લીમખેડા તાલુકાના પાલ્લી ગામેથી પોલીસે વૈભવી ગાડીમાંથી 2 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપ્યો: ચાલક ફરાર..
લીમખેડા તા.05
લીમખેડા તાલુકાના પાલ્લી ગામે ધાનપુર ચોકડી ખાતેથી લીમખેડા પોલીસે બાતમીના આધારે વોચ દરમિયાન ફોરવીલર ગાડીમાંથી બે લાખ ઉપરાંત ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા તેમજ ફોરવીલ ગાડી મળી છ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરોક્ત બનાવમાં ફોરવીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવનાર ખેપીઓ પોલીસને ચકમો આપી ભાગી છુંટવામાં સફળ રહેતા પોલીસે ખેપિયા તેમજ વિદેશી દારૂની હેરફેરમાં સામેલ ઇસમોનું પગેરું શોધવા તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફોરવીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ખેપિયો મધ્યપ્રદેશથી ધાનપુર લીમખેડા તરફ આવનાર હોવાની બાતમી પેટ્રોલિંગમાં નીકળેલા એ.એસ.આઇ, હીતેશભાઇ કાન્તીભાઇ,સંજયભાઇ મોતીભાઇ,વીનોદભાઇ પ્રતાપભાઇ,પ્રતાપભાઇ માનજીભાઇ સહિતના પોલીસ કર્મીઓ લીમખેડા તાલુકાના પાલ્લી ગામે ધાનપુર ચોકડી પર વોચમાં ગોઠવાઈ ગયા હતા. તે દરમિયાન સામેથી બાતમીમાં દર્શાવેલ GJ.1.RL.3275 હ્યુન્ડાઇ ક્રેટા ગાડી આવતા સાબદી બનેલી પોલીસે ફોરવીલર ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ગાડીના ચાલકે પોલીસને જોઈ ગાડીને રિવર્સમાં લઇ ભાગવા જતા ફોરવીલ ગાડી ડિવાઇડર સાથે ભટકાઈને બંધ થઈ જતા પોલીસ ગાડી સુધી પહોંચે તે પહેલા જ ગાડીનો ચાલક પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ ફોરવીલ ગાડી પાસે પહોંચેલી પોલીસે તલાસી લેતા તલાસી દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની ૩૮ પેટીઓમાં 1824 બોટલો મળી 2,00640 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ચાર લાખ કિંમતની ફોરવીલ ગાડી મળી કુલ 6.00.640 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ લાવનાર ચાલક તેમજ વિદેશી દારૂની હેરફેરમાં સામેલ અન્ય લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.