પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી વિદેશી દારૂની પેટીઓની ચોરીથી પોલીસબેડામાં ખળભળાટ: પોલીસ કોન્સ્ટેબલ, GRD જવાન સહિત 15 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ
સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા પકડેલો દારૂની 23 પેટીઓ પીપલોદ પોલીસ કમ્પાઉન્ડમાંથી બારોબાર સંગેવગે કરાઈ
પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના ઇનપુટના આધારે પોલીસ સ્ટેશનમાંથી દારૂની ચોરીનો ભેદ ખુલ્યો..
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી ૨૩ જેટલી વિદેશી દારૂની પેટીઓ ચોરાતાં જિલ્લા પોલીસ બેડા સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો. આ મામલે એક્શનમાં આવેલ જિલ્લા પોલીસ વડાએ તપાસનો ધમધમાટ આરંભ કરતાં પોલીસ કોન્સ્ટેબલ, જીઆરડી જવાન, ટીઆરબી જવાન સહિત કુલ ૧૫ વ્યક્તિઓ વિરૂધ્ધ નામજાેગ ફરિયાદ દાખલ કરતાં પીપલોદ પોલીસ બેડામાં સ્તબ્ધતા પ્રસરી જવા પામી હતી. જાણવા મળ્યાં અનુસાર ગત તા.૨૦મી ઓગષ્ટના રોજ ૪૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો જેમાંથી ૨૩ પેટીઓ ચોરી કરવામાં આવી હતી.
ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમે ગત તા.૨૦મી ઓગષ્ટના રોજ ૪૪ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ વિદેશી દારૂ દેવગઢ બારીઆના પીપલોદ પોલીસ મથકના કંમ્પાઉન્ડમાં મુકવામાં આવ્યો હતો ત્યારે આ વિદેશી દારૂની પેટીઓમાંથી ૨૩ પેટીઓ ચોરી થઈ હોવાનું સામે આવતા આ મામલે તેઓએ તપાસ હાથ ધરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણ દાહોદ જિલ્લા પોલીસ વડાને થતાં પોલીસ વડા દ્વારા તપાસના આદેશો આપતાં આ વિદેશી દારૂની પેટીઓની ચોરીની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ, ડીઆરડી જવાન, ટીઆરબી જવાન સહિત કુલ ૧૫ વ્યક્તિઓ સામેલ હોવાનું જણાતા પોલીસ સ્તબ્ધ થઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો જેમાં પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ગોપાળભાઈ, સતીષભાઈ ગણપતભાઈ પટેલ (રહે. રેબારી, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ), પ્રકાશકુમાર મહેશભાઈ કોળી (રહે. ધબુકા જામદરા, તા.સીંગવડ, જિ.દાહોદ), નંદુ ઉર્ફે રવિન્દ્રકુમાર પ્રતાપભાઈ પટેલ (રહે. પંચેલા, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ), વિપુલકુમાર વિનોદભાઈ સોલંકી (રહે. સાલીયા, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ), જયેશકુમાર ગજુભાઈ સોલંકી (રહે. સાલીયા, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ), દિલીપકુમાર મણીલાલ બારીયા (રહે. ધબુકા જામદરા, તા. સીંગવડ, જિ.દાહોદ), ધર્મેન્દ્રકુમાર જશવંતસિંહ બારીયા (રહે. સાલીયા, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ), રાજેન્દ્રકુમાર ચંન્દ્રસીંહ પટેલ (રહે. પીપલોદ, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ), અર્જુનભાઈ નરવતભાઈ પટેલ (રહે. અંતેલા, દેવગઢ બારીઆ, જિ.દાહોદ), એક અજાણ્યો રીક્ષાવાળો, એક બલ્યુ કલરની સ્વીફ્ટ ગાડીવાળો, પીપલોદ બજારમાં દુકાનમાં શોપીંગ સેન્ટરમાં નોકરી કરનાર, જીતેન્દ્રભાઈ ફુલસીંહ સોલંકી (રહે. પીપલોદ, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) અને અરવીંદભાઈ બળવંતભાઈ સોલંકી (રહે. પીપલોદ, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) નાઓએ એકબીજાના મેળાપીપણામાં આ વિદેશી દારૂની ચોરી કરી હતી. પોલીસે સતીષકુમાર ગણપતભાઈ પટેલ તથા પ્રકાશકુમાર મહેશભાઈ કોળીના રહેણાંક મકાનમાંથી કુલ ૨૪ નંગ. વિદેશી દારૂની બોટલો જેની કુલ કિંમત રૂા. ૧૨,૦૦૦ નો પ્રોહી જથ્થો કબજે કર્યાે હતો.
પીપલોદ પોલીસ મથકમાંથી વિદેશી દારૂની ચોરીની ઘટનાના સમાચાર વાયુવેગે જિલ્લામાં ફેલાતાં સૌ કોઈમાં આશ્ચર્ય ફેલાઈ જવા પામ્યું હતું. આ સંબંધે પીપલોદ પોલીસ દ્વારા ઉપરોક્ત તમામ વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.