રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી તેમજ આદિવાસી ગૌરવ દિવસની સાંસદની ઉપસ્થિતિમા ઉજવણી કરાઇ
દાહોદ તા.૧૫
દાહોદના કેશવ માધવ રંગ મંચ ખાતે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ તેમજ આદિવાસી ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી. આદિવાસી સમાજના ક્રાંતિકારી યોદ્ધા એવા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ને આદિવાસી ગૌરવ દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે, ત્યારે આજે 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને આદિવાસી ગૌરવ દિવસની દાહોદ ખાતે આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી.
દાહોદ શહેરના કેશવ માધવ રંગમંચ ખાતે આજે બીરસા મુંડા ની જન્મ જયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન દાહોદ ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે કેશવ માધવ રંગમંચથી બીરસા મુંડા ચોક સુધી રેલી યોજાઈ હતી, અને સાંસદ જસવંતસિંહ ભાભોરે બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રધ્ધાજલી પાઠવી હતી. જેમાં દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, તેમજ આર.એસ.એસ તથા આદિવાસી સંસ્થાના અગ્રણીઓ તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, બિરસા મુંડા આપણા આદિવાસી સમાજના એવા નાયક હતા કે, જેમનુ આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓનાં હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે પણ બાથ ભીડી હતી અને એટલે જ આ દિવસને ‘જનજાતીય ગૌરવ દિવસ’ નામ આપવામાં આવ્યું છે.