બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના લખણપુર હાઇવે માર્ગ ઉપર અકસ્માત સર્જતા મોટરસાયકલ સવારનું ઘટના સ્થળે મોત
અજાણ્યા ફોર વ્હીલર વાહન ચાલકે અકસ્માત બાદ વાહનને સ્થળ ઉપરથી લઈ ફરાર થયો
મૃતક ચારેલ પરિવારનો ૩૫ વર્ષીય યુવાન લખણપુરના તળ ગામનો વતની છે
સુખસર,તા.૧૮
શનિવાર સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં લખણપુરના તળ ગામનો યુવાન ગામમાં ઘંટી ઉપર અનાજ દળાવવા મોટરસાયકલ ઉપર જઈ રહ્યો હતો.તેવા સમયે ઝાલોદ થી સંતરામપુર તરફ જતી અજાણ્યા ફોર વ્હીલર ગાડીના ચાલકે મોટરસાયકલ ચાલક યુવાનને પાછળથી અડફેટમાં લઈ અકસ્માત સર્જી પોતાના કબજાની ફોર વ્હીલર ગાડીને સ્થળ ઉપરથી ભગાવી ગયેલ હોવાનું જાણવા મળે છે. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનુ ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું છે.સુખસર પોલીસે લાશને પી.એમ અર્થે સુખસર સરકારી દવાખાનામાં મોકલી અકસ્માત સર્જી ફરાર ફોર વ્હીલર વાહન ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના લખણપુરના તળ ગામ ખાતે રહેતા રાકેશભાઈ હુમજીભાઈ ચારેલ (ઉ.વ.આ.૩૫) ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી પોતાના ઘરનું ગુજરાત ચલાવતા હતા.જેઓ શનિવાર સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ગામમાં ઘંટી ઉપર અનાજ દળાવવા મોટરસાયકલ ઉપર નીકળ્યા હતા.અને લખણપુર બસ સ્ટેશન પાસે હાઈવે માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.તેવા સમયે પાછળ આવતી ઝાલોદ થી સુખસર તરફ જઈ રહેલ ફોર વ્હીલર ગાડીના ચાલકે તેના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી રાકેશભાઈ ચારેલની મોટરસાયકલને ટક્કર મારતા રાકેશભાઈ મોટરસાયકલ ઉપરથી ઉછળી હાઇવે માર્ગ ઉપર પડ્યા હતા.જેમાં રાકેશભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં તેઓને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.ઘરના કમાઉ સ્વજનનું મોત નીપજતાં પરિવારમાં રોકકળ સાથે હાહાકાર મચી જવા પામ્યો છે.
ઉપરોક્ત અકસ્માત સંદર્ભે સુખસર પોલીસે અકસ્માત મોત અન્વયે ગુન્હો દાખલ કરી લાશના પંચનામાં બાદ લાશને પી.એમ અર્થે સુખસર સરકારી દવાખાનામાં મોકલી આપી છે.તેમજ અકસ્માત સર્જી મોત નીપજાવી પોતાના કબજા ફોર વ્હીલર ગાડીને લઈ ભાગી છૂટનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.