
બાબુ સોલંકી, સુખસર/ શબ્બીર સુનેલવાલ, ફતેપુરા
ફતેપુરા તાલુકા પંચાયત કચેરી માંથી આફવા મંડળીના સંચાલક દ્વારા ચેકની ચોરી કરી રૂપિયા 65,15,547/-ઉપાડી લીધા.
ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના એકાઉન્ટ વિભાગમાંથી ચોરી કરેલ ચેકમાં ખોટા સહી સિક્કા કરી ઝાલોદ સ્ટેટ બેંક માંથી નાણા ઉપાડી લેતા ગુનો દાખલ કરાયો.
ચેકની ચોરી કરનાર ધી આફવા વિભાગ મ.કા.સ મંડળી લી.ના સંચાલક રાજેશભાઈ ભેમાભાઈ લબાના સામે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ આપી.
સુખસર,તા.06
ફતેપુરા તાલુકાના તાલુકા પંચાયત કચેરી માંથી ચેકની ચોરી કરી તેમાં લાખો રૂપિયાનો ચેક ભરી ઝાલોદ સ્ટેટ બેંકમાં નાખી નાણા ઉપાડી લેતા ફતેપુરા તાલુકાના આફવા ગામના આરોપી વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની એકાઉન્ટ ઓફિસમાંથી ગત તારીખ 1/8/2022 પહેલા કોઈપણ સમયે ફતેપુરાના પી એલ એ ટુ ટી.ડી.ઓ ના નામના એકાઉન્ટ નંબરની ચેકબુકમાંથી એક કોરો ચેક નંબર 346820 ની ધી આફવા વિભાગ મ.કા.સ મંડળી લી. ના સંચાલક રાજેશભાઈ ભેમાભાઈ લબાના રહે.આફવા,તા.ફતેપુરા,જી. દાહોદનાએ ચોરી કરી આ ચેકમાં તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાના નામની ખોટી સહી-સિક્કા કરી ઝાલોદ એસ.બી.આઇ બેન્કમાં જમા કરાવી ચેકનો ખરા તરીકે ઉપયોગ કરી તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાના સરકારી એકાઉન્ટ માંથી રૂપિયા 65,15,547/- પુરા ઉપાડી લઈ ધી આફવા વિભાગ મ.કા.સ મંડળીના ખાતામાં જમા કરાવી તે ખાતામાંથી નાણા ઉપાડી લઈ સરકારી નાણાની ગેરરિતી કરતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ મગનસિંહ ઠાકોર દ્વારા તપાસ કરી આજરોજ ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના એકાઉન્ટ વિભાગમાંથી ચેકની ચોરી કરી લાખો રૂપિયા ઉપાડી લેનાર રાજેશભાઈ ભેમાભાઈ લબાનાની વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, તાલુકા પંચાયતની એકાઉન્ટ શાખામાંથી ચેકની ચોરી કરી લાખો રૂપિયાની ગેરરીતી આચારવાનો
પર્દાફાસ થયો છે.ત્યારે આ ચેકની ચોરી આરોપીએ પોતે કરી છે કે તેમાં કચેરીના કોઈ કર્મચારીનો સહયોગ છે? તે પણ એક તપાસનો વિષય છે.સાથે- સાથે ચેક સહિત પેમેન્ટ ઓર્ડરમાં ડુપ્લીકેટ સહી અને અને સિક્કાથી કોઈપણ જાતની તપાસ કર્યા વિના લાખો રૂપિયા બેંક દ્વારા આપી દેવામાં આવતા હોય ત્યારે આવી જ રીતના અન્ય કૌભાંડો પણ થયા છે કે કેમ?તે પણ એક તપાસનો વિષય છે.