Wednesday, 11/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના લખણપુરના માતા ફળિયામાં મોટરસાયકલ અકસ્માતમાં 35 વર્ષીય યુવાનનુંમોત:બેને ઈજા

July 16, 2024
        2935
ફતેપુરા તાલુકાના લખણપુરના માતા ફળિયામાં મોટરસાયકલ અકસ્માતમાં 35 વર્ષીય યુવાનનુંમોત:બેને ઈજા

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના લખણપુરના માતા ફળિયામાં મોટરસાયકલ અકસ્માતમાં 35 વર્ષીય યુવાનનુંમોત:બેને ઈજા

રસ્તાની સાઈડમાં ઉભેલા યુવાનને મોટરસાયકલ ચાલકે અડફેટમાં લેતા પેટ તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મોત

મોટરસાયકલ ચાલક સહિત પાછળ બેઠેલા એક યુવાનને ઇજા પહોંચતા દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા

સુખસર,તા.15

 ફતેપુરા તાલુકામાં મોટાભાગના વાહન ચાલકો વાહન ચલાવવાના નીતિ નિયમોની અવગણના કરી વાહનો પુરપાટ ચલાવી રહ્યા છે. જેના લીધે દિન પ્રતિદિન નાના-મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે.જેમાં કેટલાક નિર્દોષ લોકો કાળનો કોળિયો પણ બની રહ્યા છે.ત્યારે ફતેપુરા તાલુકામાં દોડતા ટુ ફોર વ્હીલર વાહન ચાલકોની પોલીસ તથા આર.ટી.ઓ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરી વધતા જતા અકસ્માતો ઉપર અંકુશ લાવવા સતર્ક થવાની જરૂર જણાઇ રહી છે. રોજબરોજ વધતા જતા અકસ્માતોમાં વધુ એક બનાવ રવિવાર રાત્રિના નવેક વાગ્યાના અરસામાં લખણપુરના માતા ફળિયા ખાતે મોટરસાયકલ ચાલકે તેના કબજા ની ગાડી પુરપાટ અને ગફલક ભરી રીતે હંકારી લાવી એક 35 વર્ષીય યુવાનને અડફેટમાં લેતા માથામાં તથા પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. 

           જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના લખણપુર ગામના માતા ફળિયા ખાતે રહેતા રોમીતભાઈ રમસુભાઈ ગરાસીયા ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા.જેઓ રવિવાર રાત્રિના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસેથી પસાર થતા ગરાડુ થી સુખસર જતા માર્ગની સાઈડમાં ઉભા હતા.તેવા સમયે સ્પેલેન્ડર મોટરસાયકલ નંબર-જીજે.20-બીસી-4204 ના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી રોમિતભાઈ ગરાસિયાને અડફેટમાં લેતા માથામાં તથા પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.અને તેઓનું સ્થળ ઉપર જ કમ કમાટી ભર્યું મોત નીપજવા પામ્યું હતું.જ્યારે મોટરસાયકલ ચાલક સતિષભાઈ રાજુભાઈ ચારેલ તથા પાછળ બેઠેલા તેના ભાઈ સુનિલભાઈ રાજુભાઈ ચારેલ બંને રહે.લખણપુર જામ્બાસર ફળિયા નાઓ મોટરસાયકલ ઉપરથી રોડ ઉપર પટકાતા બંનેના ઓને ઓછી વત્તી ઇજાઓ પહોંચવા પામી હતી. તેમાં સુનિલભાઈ ચારેલને શરીરે તથા માથાના લમણાના ભાગે ફેક્ચર થયું હતું.આ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.અને હાલ આ બંને યુવાનો ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.

        ઉપરોક્ત અકસ્માત સંદર્ભે રમેશભાઈ ખેતાભાઇ ગરાસીયા નાઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા મોટરસાયકલ ચાલક સતિષભાઈ રાજુભાઈ ચારેલની વિરુદ્ધમાં અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી લાશને સુખસર સરકારી દવાખાનામાં પી.એમ અર્થે મોકલી પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલીવારસોને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!