રાજેશ વસાવે :- દાહોદ
ભારે વરસાદથી નદી,નાળા,તળાવો કોતરો ઉભરાયા, નદીઓ ગાંડીતુર બનતા રેહણાંક વિસ્તારોમાં પાણી ભરાયા.
દાહોદ જિલ્લામાં મેઘો અનરાધાર, જિલ્લાના સાત ડેમો ઓવરફ્લો,
દાહોદ તા.27
દાહોદ જિલ્લામાં વીતેલા ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ વરસતા જિલ્લાના નદી,નાળા,તળાવ,કોતરો, ભરાઈ જતા ઠેક ઠેકાણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પાણીના ધસમસતા પ્રવાહમાં કેટલીક જગ્યાએ કોઝવે ધોવાઈ જતા અથવા કોઝવે ઉપરથી પાણી પાણી વહેણ સ્વરૂપે રહેતા પંથકમાં 54 જેટલા વિવિધ માર્ગો બંધ કરવાની નોબત આવી હતી. એટલું જ નહીં શહેર સહીત જિલ્લાભરમાં રહેણાંક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાના બનાવો પણ સામે આવ્યા છે. જિલ્લાના જીવા દોરી સમાન ગણાતા સાથે ડેમો તેમની પૂર્ણ સપાટીથી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા હતા.અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા કેટલાક પરિવારોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.દાહોદ શહેરમાં ભારે વરસાદના કેટલાક વિસ્તારોમા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાતા સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો મેકઅપ ધોવાયું હોય તેમજ સ્ટ્રોમવોટર અને ઉપર ભૂગર્ભ ગટરની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે. શહેરની ઐતિહાસિક દુઘીમતી નદી ગાંડીતુર બનતા હિન્દુ સ્મશાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. શહેર નો ઐતિહાસિક છાબ તળાવ,મુવાલીયા તળાવ ઓવરફ્લો થયો હતો. દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસમા સૌથી વધારે ફતેપુરામાં 12 ઇંચ, લીમખેડા દાહોદમાં 11 ઇંચ, ઝાલોદ તેમજ સિંગવડમાં 8 ઇંચ,સંજેલીમાં 7 ઇંચ ધાનપુરમાં 6 ઇંચ દેવગઢ બારિયામાં 5 ઇંચ, વરસાદ ખાબક્યો હતો
*જિલ્લાના સાતેય ડેમો ઓવરફ્લો,નદી,નાળા, તળાવ સરોવરો છલકાયા,ભેસાસિંગી ધોધ,સોળે કળાએ ખીલ્યું..*
દાહોદ જિલ્લામાં ભારે વરસાદ વરસતા જિલ્લાના પાટાડુંગરી,માછળનાળા, વાકલેશ્વર,અદલવાડા,ઉમરીયા, કાળી ટુ, ખાલી ડેમ સહિતના તમામ ડેમો પૂર્ણ સપાટીથી ઓવરફ્લો થયા હતા, પંથકની, અનાશ, પાનમ દૂધીમતી,ચિબોટા,કબુતરી,હડફ જેવી મોટી નદીઓમાં રુદ્ર સ્વરૂપ જોવા મળ્યા હતા નદીઓ ગાંડીતુર બનતા નદીકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. જયારે મોટાભાગના કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.દાહોદનો ઐતિહાસિક છાબતળાવ તેમજ મુવાલિયાતળાવ ઓવરફ્લો થયા હતા.પંથકનો ભેસાસીંગી ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. સાથે સાથે કેદારનાથ કાલી ડેમ ઓવરફ્લો થતા સેલાણીઓ ઉમટી પડ્યા હતા.
