
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ મનરેગા કૌભાંડ:તપાસનો ધમધમાટ શરૂ,સરપંચોએ DDO ને મળી ચોમાસા દરમિયાન તપાસ મોકૂફ રાખવા માંગ કરી..
પોલીસ બંદોબસ્ત સાથે તપાસ ટીમો મ આવતા ગામોમાં ભયનો માહોલ :- સરપંચો.
DDO એ સરપંચોને સહકાર આપવા વિનંતી કરી.!
દાહોદ તા. 03
દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરેલી તપાસ ટીમો દ્વારા આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે દેવગઢ બારીયા અને ધાનપુરના ગામોમાં ધામા નાખી તપાસ હાથ ધરતા આ મામલે દેવગઢ બારીયાના તમામ સરપંચોએ આજે ભેગા મળી સરપંચ પરિષદ ગુજરાતના નેજા હેઠળ જિલ્લા વિકાસ અધિકારી તેમજ દાહોદ કલેકટરને આવેદન આપી ચોમાસા દરમિયાન મનરેગાના કામોમાં સ્થળ તપાસણી મોકૂફ રાખવામાં આવે તેવી માંગણી કરી હતી. તો બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારીએ તમામ સરપંચોને જિલ્લા બહારથી આવેલી ટીમોને તપાસમાં સહકાર આપવા આગ્રહ કર્યો છે.
દાહોદના બહુચર્ચિત મનરેગા કૌભાંડમા ત્રણ જુદી જુદી ફરિયાદો દાખલ થયા બાદ ધરપકડનો દોર શરૂ થયો હતો. ત્યારબાદ આ મામલે રાજ્ય સરકાર ગંભીર થઈ હતી અને ગુજરાતના બાર જિલ્લાઓમાંથી મનરેગાના 30 અધિકારીઓની ટીમને નિયુક્ત કરી દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુરમાં વર્ષ 2021 થી 24 દરમિયાન મનરેગામાં થયેલા 3000 થી વધુ કામોની સ્થળ તપાસણી માટે મોકલવામાં આવ્યા છે. જેના પગલે આજથી 10 અલગ અલગ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે ધાનપુર અને દેવગઢ બારીયાના ગામોમાં ધામા નાખતા દેવગઢબારિયા અને ધાનપુરના ચૂંટાયેલા નવા સરપંચો અને જુના સરપંચો અને આગેવાનો ભેગા મળી આજરોજ ગુજરાત સરપંચ પરિષદના નેજા હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત લઇ વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી જેમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન તપાસો મોકૂફ રાખવામાં આવે તેમજ આ રીતે પોલીસ બંદોબસ્ત સાથે તપાસ ટીમો ગામડાઓમાં આવવાથી ગામમાં ભયનો માહોલ છે.અને માટી મેટલ અને સીસી રોડ જેવા કામો, દાહોદની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ભારે વરસાદથી ધોવાઈ જતા હોવાથી આ મામલે કેવી રીતે જસ્ટીફાઈસ કરાશે તે અંગે વિવિધ રજૂઆતો કરી હતી. જેના સંદર્ભમાં જિલ્લા વિકાસ અધિકારીએ તમામ સરપંચો જોડે વિસ્તાર પૂર્વક વાતો કરી હતી અને તપાસ ટીમોને સહકાર આપવા માટે તમામ સરપંચોને આગ્રહ કર્યો હતો.જોકે હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.