દાહોદમાં ભારે વરસાદની આગાહી ફરી ખોટી પડી, રેડ-ઓરેન્જ એલર્ટ વચ્ચે સામાન્ય વરસાદથી જ સંતોષ
વહીવટી તંત્ર રહ્યું હાઈ એલર્ટ પર, શાળા-કોલેજોમાં રજા અને કર્મચારીઓની રજા રદ છતાં જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો નહીં
દાહોદ તા.24
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ સહિત દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ગઈકાલે રેડ એલર્ટ અને આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આગાહીના આધારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમની મુલાકાત લઈ વરસાદી પરિસ્થિતિ અંગેની તૈયારીઓનું જાતે નિરીક્ષણ કર્યું હતું. સાથે જ તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લામાં આવેલી તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી હતી. ઉપરાંત, જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી હતી.જોકે, દિવસ દરમિયાન દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હોવા છતાં હવામાન વિભાગે વ્યક્ત કરેલી ભારે વરસાદની આગાહી સાકાર થઈ નહોતી. દાહોદ શહેરમાં બપોર બાદ ઉઘાડ નીકળી જતા સામાન્ય જનજીવન પણ યથાવત રહ્યું.જિલ્લા કંટ્રોલ રૂમના આંકડા મુજબ આજે સાંજે 6 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ આ મુજબ રહ્યો હતો.આમ,

જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ જ નોંધાતા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી ફરી એકવાર ખોટી સાબિત થઈ હોવાનું લોકોમાં ચર્ચાનો વિષય બન્યું. સોશિયલ મીડિયા પર પણ આગાહીને લઈને વિવિધ પ્રકારની રમૂજી ટિપ્પણીઓ અને મીમ્સ વાયરલ થતા જોવા મળ્યા.જોકે, હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી હોવાથી જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને સતર્ક રહેવા અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

લીમખેડા – 30 મિ.મી.
સીંગવડ – 26 મિ.મી.
સંજેલી – 24 મિ.મી.
દેવગઢ બારિયા – 20 મિ.મી.
ફતેપુરા – 18 મિ.મી.
ઝાલોદ – 15 મિ.મી.
દાહોદ – 12 મિ.મી.
ધાનપુર – 7 મિ.મી.
ગરબાડા – 6 મિ.મી.
લીમડી – 5 મિ.મી.
સુખસર – 5 મિ.મી.
