23વર્ષે પાલિકા પ્રમુખનું તાજ વણિક સમાજમાં:લઘુમતી સમાજને પણ વર્ષો બાદ પાલિકાના વહીવટમાં સ્થાન…
દાહોદ નગરપાલિકામાં પ્રમુખપદે નિરજ (ગોપી) દેસાઈ તેમજ ઉપપ્રમુખ તરીકે શ્રદ્ધાબેન ભડંગને કમાન સોપાઈ..
પ્રદેશ પ્રમુખની ગાઈડલાઈનમાં કદ્દાવાર નેતાઓના પત્તા કપાતા સભ્યોએ અંદરો અંદરના વસવસા તેમજ ભારેમનથી ચૂંટાયેલા હોદ્દેદારોને અનિવાર્ય અનિષ્ઠ તરીકે સ્વીકાર્યા..
ચાહકો તેમજ સમર્થકોએ આતિશબાજી કરી મીઠાઈઓ વહેંચી
ચૂંટણી પૂર્ણ થતા પાલિકા નો અંદરો અંદરનો ઉકળતો ચરું બહાર આવ્યો: લોકશાહીની હાર સરમુખત્યારશાહીનો વિજયના સ્ટેટ્સ શોષયલ મીડિયામાં વાયરલ.
દાહોદ તા.12
દાહોદ નગરપાલિકાની બાકી બચેલી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોની ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં પાર્ટી હાઈ કમાન્ડમાંથી મેન્ડેટ આવતા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન પક્ષનાનેતા દંડક,તેમજ બાંધકામ સમિતિના ચેરમેન જાહેર થતાં નવનિયુક્ત ચૂંટાયેલા પદાધિકારીઓના તેમજ પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સમર્થકો તેમજ ચાહકોએ ફટાકડાની આતિશબાજી કરી એકબીજાને મીઠાઈઓ વહેંચી હતી. પાર્ટીમાંથી મેન્ડેટ આવતા જન પ્રતિનિધિઓએ નવ નિયુક્ત ચૂંટાઈને આવેલા હોદ્દેદારોને ભારે મનથી શુભકામનાઓ પાઠવી હતી.તો નવનિયુક્ત પાલિકા પ્રમુખે આગામી અઢી વર્ષની ટર્મ દરમિયાન દાહોદ શહેરની મૂળભૂત
સમસ્યાઓ, તેમજ અટકેલા પ્રજા લક્ષી વિકાસ કામો અગ્રીમતાથી પૂર્ણ કરવાની બાંહેધારી મીડિયા સમક્ષ આપી હતી.જોકે મોંવડી મંડળ દ્વારા આગામી 2024 લોકસભાની ચૂંટણી, તમામ સમાજનો બેલેન્સ જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.લઘુમતી સમાજમાંથી પ્રમુખ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોપાય તે અંગે ઉઠેલી માંગોને ધ્યાને લઈ વર્ષો બાદ મુસ્લિમ સમાજમાંથી ચૂંટાયેલા સુધરાઈ સભ્યને પાલિકામાં સ્થાન આપી લઘુમતી વોટબેંક વધુ મજબૂત કરી સમતોલન જાળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ વખતે આશ્ચર્યજનક રીતે સિંધી સમાજમાંથી કોઈને જવાબદારીનો આપવામાં આવી હોવાનું લેખાઈ રહ્યું છે.
દાહોદ નગરપાલિકાના અઢી વર્ષની ટર્મનો કાર્યકાળ પૂર્ણ થતા આગામી અઢી વર્ષની ટર્મ માટે પાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારી એન. બી.રાજપૂતની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી જેમાં પાલિકા પ્રમુખ તરીકે નીરજ નિકુંજકુમાર (ગોપી )દેસાઈ, ઉપપ્રમુખ તરીકે શ્રદ્ધાબેન ચિરાગકુમાર ભડંગ,કારોબારી ચેરમેન તરીકે હિમાંશુભાઈ રમેશચંદ્ર બબેરીયા, પક્ષના નેતા તરીકે દીપેશભાઈ રમેશચંદ્ર લાલપુરવાળા,દંડક તરીકે એહમદભાઈ રસુલભાઈ ચાંદ, તેમજ બાંધકામ સમિતિના પદે શ્રીમતી માસુમબેન મહોમદ ગરબાડાવાળાને મોવડી મંડળ દ્વારા જવાબદારી સોપાતા ચૂંટાયેલા હોદ્દેદારોના પરિવારજનો તેમજ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પાલિકાની બહાર સમર્થકો તેમજ ચાહકોએ આતિશબાજી તેમજ મીઠાઈઓ વહેંચી ઉત્સવ મનાવ્યો હતો. નવ નિયુક્ત ચૂંટાયેલા હોદ્દેદારોને ઉપસ્થિત સુધરાઈ સભ્યોએ શુભકામનાઓ બધાઇઓ આપી હતી. પ્રદેશ પ્રમુખની ગાઇડલાઇન મુજબ કપાઈ ગયેલા દાવેદારોએ મનોમન આંતરિક વસવસા સાથે તેમજ ભારે મનથી પાર્ટીના આદેશને અનિવાર્ય અનિષ્ટ તરીકે સ્વીકારી લીધા હતા.ત્યારે ચૂંટાઈ આવેલા નવનિયુક્ત હોદ્દેદારોએ સુદાઈ સભ્યોના સંકલનમાં રહી દાહોદના પ્રજાલક્ષી કામોને અગ્રિમતા આપી વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે બાહેદારી આપી હતી.
