
બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરા તાલુકાની ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલા વોર્ડ સભ્યોને હાંસીયામાં ધકેલી સરપંચો મનસ્વી વહીવટ ચલાવતા હોવાના આક્ષેપ*
*સરપંચના હાથ-પગ મનાતા વોર્ડ સભ્યોની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં માત્ર હાથા બનાવી ચૂંટણી જીતવા માટે જ થતો ક્ષણિક ઉપયોગ?*
*હાલની સ્થિતિ વોર્ડ સભ્યો માટે યથાવત રહેશે તો આવનાર સમયમાં વોર્ડ સભ્ય તરીકે કોઈ વ્યક્તિ શોધ્યો જડશે નહીં અને રાજ્ય વ્યવસ્થા તૂટશે*
*તાલુકામાં અગાઉ 32 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ ચૂકી છે,જ્યારે આવનાર સમયમાં 54 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે*
સુખસર,તા.20
ફતેપુરા તાલુકામાં આવનાર સમયમાં 54 જેટલી ગ્રામ પંચાયતોની યોજાનાર ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ તથા વોર્ડ સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક ઉમેદવારો થનગની રહ્યા છે. તાલુકામાં 96 ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.અને 86 જેટલી ગ્રામ પંચાયતો કાર્યરત છે.જે પૈકી 32 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી અગાઉ થઈ ચૂકેલી છે.કેટલીક ગ્રામ પંચાયતોને બાદ કરતા મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ગ્રામજનો સહીત ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા વોર્ડ સભ્યોને બાકાત રાખી સરપંચો દ્વારા મનસ્વી પણે વહીવટ ચલાવાતો હોવાની ચર્ચાઓ સાંભળવા મળે છે.ચૂંટાયેલા વોર્ડ સભ્યોને ચૂંટણી સમયે હાથા બનાવી ચૂંટણી જીત્યા બાદ સભ્યોને સરપંચો ભૂલી જાય છે. અને આ પ્રકારે વોર્ડ સભ્યોનો દૂર ઉપયોગ થતો રહેશે તો આવનાર સમયમાં વોર્ડ સભ્ય તરીકે ચૂંટણી લડવા કોઈ વ્યક્તિ શોધ્યો મળશે નહીં. અને રાજ્ય વ્યવસ્થા ખોરવાઈ જશે તેવું હાલના સંજોગોને જોતા જણાઇ રહ્યું છે.
ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ માટેનું પ્રથમ મધ્યમ હોયતો તે ગ્રામ પંચાયતો છે.અને ગ્રામ પંચાયત દ્વારા વિવિધ યોજનાઓ થકી તેમજ નાણાપંચની ગ્રાન્ટ તથા અન્ય ગ્રાન્ટો દ્વારા વિકાસ કામો કરી ગામડાઓને વિકસિત બનાવવા સરકાર દ્વારા વર્ષે ગ્રામ પંચાયત લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.અને ફાળવવામાં આવેલ નાણાનો પૂરેપૂરો સદ્ઉપયોગ થતો આવ્યો હોય તો આઝાદીના 8 દાયકા સુધીમાં ગ્રામીણ વિસ્તારો વિકાસથી વંચિત રહ્યા ન હોત!પરંતુ સરકાર દ્વારા ફાળવવામાં આવતા નાણાં વિકાસ કામો પાછળ વપરાય છે તેના કરતાં વધુ નાણાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ગામડા વિસ્તારોમાં પ્રત્યક્ષ નજર કરતા નજરે પડે છે.
જેમાં એ ખાસ કરીને ચૂંટણી સમયે ગ્રામ પંચાયતમાં ચૂંટણી લડતાં સરપંચના ઉમેદવારો વોર્ડ સભ્યોની આવડત અને મહેનતથી ચૂંટાઈ આવ્યા બાદ ચૂંટાયેલ વોર્ડ સભ્યોને સરપંચ દ્વારા પોતાના વોર્ડમાં પ્રજાને શું મુશ્કેલી છે તે જાણવાની તસ્દી લેતા નથી.અને વોર્ડ સભ્યોને અંધારામાં રાખી ખાઈકીના ખેલ ખેલવામાં આવે છે. તેમજ કેટલાક સરપંચો પક્ષાપક્ષીમાં પડી ગામનો વિકાસ રૂંધી રહ્યા હોવાનું પણ જોવા અને જાણવા મળે છે.ત્યારે સરપંચોએ સમજવાની જરૂરત છે કે, સરપંચ કોઈ એક પક્ષનો નહીં પરંતુ ગામની તમામ પ્રજાનો એક પ્રતિનિધિ છે.અને તેને નિષ્પક્ષ રહી પ્રજાજનોને સાથે રાખી ગામના વિકાસ પ્રત્યે પ્રાધાન્ય આપવું જોઈએ.પ્રજાએ પોતાના ગામને સ્વપ્નના ભારત સુધી પહોંચાડવાની આશાએ વોટ આપી વિજય અપાયો હોય છે,નહીં કે સરપંચના વિકાસ અને મનસ્વી વહીવટ જોવા માટે તે ભૂલવું જોઈએ નહીં.
