રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે દ્વારા દાહોદવાસીઓને મતદાન કરવા માટે વિશેષ અપીલ કરવામાં આવી
દાહોદ તા. ૫
લોકસભા સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ તમામ દાહોદવાસીઓને ૭ મી મે ના રોજ અચૂક મતદાન કરવાની અપીલ કરતાં કહ્યું હતું કે, મતદાનના દિવસે દાહોદ જિલ્લાના તમામ મતદારો બહાર નીકળી પ્રથમ કાર્ય મત આપવાનું કરે એવી જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે તેમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર તેમજ ઈલેક્શન કમિશન દ્વારા મતદાન બુથ પર મતદારો માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
૭ મી મે ના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન કરી શકાશે. અત્યારે હિટવેવના કારણે બની શકે તેટલા વહેલા મતદાન મથકે જઈને મત આપી હિટવેવથી બચી શકાય છે. સાથોસાથ દરેક મતદાન કરવા જઈએ ત્યારે જોડે અધિકૃત એક ઓળખપત્ર હોય તે જરૂરી છે. ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ એક ઓળખપત્ર હોવું જરૂરી છે. મતદારોએ ખાસ એ ધ્યાન રાખવું કે મતદાન મથકે મોબાઈલ લઇ જવો નહીં.
તેમણે વધુમાં કહ્યું હતું કે, કામ કરનાર લોકોને કાયદાકીય રીતે પેઈડ રજા મળશે. મતદારોને કોઈપણ પ્રકારની અસુવિધા ના થાય તે માટેની દિવ્યાંગજનો અને વયોવૃદ્ધની મદદ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પીવાના શુદ્ધ પાણી, પ્રાથમિક સારવાર માટે મેડિકલ કીટ તેમજ શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હિટવેવને ધ્યાને રાખી તમામ બુથ પર મેડિકલ કીટ રાખવામાં આવી છે.
આ ઉપરાંત દાહોદના વિવિધ એસોશિયેશન જેવા કે, વેપારી એસોશિયેસન, મેડિકલ એસોશિયેશન, કેમિસ્ટ એસોશિયેશન દ્વારા જેઓ મતદાન કરશે તેઓને ૭ મી મે ના રોજ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેથી તમામ મતદારો ૭ મી મે ના રોજ આવો અને ચોક્કસ મતદાન કરો એવી ચૂંટણી તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.
૦૦૦