
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં મનરેગામાં ₹1500 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ: દેવગઢબારીયા અને ધાનપુરમાં 71 કરોડના કૌભાંડની તપાસ ચાલુ, કોંગ્રેસે DDOને આવેદન આપી SIT તપાસની માગ કરી
દાહોદ તા. 13
દાહોદ જિલ્લા કોંગ્રેસે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ 15 વર્ષમાં 1500 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ લગાવી, વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તપાસની માંગ કરી છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) સ્મિત લોઢાને આવેદનપત્ર આપીને ઉઠેલા આ મુદ્દે રાજકીય ખળભળાટ મચ્યો છે.
દાહોદના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવીયાડે જણાવ્યું, “આ કૌભાંડ જિલ્લાના ગરીબોના રોજગારની તકો છીનવી લેનારું છે. સરકારે આ મામલે તાત્કાલિક પગલાં લઈને ન્યાય આપવો જોઈએ. દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાએ જણાવ્યું, “મનરેગા યોજનામાં થયેલો ભ્રષ્ટાચાર ગરીબોના હકનું શોષણ છે. અમે માંગ કરીએ છીએ કે SIT દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને દોષિતોને સજા થાય.
*35 એજન્સીઓ અને કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ..*
ગુજરાત વિધાનસભામાં મુદ્દો ઉઠ્યા બાદ સરકારે તપાસના આદેશ આપ્યા હતા. દેવગઢ બારિયા અને ધાનપુરમાં 71 કરોડના કૌભાંડમાં મનરેગા કર્મચારીઓ અને એજન્સી માલિકોએ ખોટા-અધૂરા કામો દ્વારા ઉચાપત કરી હતી. ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી. એમ. પટેલે 35 એજન્સીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં બે ગ્રામ રોજગાર સેવકો, બે એકાઉન્ટન્ટ અને એક સસ્પેન્ડેડ ટેકનિકલ આસિસ્ટન્ટની ધરપકડ થઈ હતી. તપાસ નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારીને સોંપાઈ હતી.
*સરકાર પર કૌભાંડ દબાવવાના આરોપ લાગ્યો..*
કોંગ્રેસે લીમખેડા, સીંગવડ, સંજેલી, ગરબાડા, ઝાલોદ, ફતેપુરા અને દાહોદમાં પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો, જેનો આંકડો SIT તપાસથી 1500 કરોડને વટાવી શકે. સરકાર પર કૌભાંડ દબાવવાના આરોપ છે, કારણ કે એજન્સી માલિકોના નામ જાહેર થયા નથી, અને પટેલ સહિત અધિકારીઓની બદલીથી તપાસ ધીમી પડી.હર્ષદ નિનામાએ ભ્રષ્ટાચારને ગરીબોના હક્કનું શોષણ ગણાવી, SIT તપાસની માંગ કરી. ડો. પ્રભાબેન તાવિયાડે ગરીબોની રોજગાર તકો છીનવાતી રોકવા ન્યાયની માંગ કરી. કોંગ્રેસે ભાજપ પર ધીમી તપાસનો આરોપ લગાવી, ભૂતકાળની ગાયબ ફાઈલોનું ઉદાહરણ આપ્યું. તપાસના પરિણામો પર નજર છે, અને રાજકીય વાતાવરણ ગરમાયું છે.
*કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ જોડાયા.*
આ કાર્યક્રમમાં દાહોદના પૂર્વ સાંસદ ડો. પ્રભાબેન તાવિયાડ, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામા, યુથ કોંગ્રેસના મહેશ બબેરિયા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સુશીલાબેન વેડ સહિત દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના કોંગ્રેસના આગેવાનો ઈશ્વર વાખળા, દીપક ગોસ્વામી, અક્ષય સુથાર, જતીન બાલવાણી, રાળુ કાકા તથા દેવગઢ બારિયા-ધાનપુરના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.