરી ઉપસ્થિત સૌને આ, મડી કે મૂજા જય સ્વામિ નારાયણ કહીને સૌના દિલ જીતી લીધા હતા. મુંજે કચ્છી ભા ભેણુ કી અયો… મજે મેં…. સંબોધન કરીને હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગની સૌ ઉપસ્થિતોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે દિલ્હીથી ડીજીટલ માધ્યમથી સંબોધન કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ભૂકંપથી થયેલી તારાજી પાછળ છોડીને કચ્છીજનો પોતાના પરિશ્રમ થકી પોતાનું ભાગ્ય લખી રહ્યા છે.
આધુનિક સ્વાસ્થ્ય સુવિધા કચ્છને પ્રાપ્ત થવા બદલ શુભેચ્છા પાઠવતા વડાપ્રધાનશ્રીએ કે.કે. સુપર સ્પશ્યિલિટી હોસ્પિટલ કચ્છને સસ્તી અને આધુનિક સુવિધાઓ પૂરી પાડી ઉત્તમ ઇલાજની ગેરન્ટી બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
વધુમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ ફક્ત બીમારના ઇલાજ માટે જ નહીં પરંતુ સામાજિક ન્યાયને પણ પ્રોત્સાહિત અને પ્રતિષ્ઠિત કરે છે. જ્યારે કોઇ ગરીબને સસ્તી અને ઉત્તમ આરોગ્ય સેવા મળે ત્યારે તેનો વ્યવસ્થા પર ભરોસો વધે છે. હેલ્થ સેક્ટરમાં જેટલી યોજનાઓ લાગુ પાડી છે તેની પાછળનો હેતુ ઉત્તમ અને સસ્તી સુવિધા આપવાનો છે. આયુષ્યમાન ભારત યોજના અને જન ઔષધિ યોજના સહિત અન્ય યોજનાઓ થકી ગરીબોના લાખો રૂપિયા ઇલાજમાં ખર્ચ થવાથી બચી રહ્યા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ પર્વે કરેલ સંકલ્પ પૂર્ણ કર્યો છે તે કર્તવ્ય ભાવ સમાજ પ્રત્યે નિષ્ઠા, સદભાવના, સંવેદના એ મોટી પૂંજી છે. કચ્છનો ક કર્તુત્વના ક તરીકે ઓળખાય તેવા ડગ માંડી રહ્યા છો.
કચ્છના પોતાના સંબંધો અંગે વડાપ્રધાનશ્રી એ જણાવ્યું હતું કે, ભૂકંપ થી દર્દનાક સ્થિતિમાં કચ્છીઓ સાથે બંધાયેલ નાતાના પરિણામે હું કચ્છને છોડી શકતો નથી અને કચ્છ મને છોડી શકતું નથી. આવું સૌભાગ્ય જાહેર જીવનમાં બહુ ઓછા લોકો ને મળે છે તે મને મળ્યું છે.
ગુજરાત રાજ્યમાં આરોગ્ય અંગેની સુવિધાઓ અંગે જણાવતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત ચારેય દિશામાં પ્રગતિ કરી રહ્યુ છે. ગુજરાતની પ્રગતિની ફક્ત ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં નોંધ લેવાઇ રહી છે. બે દશક પહેલા ગુજરાતમાં ફક્ત ૯ મેડીકલ કોલેજ અને ડૉક્ટરી અભ્યાસ માટે ૧૧૦૦ જેટલી સીટ ઉપલબ્ધ હતી. જેની સામે આજે ૩ ડઝન જેટલી મેડીકલ કોલેજ, એઇમ્સ અને ૬૦૦૦ થી વધુ ડૉક્ટરી અભ્યાસ માટેની સીટો ઉપલબ્ધ છે. રાજ્યની અન્ય મેડીકલ કોલેજના અપગ્રેડેશનનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કીડની અને ડાયાલીસીસ માટે તમામ જિલ્લાઓમાં ડાયાલીસીસની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
ફક્ત હોસ્પિટલોના નિર્માણથી સમસ્યાઓનું સમાધાન ન થાય, સમાજમાં એવી જાગૃતિ લાવીએ, એવું વાતાવરણ અને સ્થિતિનું નિર્માણ કરીએ કે હોસ્પિટલ જવું જ ન પડે. આ બધી મુસીબતોનો ઉપાય જનજાગૃતિ છે.
હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાની હળવી શૈલીમાં શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન કરે કોઇને હોસ્પિટલ આવવું જ ન પડે. હોસ્પિટલ ખાલી જ રહે. સ્વચ્છતા અંગે જાગૃતિ સ્વાસ્થ્યની પ્રથમ આવશ્યકતા છે. જલ જીવન મીશન દ્વારા પીવાનું શુદ્ધ પાણી ઘર ઘર સુધી પહોંચાડવા માટે સમગ્ર દેશમાં કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોષણ તેમજ સંયમિત આહાર પર ભાર મુકતા જણાવ્યું હતું કે, આચાર્ય વિનોબા ભાવેએ કહ્યું હતું કે, ઉપવાસ કરવો એ સહેલો છે પરંતુ સંયમિત આહાર કરવો મુશ્કેલ છે. યોગ માટે મોટુ અભિયાન ચાલી રહ્યું છે. સમગ્ર દેશે યોગ અને આયુર્વેદ ને સ્વીકાર્યું છે. આ તકે નરેન્દ્રભાઇ મોદીએ આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છીઓને વર્લ્ડ રેકોર્ડ બનાવવા અનુરોધ કર્યો હતો.
કચ્છનો રણોત્સવ સમગ્ર દુનિયામાં ખ્યાતિ પામ્યો છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિદેશમાં વસતા કચ્છીઓને અપીલ કરતાં કહ્યું કે, વિદેશમાં વસતાં કચ્છી પરિવારોને વિનંતી છે કે, દર વર્ષે વિદેશમાં રહેતો એક કચ્છી પરિવાર ઓછામાં ઓછા પાંચ વિદેશીઓને કચ્છનું રણ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે મોકલે. જેથી કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાં વિદેશી નાગરિકો આવે જેથી ટુરિઝમ ક્ષેત્રે પણ મોટા પ્રમાણમાં રોજગારી ઉત્પન કરી શકાય તેમ છે.
કચ્છના માલધારી સમાજને અનુરોધ કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, જે રીતે અગાઉ ભૂતકાળમાં કચ્છીઓને પાણીની સમસ્યા થકી વતન છોડીને હિજરત કરવાની ફરજ પડી હતી પરંતુ હવે તો કચ્છમાં પૂરતા પ્રમાણમાં પાણી અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા છે ત્યારે માલધારી સમાજને પશુઓને લઇને કચ્છમાંથી હિજરાત ન કરવા અને બાળકોને શાળાએ મોકલા અનુરોધ કર્યો હતો.
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે કચ્છીઓને સમગ્ર જિલ્લામાં ૭૫ જેટલા વિશાળ તળાવો બનાવવા અપીલ કરી હતી અને આ તળાવોના પાણી કચ્છની તાકાત બનીને ઊભરી આવશે તેવો આશાવાદ વ્યક્ત કરી ભારતના અન્ય ભાગોમાં રહેલા કચ્છીઓનો પણ સહયોગ લેવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અપીલ કરી હતી. કર્તવ્ય ભાવ વાળો કચ્છ તેના કર્તવ્યની નવી ઊંચાઇ બતાવે અને ટુરિઝમ અને પાણી સંગ્રહ માટે સૌ પોતાનું કર્તવ્ય નિભાવે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.
તો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સમૃદ્ધ સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં સ્વસ્થ સમાજ અને વ્યક્તિ મહત્વપૂર્ણ છે એમ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને કચ્છના વિકાસની તેમની કટિબદ્ધતાના પગલે ભૂકંપ બાદ કચ્છ બેઠુ થઇને દોડતું થયું છે. ઝડપથી વિકસતા કચ્છ જિલ્લામાં આજે નવી સ્વાસ્થ્ય સેવાનો ઉમેરો થઇ રહ્યો છે. કે.કે. પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના શુરૂ થતા હવે કચ્છના લોકોને ગંભીર અને જટીલ બિમારીની સારવાર ભુજમાં જ મળી રહેશે.
