બાબુ સોલંકી :- સુખસર
અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ફતેપુરા તાલુકાના પાટીમાં માતાના મંદિરે ભજન સત્સંગ તથા શોભાયાત્રાનું આયોજન કરાયુ
પાટી ગામે ૧૫ જાન્યુઆરીના રોજ રાત્રિના ભજન સત્સંગ તથા ૧૬ જાન્યુઆરીના રોજ ગામમાં શોભાયાત્રા કાઢી ભંડારો રાખવામાં આવ્યો
અયોધ્યા ખાતે શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા સુખસર વિસ્તારના યુવાનો રવાના થયા
સુખસર,તા.૧૭
અયોધ્યામાં ખાતે ૨૨ જાન્યુઆરી ના રોજ નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે શ્રી રામ ભક્તોનો ઉત્સાહ છલકાવા લાગ્યો છે.જે અંતર્ગત ફતેપુરા તાલુકાના પાટી ગામે આવેલ માતાના મંદિર ખાતે ગ્રામજનો દ્વારા ૧૫ તથા ૧૬ જાન્યુઆરીના રોજ ભજન,સત્સંગ, કળશ તથા શોભાયાત્રા સહિત ભંડારાનું આયોજન કરાયું હતું.જેમાં ગામના વડીલો,ભાઈ-બહેનો તથા બાળકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ અયોધ્યા મંદિરમાં ૨૨ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાના સુવર્ણ અવસરના અનુસંધાને ફતેપુરા તાલુકાના પાટી ખાતે આવેલ માતાના મંદિરે ગ્રામજનોની ઉપસ્થિતિમાં વાલજીભાઈ ભેદી મહારાજની આગેવાની અને નવલભાઇ ચારેલના સહયોગથી ૧૫ જાન્યુઆરીના રોજ રાત્રિના ભજન સત્સંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જ્યારે ૧૬ જાન્યુઆરીના રોજ સવારના પાટી ખાતે આવેલ માતાના મંદિરથી કળશ યાત્રા સહિત શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં ગામના ભાઈ-બહેનો, વડીલો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.અને જય શ્રી રામના નારા બોલાવી ગામને રામ મય બનાવ્યું હતું.ભક્તોએ”હર રંગમે રામ,હર ઘરમે રામ”ની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ શોભાયાત્રા દ્વારા ઘરે-ઘરે ચોખા તથા અક્ષત પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રા એ સમગ્ર પાટી ગામમાં ભ્રમણ કર્યું હતું.ત્યારબાદ શોભાયાત્રા પરત મંદિરે ફરી હતી.અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગ્રામજનોએ હાજર રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે,૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજન કાર્યક્રમમાં હાજરી આપવા માટે સુખસર વિસ્તારના નાના બોરીદા, ઘણીખુટ તથા અન્ય ગ્રામ્ય વિસ્તારો માંથી યુવાનો અયોધ્યા જવા મંગળવારના રોજ રવાના થયા હોવાનું જાણવા મળે છે.