ભાજપ સત્તા પર આવ્યા બાદ પ્રથમ વખત અને પાલિકાના વહીવટમાં 37 વર્ષ બાદ લઘુમતી સમાજને સ્થાન..
દાહોદ નગરપાલિકાની પ્રમુખ ખૂબ પ્રમુખની અઢી વર્ષની ટર્મ માટે થોડાક દિવસ અગાઉ નિરીક્ષકોની ટીમ સેન્સ દાહોદ કમલમ ખાતે આવી હતી.તે દરમિયાન લઘુમતી સમાજમાંથી નગરપાલિકામાં પ્રમુખ પ્રમુખ તેમજ અન્ય હોદ્દાઓમાં સ્થાન મળે તેમજ દાહોદના વિકાસમાં લઘુમતી સમાજ પણ ભાગ ભજવે તે અંગેની પોસ્ટ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ હતી.ત્યારબાદ સી.આર.પાટીલની ગાઈડલાઈન આવતા મોટાભાગના કદાવર દાવેદારોની બાદબાકી થઈ છે.1995 માં જ્યારથી ભાજપ પાલિકામાં સત્તા પર આવ્યું છે ત્યારબાદ સૌપ્રથમ વખત લઘુમતી સમાજમાંથી અહેમદ ચાંદને પાલિકાના વહીવટમાં દંડક તરીકે સ્થાન આપી લઘુમતી સમાજની માંગણીને સંતોષી છે. અત્રે ઉલ્લેખની છે કે આ પહેલા દાહોદ નગરપાલિકામાં 1986 થી 1988 કોંગ્રેસના બેનર તળે મુસ્લિમ સમાજમાંથી જેનુંદ્દીન કાજી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
ભાજપ સત્તામાં આવ્યા બાદ 23 વર્ષે પાલિકા પ્રમુખની કમાન વણિક સમાજને સોપાઈ..
દાહોદ નગરપાલિકાના વહીવટમાં વણિક સમાજમાંથી 23 વર્ષે પસંદગી થવા પામી છે.આ પહેલા જ્યારે 1995 માં ભાજપ ભાજપ પાલિકાના સત્તામાં આવ્યું હતું. તે સમયે એક-એક વર્ષ માટે પ્રમુખ બનાવવા માટે ફોર્મ્યુંલા નક્કી કરવામાં આવી હતી.જેમાં પ્રથમ વખત 1 જાન્યુઆરી 1995 થી 2 જાન્યુઆરીના એક વર્ષના કાર્યકાળ માટે વણિક સમાજમાંથી વિરલ દેસાઈની નિમુંણક કરવામાં આવી હતી.ત્યારબાદ 1999 માં ગણિત સમાજમાંથી મહેશભાઈ દેસાઈને પાલિકા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.ત્યારબાદ 23 વર્ષે આજરોજ યોજાયેલી ચૂંટણીમાં વણિક સમાજમાંથી નીરજ (ગોપી) દેસાઈને સ્થાન આપવામાં આવ્યું છે.
લોકશાહીની હાર અને સરમુખત્યારશાહીની જીતના સોશિયલ મીડિયા પર સ્ટેટસ સાથે નગરપાલિકાની જુથબંદી છતી થઈ..