કચ્છના ગ્રામિણ અને વિશાળ વિસ્તાર માટે આજે પાયાની જરૂરીયાત એવી ૩૬ આરોગ્ય એમ્બ્યુલન્સ સેવાને શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ ૧૦૮ની સેવા પ્રશંસનીય છે. હાલે ૮૦૦ જેટલી એમ્બ્યુલન્સ સેવા નાગરિકો માટે જીવન રક્ષાનો પર્યાય બની છે.
અકસ્માત અને આપત્તિના સમયે તાત્કાલીક સેવા પૂરી પાડતી ૧૦૮ ઇર્મજન્સી એમ્બ્યુલન્સ સેવા પ્રશંસનીય છે. આ વર્ષે સરકારે એમ્બ્યુલન્સ સેવા વધારવા નવી ૧૦૦ એમ્બ્યુલન્સ અને ૧૦ મોબાઇલ સંજીવની સેવા પૂરી પાડવા રૂ.૨૨ કરોડની જોગવાઇ કરી છે. ગરીબમાં ગરીબ માણસોને શ્રેષ્ઠતમ આરોગ્ય સેવા પૂરી પાડવા સરકાર કટિબદ્ધ છે. માતાના ગર્ભસ્થ શીશુથી લઇ વયોવૃદ્ધ અને દરેક ઉમરના નાગરિકોના સ્વાસ્થ્ય માટે આ વર્ષે બજેટમાં ૧૨૨૪૦ કરોડ રૂ.ની ફાળવણી કરવામાં આવી છે. સમાજના આર્થિક અને સામાજિક વિકાસના કેન્દ્રમાં આરોગ્યની ભૂમિકા મહત્વની છે. આરોગ્યના માળખાને મજબૂત કરવા આપણે કટિબદ્ધ છીએ. આધુનિક યુગમાં સુવિધા અને ટેક્નોલોજી સાથે ટેલીરેડિયોલોજી, ટેલિમેડીસીન, ટેલીએયુસી, ટેલી મેન્ટલ હેલ્થ માટે સરકાર દ્વારા રૂ.૨ કરોડ અને ટેલી કન્સલટન્સી માટે રૂ.૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગરીબ અને મધ્યમ વર્ગ માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઓષધિ પરિયોજના વેગવાન બનાવી છે. જેનાથી ગંભીર રોગોમાં દવાઓના ખર્ચમાં નોંધનીય ઘટાડો થયો છે. દરેક નાગરિકોને ઉત્તમ સેવા પૂરી પાડવા સાથે આરોગ્યપ્રદ જીવન શૈલી અને જાગૃતિ મહત્વના છે. આઝાદીના અમૃત મહોત્સવમાં જન જન ને પ્રિવેન્ટીવ હેલ્થ માટે ધ્યાન કેન્દ્રિત કરીએ એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ હોસ્પિટલના વિવિધ ૧૯ વિભાગોને ખુલ્લા મુકતા કચ્છી માડુઓની ઉદારતા અને સેવાભાવનાને બિરદાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં વસતા કચ્છીઓ આ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે જે સૌ કોઇ માટે ગૌરવની વાત છે.
સ્વાગત પ્રવચન આપતા ગોપાલભાઇ માવજીભાઇ ગોરસીયાએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે લાલ કિલ્લાથી પરથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની રાષ્ટ્ર અર્પણના આહવાનને ઝીલી આરોગ્ય ક્ષેત્રે વિશેષ એવા સરહદી વિસ્તારોમાં સેવા પુરી પાડવી અને કચ્છને આરોગ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાનની પ્રેરણાથી પટેલ ચોવીસી લેવા પટેલ સમાજે આ કરૂણાધામનું દાતાઓના સહયોગથી સર્વના સહયોગથી કરેલ કાર્યને રાષ્ટ્ર અર્પણ કરીએ છીએ.
