
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના કંથાગરની ગર્ભવતી પરણીતાનું ચાર માસમાં શંકાસ્પદ મોત,પેનલ પીએમ કરાયું:રિપોર્ટની જોવાતી રાહ.
પરિણીત યુવાન સાથે છૂટાછેડા લીધેલ યુવતીને પરિચયથી પ્રેમ પાંગર્યો સમાધાનના ચાર માસ બાદ યુવતીનું શંકાસ્પદ મોત.!
મૃતક પરણીતા આઠ દિવસ અગાઉ પતિ સાથે પાલોદ સુરત ખાતે કડિયા કામની મજૂરી કરવા ગયેલ હતી.
મૃતક પરણીતાના સાસરિયાઓ ચક્કર આવવાથી મોત નીપજ્યું હોવાનું જણાવે છે,જ્યારે પિયરીયાઓ દ્વારા હત્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
મૃતક મહિલાના પી.એમ તથા વિશેરા રિપોર્ટ બાદ મહિલાનું કુદરતી મોત કે હત્યાની સત્યતા પ્રકાશમાં આવશે.
સુખસર,તા.21
ફતેપુરા તાલુકાની કંથાગરની પરણીતા ગત આઠેક દિવસ અગાઉ સુરત ખાતે કડિયા કામની મજૂરી કરવા માટે પતિ સાથે ગયેલ હતી.જ્યાં પરણિતાનું શંકાસ્પદ મોત નીપજતા પેનલ પી.એમ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.મૃતક મહિલાનું મોત કયા કારણોસર થયું તેની સત્યતા માટે પોસ્ટમોટમ રિપોર્ટ તથા પુના ખાતે મોકલવામાં આવેલ વિશેરા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કંથાગર ગામના રાજુભાઈ દલાભાઈ ડામોરના લગ્ન 15 વર્ષ પહેલા અંજુબેન તુવર નામની યુવતી સાથે થયેલ હતા.પરંતુ તેઓને સંતાનની ખોટ હતી. બીજી બાજુ રાવળના વરુણા ગામે રહેતી મનિષાબેન મકવાણા ઉ.વ 24 ના પણ છૂટાછેડા થયેલ હોય પિયરમાં રહેતી હતી.તેવા સમયે રાજુ ડામોર તથા મનીષા મકવાણાનાઓ સાતેક મહિનાથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા.અને તેઓનો પ્રેમ સંબંધ બંધાયો હતો.પ્રેમમાં પાગલ બનેલી મનીષાબેનના પેટમાં ત્રણેક માસનો ગર્ભ ઉછરી રહ્યો હોઇ રાવળના વરુણા તથા કંથાગર ગામની પંચોએ મળી સમાજની પંચો રૂબરૂમાં સમાધાન કરી મનિષાબેનનો ચારેક માસ અગાઉ કબજો રાજુભાઈ ડામોરને સોંપવામાં આવ્યો હતો.અને પતિ-પત્ની તરીકેના તમામ હક્કો ભોગવતા હતા.રાજુભાઈ તથા મનીષાબેન ગત આઠેક દિવસ અગાઉ સુરતના પાલોદ ગામે કડિયા કામની મજૂરી કામે ગયેલા હતા.
મૃતક મનિષાબેન મકવાણાના પતિ રાજુભાઈ ડામોરે કોસંબા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં જણાવ્યું છે કે, મનિષાબેનના પેટમાં સાતેક માસનો ગર્ભ હતો.પરંતુ સંતરામપુર દવાખાનામાં તપાસ કરાવતા મનિષાબેનને લોહીની કમી હોવાનો રિપોર્ટ આવ્યો હતો પરંતુ તબિયત સારી હતી.જ્યારે 17 સપ્ટેમ્બર 2022 ના રોજ મનીષાને તાવની અસર જણાઈ હતી અને ચક્કર આવતા હોવાનુ મનીષાએ જણાવ્યું હતું.જેથી રિક્ષામાં બેસાડી આસ્થા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલ ત્યાં મનીષાને ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરી હોવાની અને લોહીની કમીના કારણે મનીષાબેનનું મોત નીપજ્યું હોવા બાબતે રાજુભાઈ ડામોરે કોસંબા પોલીસ સ્ટેશનમાં કેફિયત રજૂ કરી હોવાનું જાણવા મળે છે.
બીજી બાજુ રાવળના વરુણા ગામના પિયરીયાઓ દ્વારા કરવામાં આવતા આક્ષેપ મુજબ મનીષાબેનને શરીર ઉપર તથા થાપા ઉપર વાગેલાના નિશાન જણાઈ આવ્યા હતા.અને મનીષાબેનનું મોત કુદરતી નહીં પરંતુ તેની સાથે કોઈ અજુકતો બનાવ બન્યો હોવાનું જણાવી રહ્યા છે.તેમજ મનિષાબેનની લાશનું પેનલ થી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે અને તરેહ તરેહની ચર્ચાઓ પણ ચાલી રહી છે.પરંતુ પી.એમ રિપોર્ટ તથા વિશેરા રિપોર્ટ આવ્યા બાદ મનિષાબેન મકવાણાનું મોત કુદરતી રીતે થયેલ છે કે તેની સાથે કોઈ અધટીત ઘટના ઘટી છે?તે પ્રકાશમાં આવશે.