Friday, 19/04/2024
Dark Mode

129, ફતેપુરા વિધાનસભા મતવિસ્તારમાં ત્રિપાંખિયો જંગ: પ્રચાર કાર્યથી ગામડા ગજવતા ચૂંટણી પ્રચારકો

November 21, 2022
        1397
129, ફતેપુરા વિધાનસભા મતવિસ્તારમાં ત્રિપાંખિયો જંગ: પ્રચાર કાર્યથી ગામડા ગજવતા ચૂંટણી પ્રચારકો

બાબુ સોલંકી, સુખસર 

 

 

129, ફતેપુરા વિધાનસભા મતવિસ્તારમાં ત્રિપાંખિયો જંગ: પ્રચાર કાર્યથી ગામડા ગજવતા ચૂંટણી પ્રચારકો

 

 

ફતેપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ તથા આપ પાર્ટી વચ્ચે સીધી ટક્કર રહેશે,જ્યારે અન્ય પક્ષો જીતની બાઉન્ડ્રી તરફ પ્રયાણ કરતા પક્ષને આડખીલી રૂપ બનશે.

 

ફતેપુરા વિધાનસભા મત વિસ્તારમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવે છે તેમ-તેમ પક્ષથી નારાજ કાર્યકરો પક્ષ છોડી ભાજપમાં ભળી રહ્યા છે.

 

દાહોદ જિલ્લામાં રાજ્યકીય ક્ષેત્રે મોટું મહત્વ ધરાવતા ફતેપુરા વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ તથા આપ પાર્ટીમાં આંતર વિગ્રહ સપાટી ઉપર આવી રહ્યો છે,ત્યારે ભાજપનું પલ્લું ભારે હોવાનું અનુમાન.

 

ફતેપુરા વિધાનસભામત વિસ્તારમાં પુરુષ મતદારો-

126332, સ્ત્રી મતદારો- 1,28645 જ્યારે અન્ય મતદારો 4 મળી કુલ 2,54981 મતદારોની સંખ્યા છે.

 

 

સુખસર,તા.21

 

          આગામી ‍5.ડિસેમ્બર-2022 ના રોજ યોજાનાર વિધાનસભા ચૂંટણીના પડધમ ફતેપુરા તાલુકામાં ગાજી રહ્યા છે.અને તમામ પક્ષોના કાર્યકરો પોત પોતાના પક્ષની જીત થાય તે હેતુથી પ્રચાર કાર્યમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છે.દાહોદ જિલ્લામાં રાજકીય ક્ષેત્રે મોટું મહત્વ ધરાવતો મતવિસ્તાર હોય તો તે ફતેપુરા વિધાનસભા મત વિસ્તાર છે. હાલ ઉમેદવારો સહિત તેમના ટેકેદારો પોતાના પક્ષની જીત માટે મતદારોને વિવિધ પ્રલોભનો દ્વારા પોતાના તરફ આકર્ષી રહ્યા છે.પરંતુ મતદારો પણ પ્રજાજાગૃતિમાં પણ ઓછપ જણાવા દેતા નથી નથી. અને પ્રચારકોને તમને જ મત આપીશું જણાવી રહ્યા છે.પરંતુ ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના મતદારો કોણ ઉમેદવાર ઉપર વિજયનો કળશ ઢોળે છે તે મત ગણતરીના પરિણામ બાદ જ જાણી શકાશે.

      ફતેપુરા વિધાનસભા મતવિસ્તારમાં કેટલાક પ્રશ્નો આઝાદીના સાત દાયકા બાદ પણ યથાવત છે તેમાં ખાસ કરીને સ્થાનિક જગ્યાએ રોજગારીનો અભાવ ઉડીને આંખે વળગે છે. તેમજ મોંઘવારીએ માઝા મુકતા ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ રહ્યુ છે.જ્યારે સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થાય તે માટે કામગીરી કાર્યરત છે અહીંયા શિક્ષિત બેરોજગાર યુવાનોને સ્થાનિક જગ્યાએ રોજગારી મળી રહે તેના માટે હાલ સુધી કોઈ પ્લાન જણાતા નથી બીજી બાજુ જોઈએ તો અગાઉની સ્થિતિએ પ્રજામાં જાગૃતિ આવતા સરકારના વિવિધ લાભો તરફે પ્રજા જાગૃત થઈ રહી છે.અને લાભો મેળવી પણ રહી છે.જેમાં કેટલાક કિસ્સાઓમાં તાલુકા-જિલ્લાના જવાબદારો સહિત કહેવાતા જાગૃત આગેવાનો દ્વારા પ્રજા સાથે અન્યાય કરવામાં આવતા સરકારના શાસનને સ્થિર રાખવા બાહ્ય લોકોને મળી ગયેલા કેટલાક વહીવટી તંત્રો આડખીલી રૂપ બનતા હોવાનું પણ જોવા અને જાણવા મળે છે.જોકે મોટા ભાગની પ્રજા સ્વ બળે રોજગારી મેળવવા કટિબદ્ધ હોવાનું જણાય છે. એકંદરે અગાઉના વર્ષો કરતા પ્રજામાં વિવિધ સુવિધાઓનો વધારો થયો છે. અને આ બાબત પ્રજાની મહેનત હોય કે સરકારની મહેરબાની પરંતુ પ્રજા પાછળ ધકેલાઇ નથી તે નિર્વિવાદ બાબત છે.

         નોંધનીય બાબત છે કે ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના આગેવાનો સ્થાનિકથી લઈ જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી સરકારમાં કાર્યરત છે.અને કહેવાય છે કે,દાહોદ જિલ્લાનું રાજકીય શાસન ફતેપુરા વિધાનસભા મત વિસ્તારમાંથી શરૂ થાય છે.ત્યારે કહી શકાય કે ફતેપુરા વિધાનસભા મત વિસ્તારમાં રાજકારણને લાયક અનેક લોકો મોજુદ છે.પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી આમ પ્રજાને થવા પાત્ર ફાયદામાં ઉણપ પણ જણાઈ રહી છે.

      અહીંયા એ બાબત પણ ઉલ્લેખનિય છે કે,ફતેપુરા વિધાનસભા મત વિસ્તારમાં હાલ વિધાનસભાની યોજનાર ચૂંટણીમાં અલગ-અલગ પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.જેમાં ભાજપ,કોંગ્રેસ તથા આપ પાર્ટીના ઉમેદવારો વચ્ચે ટક્કર રહેશે.જ્યારે અન્ય પક્ષો જે-તે પાર્ટીને જીતની બાઉન્ડ્રી તરફ પ્રયાણ કરતા પક્ષને આડખીલી રૂપ બનશે તેમાં 

પણ કોઈ બે મત નથી.આ સીટ ઉપર કેટલાક ઉમેદવારોની ડિપોઝિટ પણ ડુલ થાય તેવા સંજોગો પણ જણાઈ રહ્યા છે.તેમજ ફતેપુરા વિધાનસભા મત વિસ્તારમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ પક્ષથી નારાજ કાર્યકરો પોતાના પક્ષને છોડી ભાજપમાં ભળી રહ્યા છે.ત્યારે ભાજપનું પલ્લુ ભારે થતું જતું હોવાનું અનુમાન લગાવી શકાય.

 

ફતેપુરા વિધાનસભા મતવિસ્તારમાં કુલ 286 બુથ કેન્દ્રો આવેલા છે.તેમજ પુરુષ મતદારોમાં 1,26,332 તથા સ્ત્રી મતદારો 1,28,645 જ્યારે અન્ય 4 મળી કુલ 2,54,981 મતદારો નોંધાયેલા છે.જોકે વર્ષ 2012 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન 65.86 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં 61.92 ટકા મતદાન થયું હતું. ફતેપુરા વિધાનસભા મત વિસ્તારમાં વર્ષ 2012 તથા વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તથા કોંગ્રેસ વચ્ચે સીધી ટકર હતી.અને વર્ષ 2012 માં ભાજપના ઉમેદવાર રમેશભાઈ ભુરાભાઈ કટારા ને 57,828 મત જ્યારે દિતાભાઈ ભીમાભાઇ મછારને 51,564 મત મળ્યા હતા. જેમાં ભાજપને 6264 ની લીડ મળતા ભાજપની જીત થઈ હતી.જ્યારે વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપના રમેશભાઈ ભુરાભાઈ કટારા ને 60250 જ્યારે કોંગ્રેસના રઘુભાઈ દીતાભાઈ મછારને 57,539 મત મળ્યા હતા જેમાં ભાજપના રમેશભાઈ કટારા ને 2,711 મતની સરસાઈ મળતા ભાજપની જીત થઈ હતી.આમ છેલ્લા દસ વર્ષથી ફતેપુરા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે.

      ———– બોક્સ ———-

                 ફતેપુરા વિધાનસભા મત વિસ્તારમાં જેમ-જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે.તેમ-તેમ પક્ષથી નારાજ કેટલાંક કાર્યકરો પક્ષ છોડી ભાજપમાં ભળી રહ્યા છે.તેમાં ફતેપુરા વિધાનસભા મત વિસ્તારમાં વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં વિવિધ પદો ઉપર જવાબદારી નિભાવનાર અને છેલ્લે સુધી કોંગ્રેસની સાથે રહેલા ગોવિંદભાઈ પરમારે કોંગ્રેસને અલવિદા કરી આપ પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.અને તેઓ હાલ આપ પાર્ટીની વિધાનસભાની સીટ માટે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. બીજી બાજુ જોઈએતો સંજેલી વિસ્તારના આપ પાર્ટીના આગેવાન પિનેશભાઈ ચારેલ આપ પાર્ટી માટે પ્રચાર અને પ્રસાર કાર્ય કરી રહ્યા હતા. અને વિકાસકામોની ગેરંટીનો પ્રચાર કર્યો હતો.જેમાં આપ પાર્ટી દ્વારા આપવામાં આવતી ગેરંટી માત્ર પ્રચાર પ્રસાર પૂરતી જ હોવાનું જણાતાં પીનેશભાઈ ચારેલે આપ પાર્ટીને જાકારો આપી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હોવાનું જાણવા મળે છે.આમ સુખસર વિસ્તારમાંથી કોંગ્રેસના ગોવિંદભાઈ પરમારે કોંગ્રેસનો ખેસ ઉતારી આપ પાર્ટી સાથે જ્યારે સંજેલી વિસ્તારમાંથી આપ પાર્ટીના પીનેશભાઈ ચારેલે આપ પાર્ટીનો ખેસ ઉતારી ભાજપમાં ભળ્યા હોય ભાજપનું પલ્લુ ભારે થતું જતું હોવાનું જોવા અને જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!