બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના બલૈયા કૃષિ શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૪ યોજાયું
ફતેપુરા તાલુકાની ૨૪૫ શાળાઓએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ૧૧૨ કૃતિ રજૂ કરી
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પટીસરા, કાળીયા,પીપલારા,જવેસી,આફવાની શાળાઓ વિવિધ કૃતિ પ્રદર્શનમાં વિજેતા થઈ
સુખસર,તા.૩૦
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા કૃષિ શાળા ખાતે જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ દ્વારા પ્રેરિત બી.આર.સી ભવન ફતેપુરા દ્વારા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૪આજરોજ યોજાઈ ગયું.
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ફતેપુરા તાલુકાની ૨૪૫ શાળાઓ એ ભાગ લઈ ૧૧૨ કૃતિઓ રજૂ કરી હતી. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા,જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર તથા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર હાજર રહ્યા હતા. અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રીબીન કાપી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.જેમાં તાલુકાની ૨૪૫ શાળાઓએ ૨૩ કલસ્ટર માંથી ૧૧૨ શાળાઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.જેમાં વોટર હાર્વેસ્ટિંગ,પાણી શોષક રોડ,સૌર ઉર્જા થી ચાલતા સાધનો,આધુનિક ખેતી,ઔષધીય વનસ્પતિ,ગાણિતિક મોડલ તથા જી-૨૦ નિરૂપરેખા,ટપક સિંચાઇ યોજના,આરોગ્ય તથા ટ્રાફિક સમસ્યા અને યોગ જેવા વિવિધ વિભાગોની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કૃતિઓમાં ભાગ લેનાર ૧૧૨ શાળાઓને અને બાળ વૈજ્ઞાનિકોને પ્રશસ્તિ પત્ર અને મેડલ અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ કટારા ચંદ્રયાનના સફળ પરીક્ષણને લઈને દેશના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવી ફતેપુરા તાલુકાના બાળકો પણ વૈજ્ઞાનિક,ડોક્ટર તથા એન્જિનિયર બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા શિક્ષણાત્મક યજ્ઞ શરૂ કર્યો હોવાનું જણાવ્યું,આ ભગીરથ કાર્યમાં સૌએ ઉત્સાહભેર આવકાર આપી કાર્યક્રમને સફળ બનાવવા તેમજ વિદ્યાર્થીઓ આવનાર દેશનું ભાવી ભવિષ્ય હોવાનું જણાવ્યું હતું.જ્યારે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોરે બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ આવા કાર્યક્રમો દ્વારા બહાર આવતી હોવાનું જણાવી શિક્ષણને લગતી વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓ તથા વાલીઓ સમક્ષ મૂકી હતી.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, ફતેપુરા ટી.પી.પી.ઓ,બી.આર.સી તથા ફતેપુરાના સી.આર.સી.ઓ સહિત આચાર્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ કૃતિઓમાં વિજેતા વિભાગની શાળાઓ
વિભાગ-૧ નાની ઢઢેલી-પટીસરા પ્રાથમિક શાળા, કૃતિ-આયુર્વેદિક હોમિયોપેથીક ક્ષેત્રે થયેલી શોધો અને નમુના, વિભાગ-૨ કાળીયા,કાળીયા પ્રાથમિક શાળા,કૃતિ-ભૂકંપ એલર્ટ સિસ્ટમ, વિભાગ-૩ પીપલારા,તાલુકા કન્યાશાળા,કૃતિ-વરસાદી પાણીનો સંગ્રહ અને ટપક પદ્ધતિ વિભાગ-૪ કુંડલા-જવેશી પ્રાથમિક શાળા,કૃતિ સિગ્નલ સેફટી સિસ્ટમ,આફવા,આફવા પ્રાથમિક શાળા,કૃતિ-સ્કેચ કોડિંગ માં વિજેતા જાહેર કરવામાં આવી હતી.વિજેતા શાળાઓ હવે પછી જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે.