
રાજેશ વસાવે :- દાહોદ
સરહદી વિસ્તારોમાંથી માદક પદાર્થોની હેરફેરનો પર્દાફાશ કરતી દાહોદ પોલીસ..
રાજસ્થાનને જોડતી ગાવડીયા ચેકપોસ્ટ પરથી પોલીસે ડુંગળીની આડમાં સંતાડેલો અધધ.. 426 કિલો પોષ ડોડાનો જથ્થો ઝડપ્યો..
ચાલક સહિત ચાર સામે ગુનો દાખલ થયો:માદક પદાર્થ મંદસોંરથી ભાવનગર લઇ જવાતો હતો..
દાહોદ તા. 24
દાહોદ જિલ્લાના ઝાલોદ નજીક રાજસ્થાન ગુજરાતને જોડતી ધાવડીયા ચેકપોસ્ટ પર ઝાલોદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પીકપ ગાડીમાં ડુંગળીની આડમાં સંતાડીને લઈ જતા અધધ.. કહી શકાય તેમ 426 કિલો ઉપરાંતના અફીણના પોષ ડોડાના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે.જયારે અન્ય એક ફોરવીલર ગાડીમાં પાયલોટિંગ કરી રહેલા બે વ્યક્તિઓ ફરાર થઈ જતા પોલીસે પીકપ ગાડી તેમજ પોષ ડોડા મળી 16 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી 4 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાંથી અવારનવાર વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોનો પરિવહન કરનાર ઈસમો અવનવી યુક્તિ પ્રયુક્તિ અજમાવી સરહદી વિસ્તારોમાંથી વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોની હેરફેર કરતા હોય છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ નાકાબંધી અને પેટ્રોલિંગ દરમિયાન અવારનવાર વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોના જથ્થાને પણ ઝડપી પાડે છે. તેવી જ રીતે ગઈકાલે પણ ઝાલોદ પોલીસે રાજસ્થાન- ગુજરાત સરહદને જોડતી ધાવડીયા ચેક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન બાસવાડા તરફથી આવતી MP -14-2D-6925 ને રોકી તલાસી લેતા તેમાંથી ડુંગળીના કટ્ટા ની આડમાં અફીમના પોષડોડાનો જથ્થો મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી ત્યારબાદ પોલીસે ચાલક માંગીલાલ બાબુલાલ ગલાલીયા મૂળ રહેવાસી પીપળીયા મંડી મંદસોરને ઝડપી પોલીસ મથકે લાવ્યા હતા અને પોષ ડોડાની ગણતરી કરતા પીકઅપ માં 22 કટ્ટાઓમાં 426.932 કિલો જથ્થો મળી આવતા પોલીસે ચાલકની પૂછપરછ હાથ ધરતા તેને આ જથ્થો દિલીપ માલવિયા રહેવાસી મલ્હારગંજ મંદશોરએ ભરી આપી ઇન્દ્રજીત સરવૈયા તેમજ અશોક ખેરે દ્વારા swift ગાડીમાં પાયલોટિંગ દ્વારા ભાવનગર ખાતે લઈ જતા હોવાનું જણાવ્યું હતું
ત્યારબાદ પોલીસે 12.95 લાખના પોષડોડા, 8420 રૂપિયા કિંમતના ડુંગળીના કટ્ટા, 10000 રૂપિયા કિંમતના બે મોબાઈલ ફોન, ત્રણ લાખ રૂપિયા કિંમતની પીકપ ગાડી મળી 16 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી માદક પદાર્થોની હેરફેરમાં સંડોવાયેલા ચાલક સહિત 4 ઈસમો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.