
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોના પગારમાંથી સંત તાલુકા ટીચર્સ કો.ઓ ક્રેડિટ સોસાયટી દ્વારા વધારાના નાણા કપાત કરતા ઉચ્ચ સ્તરે રજૂઆત*
*મંડળીના જવાબદારોએ શિક્ષકોના પગારમાંથી માસીક કૃપયા 220 કપાત કરવાના બદલે સીધા 1020 કપાત કરતા શિક્ષક આલમમાં કચવાટની લાગણી પ્રસરી*
સુખસર,તા.24
ગુજરાતમાં ન્યાય ક્ષેત્રને બાદ કરતા કોઈ પણ સરકારી અર્ધસરકારી સાહસોમાં સંકળાયેલા લોકો દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત કામગીરી કરવી કે કરાવવી સ્વપ્ન સામાન બાબત છે.અને તેમાંયે ખાસ કરીને આવનાર સમય માટે ભારતના ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષકો સાથે શિક્ષક સોસાયટી દ્વારા ગેરરીતિ આચરવામાં આવે ત્યારે ગેરરીતિના પાઠ ભણાવતા એક પ્રકારે શિક્ષકોના બની બેઠેલા મસીહા જવાબદારો ભારતના ભવિષ્યને કયા રસ્તે વાળી રહ્યા છે તે એક મોટો સવાલ છે.
જાણવા મળેલી વિગતો મુજબ સંતરામપુર ખાતે સંત તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી નામની શિક્ષકોની મંડળી આવેલ છે.જેમાં ફતેપુરા તાલુકાના શિક્ષકોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.અને ફતેપુરા તાલુકાના 1000 જેટલા શિક્ષકો આ મંડળીના સભાસદો છે. ત્યારે આ મંડળના જવાબદારો દ્વારા દર માસે શિક્ષકના પગારમાંથી રૂપિયા 220 કપાત કરવાનો નિયમ છે.પરંતુ હાલ શિક્ષકોની પૂર્વ મંજૂરી સિવાય વધારાના રૂપિયા 800 કપાત કરી કુલ રૂપિયા 1020 શિક્ષક દીઠ પગાર માંથી કપાત કરી લેવામાં આવેલ હોવાની શિક્ષકોમાં ચર્ચા ચાલી રહી છે.અને આ નાણા કપાત કર્યા બાદ મંડળીના જવાબદારોએ પગાર લોગીન લોક કરેલ હોવાનું જાણવા મળે છે.જોકે શિક્ષકોના પગારમાંથી જે-તે શિક્ષકની મંજૂરી વિના કોઈપણ લિમિટેડ સંસ્થા નાણા કપાત કરી શકતી નથી.ત્યારે આ નાણાં શિક્ષકની પૂર્વ મંજૂરી વિના સીધા જ મંડળી ઓનલાઇન પાસવર્ડ આઇડી થી કેવી રીતે કપાત કર્યા?તે એક સવાલ છે.આ બાબત ફતેપુરા શિક્ષક આલમમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.તેમજ શિક્ષકો દ્વારા જણાવાય છે કે,આ એક મોટું ષડયંત્ર છે આવી રીતે પૂર્વ મંજૂરી વિના ક્યારેક શિક્ષકના પગારમાંથી મોટી રકમ કપાત કરી લેવામાં આવશે ત્યારે તેના માટે જવાબદાર કોણ?તેવા પ્રશ્નો પણ શિક્ષક આલમમાં ચર્ચાઇ રહ્યા છે. તેમજ સંત તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના જવાબદારો દ્વારા ભૂતકાળમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરેલ હોવાની ચર્ચા પણ સાંભળવા મળી રહી છે. તેમજ આક્ષેપ કરવામાં આવેલ કે આ મંડળીમાં મંડળીના જવાબદારો દ્વારા જિલ્લા રજીસ્ટ્રારને તપાસ પણ કરવા દેવામાં નહીં આવતી હોવાનું શિક્ષકો જણાવી રહ્યા છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ અગાઉ કેટલાક સભાસદોના ખોટા પુરાવો ઊભા કરી તેમના રાજીનામાં પણ મંજૂર કરી તેમને કાયદાકીય રીતે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાની શિક્ષણ આલમ માંથી ચર્ચા સાંભળવા મળી રહી છે. જે એક ચિંતા નો વિષય છે જેથી શિક્ષકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.તેમજ હવે પછી કોઈપણ શિક્ષકની પૂર્વ મંજૂરી વિના સંત તાલુકા ટીચર્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સભાસદોના પગારમાંથી મંડળી દ્વારા નાણા કપાત કરવામાં આવે નહીં તેવી ફતેપુરા તાલુકાના શિક્ષકોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
અમો ફતેપુરા તાલુકાના 1000 જેટલા પ્રાથમિક શિક્ષકો સંત તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના સભાસદ છીએ.અને આ મંડળી દ્વારા દર મહિને અમારા પગારના નાણા માંથી રૂપિયા 220 કપાત કરવામાં આવતા હતા.અને તેના માટે અમોએ કોઈ વિરોધ કરેલ નથી. પરંતુ હાલ અમો સભાસદ શિક્ષકોની કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વિના કમિટી સભ્યોએ શિક્ષકોને વિશ્વાસમાં લીધા વિના ઠરાવ મંજૂર કરી બારોબાર રૂપિયા 1020 શિક્ષક દીઠ કપાત કરતા અમોએ તાલુકા કક્ષાએથી લઈ શિક્ષણ નિયામક સુધી રજૂઆત કરી છે.
*(વિરેન્દ્રકુમાર જી.તાવીયાડ,સંત તાલુકા ટીચર્સ કો.ઓ ક્રેડિટ સોસાયટી સભાસદ,સંતરામપુર)*