બાબુ સોલંકી :- દાહોદ
*ફતેપુરા તાલુકા મામલતદાર કચેરી નો સર્કલ ઓફિસર 5000 રૂપિયાની લાચ લેતા એ.સી.બી ના છટકામાં રંગે હાથ ઝડપાયો*
*દારપણાનો દાખલો આપવા માટે સર્કલ ઓફિસરે અરજદાર પાસે રૂપિયા 5,000 ની લાંચ માગી હતી*
*મહીસાગર એ.સી.બી ની ટ્રેપમાં સર્કલ ઓફિસર રંગે હાથ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી*
સુખસર,તા.10
ફતેપુરા તાલુકા પંચાયત તથા તાલુકા મામલતદાર કચેરી જાણે રામ ભરોસે ચાલી રહી હોય તેમ કર્મચારીઓ પોતાની રીતે વર્તન કરતા તાલુકાની જનતા પરેશાન થઈ રહી છે. અને”પૈસા હોય તો પેસ,નહીં તો બહાર બેસ”ની નીતિ અપનાવતી હોવાની બૂમો અવાર-નવાર ઉઠતી રહે છે.તેવીજ રીતે ફતેપુરા તાલુકાના એક જાગૃત નાગરિકને દારપણાના દાખલાની જરૂરત પડતા ફતેપુરા તાલુકા સર્કલ ઓફિસર સુખસર વિભાગના ઓએ દાખલો આપવા રૂપિયા 5,000 લાંચની માંગણી કરતા અરજદાર તે નાણા આપવા માંગતા ન હોય તેઓએ લુણાવાડા એ.સી.બી નો સંપર્ક કરી ફરિયાદ આપતા આજ રોજ સર્કલ ઓફિસર લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના એક નાગરિકને દારપણાના દાખલાની જરૂરિયાત હોય અરજદાર દ્વારા મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઈ ધારણાનો દાખલો મેળવવા અરજદારના કાકાના છોકરા નામે મિલકત આવેલ હોય જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી મામલતદાર કચેરી ટપાલ શાખામાં તારીખ 25-10-2024 ના રોજ આપેલ.તેમ છતાં એકાદ મહિનાનો સમય થતાં દારપણાનો દાખલો ન મળતા ફરિયાદી ફરીથી મામલતદાર કચેરી ફતેપુરા ખાતે ઓફિસમાં સુખસર વિસ્તારના સર્કલ ઓફિસર મંથનકુમાર જીવાભાઇ પરમારના ઓને મળતા તેઓએ જણાવેલ કે,અરજીના કાગળો કંઈક મુકાઈ ગયેલ છે.જે શોધી કાઢી તમને જણાવીશ. ત્યારબાદ ફરિયાદી ફરીથી તારીખ 7/ 1/2025 ના રોજ મામલતદાર કચેરી ફતેપુરા ખાતે જઈ આ કામના આરોપી સર્કલ ઓફિસર સુખસરના ઓને મળતા આરોપીએ ફરિયાદીને અરજીમાં સુધારો તથા રૂપિયા 50 નો સ્ટેમ્પ નવીસરથી કરી રૂપિયા 5,000 લઈ આવવા જણાવેલ.જે લાંચના નાણા ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ મહીસાગર એ.સી.બી ને ફરિયાદ કરતા ફરિયાદીની ફરિયાદના આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 5,000 ની લાંચની માંગણી કરી લાંચના નાણા પંચ 1 ની હાજરીમાં સ્વીકારી પકડાઈ જઈ ગુનો કરવા બાબતે એ.સી.બી દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એ.સી.બી ની સફળ ટ્રેપ પાર પાડનાર અધિકારીઓમાં મહીસાગર એ.સી.બી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ તેજોત તથા સુપર વિઝન અધિકારી બી.એમ.પટેલ મદદનીશ નિયામક એ.સી.બી પચમહાલ એકમ ગોધરા નાઓએ લાંચિયા કર્મચારીને ઝડપી પાડતા મામલતદાર કચેરીમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.અને લાંચીયા કર્મચારી અધિકારીઓમાં ભયની લાગણી ફેલાઈ જવા પામી હોવાનું જાણવા મળે છે.લાંચના છટકામાં ઝડપાઈ જનાર સર્કલ ઓફિસરની સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.