શ્રી કેશરાજી પટેલે કચ્છી લેવા પટેલ સમાજ, શ્રી કચ્છી લેવા પટેલ એજયુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટ, શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરી દેશવિદેશના દાતાશ્રીઓના સહયોગથી નિર્માણ પામેલ આ કરૂણાધામના ઉદેશ્ય રજુ કરી સમાજનું સંગઠન એ જ પ્રગતિનું સોપાનના ધ્યેયને રજુ કર્યુ હતું. રાષ્ટ્રના અમૃત પર્વ મહોત્સવ હેઠળ કચ્છને આરોગ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા બીડું ઝડપ્યું છે એવા જમીન દાતા મુખ્યદાતાશ્રી કે.કે.પટેલ, અમરજીબેન વેકરીયા, જેવા વિવિધ દાતાઓનું વતનપ્રેમનું કરૂણાધામ ઉત્તમ ઉદાહરણ છે.
આ તકે સમાજની મહિલાઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને સવા બે કિલોની ચાંદીની તલવાર તેમજ સ્વામીનારાયણના સાંખ્યયોગિની બહેનો દ્વારા વડાપ્રધાનના માતા હીરાબેન માટે સાડી કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી મનસુખ માંડવીયાને આપી હતી તેમજ લેવા પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાને પણ ચાંદીની તલવાર, મોમેન્ટો, શાલ આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે દાતા સર્વશ્રીઓને હોસ્પિટલના નામકરણ દાતા કે.કે.પટેલ પરિવારનું, હસમુખભાઈ કાનજી ભુડિયા, શામજીભાઇ દબાસીયા, શ્રી દીપેશભાઈ શ્રોફ, વેલજી ઝીણા ગોરસીયા, શશીકાંતભાઈ વેકરીયા, ધનજીભાઈ કરશન વરસાણી, રવજીભાઈ ગોવિંદ વરસાણી, લક્ષ્મણભાઇ ભીમજી રાઘવાણી, નારાણભાઈ કેરાઈ, કલ્યાણભાઈ રવજી વેકરીયા, વેલજીભાઈ પિંડોરીયા, કાનજીભાઈ ભીમજી રાઘવાણી, કરશનભાઈ રવજી મનજી કારા, કે.કે. જેસાણી, કેશરાભાઈ વિશ્રામ ભુડિયા, હરસુખભાઈ ગોવિંદજી ઠક્કર જેવા અગ્રણીઓનું સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં સર્વશ્રી પ.પૂ.મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી ભુજ સ્વામીનારાયણ મંદિર શ્રી મુકતજીવન સ્વામીબાપા મંદિર, અગ્રણી દાતા શ્રેષ્ટીસર્વ અગ્રણીશ્રી કેશુભાઇ પટેલ, લેવા પટેલ સમાજના પ્રમુખશ્રી વેલજીભાઇ પીંડોરીયા, મહેન્દ્રભાઇ પટેલ રાજકીય કન્વીનર સમિતિ કન્વીનરશ્રી કૌશલ્યાબેન માધાપરીયા, બિન અનામત આયોગના પૂર્વ ચેરમેનશ્રી હંસરાજભાઇ ગજેરા, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીશ્રી મનસુખ માંડવિયા, વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો. નિમાબેન આચાર્ય, શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, જિલ્લા પ્રભારીમંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલા, કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિર, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામ ઠક્કર, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે, નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક, સીવીલ સર્જનશ્રી કશ્યપ બુચ, પશ્ચિમ કચ્છ એસ.પી.શ્રી સૌરભસિંગ, ડીવાયએસપીશ્રી પંડયા, સીમ્સ અમદાવાદના ડાયરેકટર સર્વશ્રીઓ ડો.કેયુર પરીખ, ડો.ધીરેન શાહ, ડો.મિલન, તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયના મહંતો તેમજ કચ્છી લેવા પટેલ સમાજના અગ્રણીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન સર્વશ્રી તેમજ દાતાઓ અને નગરજનો જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ કર્મયોગીઓ વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.