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નો રીપીટ થિયરીની જાહેરાત કરતાની સાથે દાહોદ નગરપાલિકાના પ્રમુખ પ્રમુખ માટેના સમીકરણોમાં મોટો ફેરફાર આવ્યો હતો. નિરીક્ષકો દ્વારા લેવાયેલા સેન્સમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના પદ માટે દાવેદારી નોંધાવી હતી. તેમાંથી મોટાભાગના ભૂતકાળમાં અથવા વર્તમાનમાં ઉપરોક્ત સ્થાન પર પદ ભોગવી ચુક્યા હતા.જેથી નો રિપીટ થિયરીમાં તેઓનું પત્તું કપાઈ જતા આ વખતે નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ ગત ટર્મમાં પણ પાલિકાના વહીવટમાં ભાજપના અંદરો અંદરની જૂથબંદી જાહેર થવા પામી હતી જે આજે પણ યથાવત રહેવા પામી હતી. આજે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પૂર્વ પાલિકા પ્રમુખ અને ગત ટર્મમાં પક્ષના નેતા રહી ચૂકેલા સુધરાઈ સભ્ય રાજેશ સેહતાઈએ પોતાના સોશિયલ મીડિયામાં ” લોકશાહીની હાર તેમજ સરમુખત્યારશાહીનો વિજય” સાથેની પોસ્ટ મુકતા આ પોસ્ટ ગણતરીની મિનિટોમાં વાયરલ થતા પાલિકામાં નવા ચૂંટાઈને આવેલા સભ્યોને અનિવાર્ય અનિષ્ટ તરીકે ભારે મનથી સ્વીકાર કરનાર સુધરાઈ સભ્યોની વેદના સોશિયલ મીડિયામાં પોસ્ટ થકી બહાર આવી હતી. તો સાથે સાથે ભાજપની અંદરોઅંદરની જૂથબંદી પણ સાર્વજનિક થવા પામી હતી. જોકે આ મામલે વિપરીત ગત ટર્મમાં કારોબારી ચેરમેન રહેલા અને આ વખતે પ્રમુખ પદ માટેના પ્રબળ દાવેદાર લખનભાઈ રાજગોરે પાર્ટી હાઈ કમાન્ડના ફેસલાને શિરો માન્ય રાખી જાહેર કરાયેલા નવનિયુક્ત પદાધિકારીઓના સાથે ખભે થી ખભા મિલાવી આગામી અઢી વર્ષના કાર્યકાળમાં તમામ સુધરાઈ સભ્યોના સંકલન સાથે દાહોદના પ્રયાલક્ષી કામોને અગ્રીમતા સાથે પૂર્ણ કરવા બાહેધારી આપી હતી.
ભાજપે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વિવિધ સમાજમાંથી પ્રતિનિધિત્વ સોંપી સમતોલન જાળવ્યું..
ભાજપના મોવડી મંડળે અઢી વર્ષની ટર્મ માટે નો રીપીટની થીયરી અપનાવી દિગ્ગજોને પડતા મૂકી નવા ચહેરાઓને પાલિકામાં સ્થાન આપ્યું હતું.જેમાં આગામી 2024 ની લોકસભાને અનુલક્ષીને પસંદગી કરી હોવાનું લેખાઈ રહ્યું છે. દાહોદ શહેરમાં મુખ્યત્વે વણિક સમાજ, સિંધી સમાજ,મોંઢીયા સમાજ,વ્હોરા તથા લઘુમતી સમાજ બહોળું સંખ્યામાં વોટ બેન્ક ધરાવતું હોવાથી ભાજપે આ તમામ પાસાઓનું 360 ડીગ્રી એંગલ પર એનાલિસિસ કરી ભાજપની વિચારધારા તેમજ ભાજપના મજબૂત વોટબેંક તરીકે પ્રસ્થાપિત થયેલા વણિક, તેમજ મોંઢ, તેમજ સિંધી સમાજમાંથી કોઈ એક વ્યક્તિને પાલિકાના વહીવટમાં પ્રતિનિધિત્વ મળશે તે પહેલાથી જ અણસાર આવી ગયા હતા.તે પ્રમાણે ભાજપે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ વણિક, મોંઢ,તેમજ વ્હોરા સમાજને સ્થાન આપ્યું હતું. તો આ વખતે ગત વિધાનસભાની ચૂંટણીમાં લઘુમતી સમાજ પણ ભાજપ તરફે રહ્યું હોવાથી લઘુમતી સમાજને પણ 37 વર્ષે પાલિકાના વહીવટમાં સ્થાન આપ્યું હતું. પરંતુ આ વખતે સિંધી સમાજની આશ્ચર્યજનક રીતે બાદબાકી કરવામાં આવી હતી.જે આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નરી આંખે દેખાઈ આવી હતી.