
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના કંથાગરમાં બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં 22 વર્ષીય યુવાનનું મોત.
ઇજાગ્રસ્ત યુવાનને સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાયો.
સુખસર,તા.10
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં બેફામ બનેલા વાહન ચાલકો દિન પ્રતિદિન વાહન અકસ્માતો નોતરી નિર્દોષ લોકોને કાળનો કોળિયો બનાવી રહ્યા છે.જેમાં આજરોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં કંથાગર માર્ગ ઉપર કંથાગર ગામે બે મોટરસાયકલો વચ્ચે અકસ્માતમાં એક 22 વર્ષીય યુવાનનું મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે એક યુવાનને જમણા પગે ઇજાઓ પહોંચતાં સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ આજરોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં કંથાગર ગામના રોમિતભાઈ નારર્સિંગભાઈ બારીયા ઉંમર વર્ષ 22 રહે.કંથાગર,નિશાળ ફળિયા તથા
કંથાગરના અલ્પેશભાઈ મનસુખભાઈ રાવળ ઉંમર વર્ષ 20 નાઓ મોટરસાયકલ ઉપર પસાર થઈ રહ્યા હતા.તેવા સમયે સામેથી આવતા મોટરસાયકલ ચાલકે પોતાના કબજા ની મોટરસાયકલને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી મોટરસાયકલ ઉપરથી કાબુ ગુમાવતા રોમિતભાઈ બારીયાના કબજાની ગાડીને અડફેટમાં લઈ અકસ્માત સર્જતા રોમિતભાઈ તથા અલ્પેશભાઈ નાઓ પોતાની મોટરસાયકલ ઉપરથી ઉછળી રસ્તા ઉપર પટકાયા હતા.જેમાં રોમિતભાઈ બારીયાને માથામાં ગંભીર જીવલેણ ઇજાઓ થતાં ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે અલ્પેશભાઈ રાવળને જમણા પગે તથા થાપા ઉપર ઇજા પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા.જ્યાં સારવાર આપવામાં આવી હતી.જ્યારે અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલકને આસપાસ માંથી દોડી આવેલા લોકોએ ઝડપી પોલીસના હવાલે કર્યો હતો.
ઉપરોક્ત અકસ્માત સંદર્ભે સુખસર પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલકને ઝડપી બંને મોટર સાયકલોનો કબજો મેળવ્યો હતો.મૃતકની લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે લાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ લખાય છે ત્યારે પોલીસ દ્વારા અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.