રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં આજથી દશામાના વ્રતનો પ્રારંભ,માતાજીની મૂર્તિની ખરીદી માટે બજારમાં ભીડ ઉમટી,
દસ દિવસ સુધી પૂજા-અર્ચના બાદ માતાજીનું ભક્તિ ભાવથી વિસર્જન કરાશે.
દાહોદ તા.04
દાહોદ જિલ્લામાં આજે દિવાસાના દિવસથી દશામાના વ્રતની શરૂઆત થતી હોય છે.ત્યારે આજે બજારોમાં માતાજીની મૂર્તિ ખરીદવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
આજે અષાઢ વદ અમાવસને રવીવારને દિવાસાના દિવસથી દશામાના વ્રતનો આરંભ થઇ રહ્યો છે. જેને પગલે સમગ્ર જિલ્લાની બહેનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, આજે દશા માતાની મૂર્તિઓ, સાંઢડીઓ તેમજ પૂજાપો ખરીદવા માટે બજારોમાં બહેનોની ભીડ જામી હતી.દાહોદ જિલ્લામા માટીની વિવિધ આકારવાળી દશામાની મૂર્તિઓનું રૂ.50 થી 400 સુધીમાં વેચાણ થઇ રહ્યું છે. જેમાં સાંઢણી, શંખ, શિવલીંગ, કમળ, શેષનાગ ઉપર દશામા બિરાજમાન હોય તેવી મૂર્તિઓની માંગ વધારે જોવા મળી છે.
દશા માતાજીના વ્રત કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે, આ વ્રતમા માતાજીની સાંઢણીની પૂજા કરવામાં આવે છે. વ્રત દરમિયાન માતાજીનું પૂજન કરવા માટે કળશ સ્થાપન કરીને લાલ આસન અને ઉપર ઘઉંનું મંડળ બનાવવામાં આવે છે. માતાજી તરીકે સાંઢણીની પૂજા કરી પંચ ઉપચાર કે, સોળ ઉપચારે ધૂપ-દીપ, નૈવેદ્ય આરતી, થાળ અર્પણ કરવામાં આવે છે. માતાજીનું યથાશક્તિ પૂજા કરી અને સર્વે બહેનો સાથે મળીને કથાનું વાંચન કરે છે. રૂમાંથી દશ પ્રકારે ચાંદલા કરી અને તેનો હાર માતાજીને અર્પણ કરવામાં આવે છે. સાથે અખંડ દીપક દસ દિવસ સુધી રાખી અને બહેનો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત કરે છે. દશમા દિવસે સાંઢણીનું જળમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરે છે.