ચૂંટણી સમયે વોર્ડ સભ્યોને હથેળીમાં ચાંદ બતાવી પોતાના સ્વાર્થ સાંધતા તકવાદી સરપંચોના ઉમેદવારો ચૂંટણી જીત્યા બાદ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના પોતાની રીતે વહીવટ ચલાવતા વોર્ડ સભ્યોને ગણકારતા નથી.ત્યારે જે સીડી થી ઊંચાઈએ ચડ્યા છે તે સીડીને લાત ન મારવી જોઈએ તે ધ્યાનમાં રાખવું જોઈએ.સરપંચો પોતાના માનીતા અને મળતીયા લોકોના નિયમ નિયમોમાં આવતું હોય કે નહીં તે જોયા વિના સરકારી કામો કરાવી લેતા હોય છે. જ્યારે સાચા લાભાર્થીઓને રંજાડવામાં આવતા હોવાના અનેક કિસ્સા મોજુદ છે.કેટલાક સરપંચોએ મનસ્વી વહીવટ ચલાવવાની પરવાનગી લીધી હોય તેમ પ્રજાને ગણકારતા નથી.અને ગામડાના વિકાસ માટે બે ધ્યાન રહી પોતાના વિકાસને પ્રાધાન્ય આપે છે.ત્યારે સમજવાની જરૂરત છે કે,રાજાઓના રજવાડા ગયા અને હાલમાં તેમના મહેલોના કાંગરા ખરે છે.પાંચ વર્ષ બાદ પ્રજા ઉખેડી ફેંકે તે પહેલા પ્રજાના કાર્યોની બીજીવાર સેવા કરવા સેતુનું ચણતર કરવું જોઈએ જેથી ડૂબી ન જવાય.નોંધનીય બાબત છે કે,નિયમ મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ દીઠ સભ્યો ઊભા રાખી ચૂંટણી જીતવાની હોય છે.અને વોર્ડ સભ્યો જીતે છે ત્યારબાદ પાંચ વર્ષ સુધી સરપંચ અને સરકાર વોર્ડ સભ્યોને ભૂલી જાય છે.અને વોર્ડ સભ્યો નકામા બની જાય છે.પરંતુ ચૂંટાયેલા સરપંચના ઉમેદવારોની ગામમાં પોતાની થોડી શાખ અને તેનાથી વધારે વોર્ડ સભ્યોની પોતાના વોર્ડમાં લોકોની પસંદગી અને ચાહના સરપંચની જીત માટે મહત્વનો ભાગ ભજવે છે તે ભૂલવું જોઈએ નહીં.
કેટલાક સરપંચોને બાદ કરતાં મોટાભાગના સરપંચો ગામમાં કહે તેમ પ્રજા કરે તેવી ભોળી રહી નથી.પરંતુ પ્રજા સ્થાનિક વોર્ડ સભ્યોના વચનો ઉપર વિશ્વાસ રાખી વોટ આપે છે.અને જીત બાદ વોર્ડ સભ્યોની કોઈ ગણતરી ન થતા તેના ભાગે પ્રજાના તિરસ્કાર સિવાય કાંઈ બચતું નથી.ત્યારે કોઈ વ્યક્તિ વોર્ડ સભ્યમાં ઉભો રહી પ્રજાને ખોટા વચનો આપી વોટ સભ્યો તરીકે જીત મેળવી સરપંચને જીત અપાવી મોટી ભૂલ કરી હોવાનો અહેસાસ ચૂંટાયેલા વોટ સભ્યોને જરૂર થતો હશે!