Wednesday, 30/04/2025
Dark Mode

રેલ પ્રોજેક્ટમાં ધાર જિલ્લામાં ખડમોર અભયારણ્ય નડતા કામગીરી લંબાઈ.. દાહોદ-ઇન્દોર રેલ પરિયોજનામાં એલાઇનમેન્ટ બદલાતા 200 કરોડ રૂપિયાનો ખર્ચ વધવાના એંધાણ….

March 26, 2025
        5808
રેલ પ્રોજેક્ટમાં ધાર જિલ્લામાં ખડમોર અભયારણ્ય નડતા કામગીરી લંબાઈ..  દાહોદ-ઇન્દોર રેલ પરિયોજનામાં એલાઇનમેન્ટ બદલાતા 200 કરોડ રૂપિયાનો ખર્ચ વધવાના એંધાણ….

રાજેશ વસાવે :- દાહોદ 

રેલ પ્રોજેક્ટમાં ધાર જિલ્લામાં ખડમોર અભયારણ્ય નડતા કામગીરી લંબાઈ..

દાહોદ-ઇન્દોર રેલ પરિયોજનામાં એલાઇનમેન્ટ બદલાતા 200 કરોડ રૂપિયાનો ખર્ચ વધવાના એંધાણ….

નવા એલાઈમેન્ટ પ્રમાણે 8 કિમી વધારાની લાઇન નાખવાનો અંદાજ : નવો ટ્રેક હવે ઝકનાવદા નજીકથી પસાર થશે: 

જમીન સંપાદનનું જાહેરનામુ બહાર પડાયુ : સપ્ટેમ્બર 2024માં એલાઇનમેન્ટ બદલવા સર્વે કરાયો હતો..

દાહોદ તા.25

દાહોદ-ઇન્દોર રેલ્વે લાઇનનું એલાઇનમેન્ટ ફરી એક વખત બદલવામાં આવ્યું છે. અગાઉના એલાઇનમેન્ટમાં આ લાઇન ધાર જિલ્લાના ખડમોર સંરક્ષિત વિસ્તારમાંથી પસાર થવાની હતી. અહીં જમીન સંપાદનમાં આવતા અવરોધોને કારણે, સપ્ટેમ્બર 2024માં નવા સર્વેક્ષણ માટે સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. એલાઇમેન્ટ બદલાતા રેલવે વિભાગને આઠ કિમી વધારાની લાઇન પાથરવી પડશે. આ કામગીરીમાં વધારાના 200 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે. નવી લાઇન ઝકનવાડા નજીકથી પસાર થશે. ખરમોર સંરક્ષિત વિસ્તારને કારણે બદલાયેલા એલાઇમેન્ટને કારણે દાહોદ-ઇન્દોર રેલ્વે લાઇન ધાર જિલ્લાના સરદારપુરના મૌલાના ગામ પછી મહીનદીને પાર કરશે. આ સાથે પેટલાવદ તાલુકાના ભેરુપાડા, બકિયા, ભૂરીગાટી, નાડાટોડ, સેમલીયા, ટોડી અને ચંદ્રગઢ થઈને ઝાબુઆ તાલુકાના ગામડાઓ સુધી આવશે. ઝાબુઆ તાલુકાના 14 ગામોમાં જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેનું કામ ચાલી રહ્યું છે.

 

રેલ્વે લાઇનનું એલાઇનમેન્ટ અગાઉ પણ બદલાયું : નવા એલાઈમેન્ટમાં જમીન સંપાદન માટે જાહેરનામુ બહાર પાડ્યું.

 

 આ પહેલાં, અમઝેરામાંથી લાઇન નાખવા માટે એલાઇમેન્ટ બદલવામાં આવ્યુ હતું. અહીં જમીન સંપાદનનું જાહેરનામું બહાર પાડવામાં આવતાં, આ વિસ્તારમાં કામ શરૂ થવાની શક્યતા વધી ગઈ છે. હાલમાં, ઝાબુઆ નજીકના રંગપુરાથી ધાર જિલ્લાની સરહદ સુધી કામ શરૂ થયું નથી. અહીં કેટલીક ટનલ અને મોટા પુલ બનાવવામાં આવનાર છે. જોકે નવા એલાઈમેન્ટ પ્રમાણે પેટલાવદના વાક્યમાં 21 સર્વે નંબર, ચંદ્રગઢમાં 80, ભૂરી ઘાટીમાં 30, બેરોપાડામાં 48, સે મળ્યા હિલકામાં 60, નાડા તોડમાં 27 તેમજ ટોડી ગામમાં 45 સર્વે નંબરો જમીન સંપાદન માટે જાહેર કરવામાં આવ્યા છે.

 

*અગાઉ ખડમોર અભ્યારણથી 27 મીટર દૂરથી ટ્રેન પસાર થવાની હતી.*

 

દાહોદ-ઇન્દૌર રેલવે લાઇન પહેલાં ખડમોર અભ્યારણથી ઇકો સેન્સેટિવ ઝોનથી 27 મીટર દૂરથી પસાર થવાની હતી. અહીંથી ટ્રેન પસાર કરવા માટે પક્ષીઓને કોઇ ડિસ્ટ્રબન્સ ન થાય તે માટે ગ્રીન કોરીડોર અને સાઉન્ડપ્રુફ દિવાલ બનાવવાનું પણ નક્કી કરાયુ હતુ. જોકે, અંતે એલાઇમેન્ટ બદલી નાખવાનો આદેશ ઉચ્ચ કક્ષાએથી આવ્યો હતો. જોકે હવે એલાઈમેન્ટ ચેન્જ થતા આ સેક્શન પૂર્ણ થવામાં વધુ સમય લાગશે. આ સાથે પેટલાદ ઉમરકોટ મોલાના પ્રતિ રાજાખીરા ગામના ખેડૂતોને નોટિસ પણ આપી દેવામાં આવી છે.

 

*ચાર દાયકા થી ડચકા ખાતા રેલ પ્રોજેક્ટને પૂર્ણ કરવા પીએમ ગતિ શક્તિ પ્રોજેક્ટમાં સામેલ કરવા માંગ ઉઠી.*

 

1989 માં મંજુર થયેલો રેલ પ્રોજેક્ટ ચાર દાયકા થી ડચકા ખાઈ રહ્યો છે. 2008માં શિલાન્યાસ બાદ 2013માં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. પરંતુ સમયાંતરે આ રેલ પ્રોજેક્ટમાં અડચણો આવતા હવે નવેસરથી 2028 સુધી આ રેલ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. અત્યારે જાબુવાન ના રંગપુરા થી ધાર સુધી મોટાભાગના વિસ્તારોમાં જમીન સંપાદન બાકી છે. ત્યારે આ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા પીએમ ગતિ શક્તિ પ્રોજેક્ટમાં સમાવેશ કરવા માટે માંગ ઉઠી છે કારણ કે પીએમ બધી શક્તિ પ્રોજેક્ટરમાં પીએમ ની સીધી દેખરેખ હેઠળ પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!