*જિલ્લાના ડેમો ઓવરફ્લો થતા 20 થી વધુ ગામો હાઈ એલર્ટ પર મુકાયા,9 પરિવારોનું સ્થળાંતર.*
પંથકમાં ભારે વરસાદના પગલે જિલ્લાના સાથે સાત ડેમ ઓવરફ્લો થતાં ખાસ કરીને પાછળ માછલનાળા ડેમ તેની પૂર્ણ સપાટી 277 મીટરથી એક મીટર ઉપર ઓવરફ્લો થતાં ઝાલોદ પંથકના નિચાણવાળા વિસ્તારોમાં આવેલા સાત ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા હતા.સાથે સાથે પાટાડુંગરી ડેમ તેની પૂર્ણ સપાટી વટાવી ઓવરફ્લો થતાં વેચાણ વાળા 10 થી વધુ ગામોને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા હતા.તેમજ સિંગવડના કબૂતરી નદી ગાંડીતુર બનતા વહીવટી તંત્રએ સલામતીની દ્રષ્ટિએ 9 પરિવારના 23 સભ્યોને સલામત જગ્યાએ ખસેડ્વામાં આવ્યા હતા.
*શાળા કોલેજો આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ.*
ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા સલામતીના પગલાં લઈ આંગણવાડી તેમજ એક થી આઠ ધોરણ પ્રાથમિક શાળાઓમાં 27 અને 28 ઓગસ્ટ બે દિવસની રજા જાહેર કરવામાં આવી હતી. તો કોલેજ, આઈ.ટી.આઈ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી હતી.
*વહીવટી તંત્ર એલર્ટ મોડ પર,બેઠકોનો દોર, અધિકારીઓને હેડકવાટર ન છોડવા આદેશ,*
ભારે વરસાદના પગલે કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેકટર યોગેશ નિર્ગુડે, પ્રાંત અધિકારી મામલતદાર ચીફ ઓફિસર સહિતની ટીમે, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. પોલીસે સુરક્ષાની દ્રષ્ટિએ 9 જેટલા સ્થળે કોઝવે ઓવરફ્લો થતા પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. મારે વરસાદના પગલે તમામ અધિકારીઓની રજાઓ રદ કરી હેડ ક્વાટર ન છોડવા માટે કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.
*જિલ્લામાં અનેક સ્થળે વૃક્ષો ધરાસાયી,વહીવટી તંત્રે રસ્તા પરથી વૃક્ષો હટાવી માર્ગ ખુલ્લા કર્યા.*
દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે દસથી વધુ જગ્યાએ જાહેર માર્ગો ઉપર મહાકાય વૃક્ષો ધરાસાઈ થતા માર્ગ અવરોધીત થયા હતા. જેમાં જેસાવાડા, ઝાલોદ રોડ, ગરબાડા, પીપલોદ, દેવગઢ બારીયા રોડ, ફતેપુરા બાયપાસ, લીમખેડા, દેવગઢ બારીયા,લીમડી ઝાલોદ, ચાકલીયા દુધિયા રાછરડા સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થયા હતા. જેમાં મોટાભાગના વૃક્ષો માર્ગો પર પડતા માર્ગ અવરોધ તથા વહીવટી તંત્ર દ્વારા વૃક્ષોને રસ્તા પરથી હટાવી રસ્તા ખુલ્લા કર્યા હતા.
* ભારે વરસાદના પગલે જિલ્લાના 54 જેટલા રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા બંધ વાહન વ્યવહાર ઠપ્પ..*
દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર નદી નાળા તળાવો કોતરો છલકાઈ જતા વાહન વ્યવહાર પર ઘણી બધી અસર પડી હતી. જિલ્લાના ધાનપુર તાલુકાના 10,ગરબાડા તાલુકાના 7, દાહોદના 8 સંજેલીના 3, ઝાલોદના 3 ફતેપુરાના 2, બારીયાના 5, સિંગવડના 4 મળી 54 જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર બંધ થયા હતા જોકે આજે સવારથી ઉઘાડ નીકળતા 17 જેટલા રસ્તાઓ પુનઃ શરૂ થવા પામ્યા છે.